અક્ષય કુમારના ભાગે ફરી ફ્લોપ ફિલ્મઃ કેસરી-ચેપ્ટર-2નું કલેક્શન નિરાશાજનક

એક સમયે અક્ષય કુમારની ફિલ્મ 100-200 કરોડનો બિઝનેસ આરામથી કરી લેશે તેમ કહી નિર્માતાઓ તેને ફિલ્મમાં લેવા માટે લાઈનો લગાવતા, પણ છેલ્લા લાંબા સમયથી અક્ષય એકપણ હીટ ફિલ્મ આપી શક્યો નથી. દરેક ફિલ્મમાં અક્ષયના વખાણ થાય છે, પરંતુ ફિલ્મ કમાણી કરી શકતી નથી. કેસરી ચેપ્ટર-2ના પણ આવા જ હાલ છે. અક્ષયની ફિલ્મના સારા રિવ્યુ આવ્યા હોવા છતાં બોક્સ ઓફિસ પર ખાસ કોઈ કરતબ દેખાડી શકી નથી.
ફિલ્મનું ફર્સ્ટ ડે કલેક્શન ઘણું જ નિરાશાજનક હતું. 18મી એપ્રિલે રિલિઝ થયેલી ફિલ્મને પહેલા દિવસે માત્ર 7.48 કરોડ જેટલું કલેકશન મળ્યું હતું. બીજા દિવસે એટલે કે શનિવારે આ કલેક્શન રૂ. 10..8 કરોડ નોંધાયું હતું જ્યારે રવિવારે થોડું વધીને રૂ. 12.25 કરોડનું કલેકશન થયું હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ દિવસમાં ફિલ્મે માત્ર રૂ.30 કરોડનું કલેક્શન કર્યું છે. જે અક્ષયની ફિલ્મ પાસેથી અપેક્ષા હોય તેના કરતા ઘણું જ ઓછું છે. પહેલા વિક એન્ડમાં ફિલ્મ ન ચાલી હોવાથી વિક ડેઝમાં ચાલશે તેવી અપેક્ષા ઓછી છે. બીજા વિક એન્ડમાં ફિલ્મ સારું કરે તેવી અપેક્ષા છે. માઉથ પબ્લિસિટી હવે અક્ષયની ફિલ્મને બચાવી શકે તેમ છે.
ફિલ્મ 1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડની પાર્શ્વભૂમિ પર બનેલી ફિલ્મમાં અક્ષય કુમારે એડવોકેટ સી. શંકરનની ભૂમિકા ભજવી છે. આર. માધવન, અનન્યા પાંડે સહિતના કલાકારો આ ફિલ્મમાં છે. ફિલ્મમાં કોર્ટરૂમ ડ્રામા છે અને અક્ષયના વખાણ થઈ રહ્યા છે, પણ અક્ષયને જે સુપરહીટ ફિલ્મની આશા છે તે આ નહીં હોય તેમ લાગી રહ્યું છે.
આપણ વાંચો: દેશની ટોચની 10 અભિનેત્રીની યાદી જાહેર, કોણ દીપિકા-આલિયા કરતા છે આગળ?