Sarfira Review: અક્ષયને ચમકાવતી આ સાઉથની રિમેક કેટલી ઉડાન ભરશે?

તાજેતરમાં જ રાજકુમાર રાવની ફિલ્મ શ્રીક્રાંત રિલિઝ થઈ. એક અંધ બિઝનેસમેનના જીવન પરથી બનેલી આ ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો, પણ આ પ્રકારની ફિ્લ્મોમાં પ્રોટેગોનિસ્ટના જીવનો સંઘર્ષ અને તેની સાથે જોડાયેલા પ્રસંગોને ઈમોશનલી બતાવવા સિવાય અને ક્યાંક ને ક્યાંક ડ્રામા ક્રિએટ કર્યા સિવાય ડિરેક્ટર પાસે ખાસ કઈ બચતું નથી અને આથી હવે બાયૉપિક કે કોઈ એક વ્યક્તિના જીવનનો સંદર્ભ લઈને બનાવેલી ફિલ્મો દર્શકો પર અસર છોડવામાં જોઈએ તેટલી સફળ પુરવાર થઈ રહી નથી. આવું જ કંઈક અક્ષય કુમારની રિલિઝ થઈ રહેલી સરફીરા સાથે થયું છે. ઘણા સમયથી એક સુપરહીટ ફિલ્મ માટે તરસતો અક્ષય અને તેના ફેન્સ આ ફિલ્મથી પણ પૂરેપૂરાં તૃપ્ત થઈ નહીં શકે તેમ લાગે છે. તો ચાલો જાણીએ કેવી છે અક્ષયની સરફીરા…
આ ફિલ્મની સ્ટોરી ઈતિહાસાન પન્નાઓ ફંફોસી બનાવાઈ છે. કે જ્યારે ભારતના આકાશમાં મોંઘી એરલાઈન્સનો દબદબો હતો અને પ્લેનમાં બેસવું એ પોતાનું ચાર્ટડ હોવા જેટલું જ માનવામાં આવતું ત્યારે એર ડેક્કન નામની સસ્તી એરલાઈન આવી. ભારતીય સેનામાં કેપ્ટન રહી ચૂકેલા જી. આર. ગોપીનાથના ઔદ્યોગિક સાહસ ખેડવાના જુસ્સાએ તમામ મુશ્કેલીઓને પાર કરીને આ એરલાઇન શરૂ કરી, જેના પછી ભારતીય ઉડ્ડયન ક્ષેત્રનો ચહેરો બદલાવા લાગ્યો. દેશમાં આજે પણ એવિયેશનની સ્થિતિ ખૂબ જ સારી નથી પણ જેટલો પણ આજે જો દેશના તમામ નાના શહેરો હવાઈ માર્ગે જોડાયેલા છે પ્રમાણમાં સસ્તા ભાવે હવાઈ મુસાફરી થઈ શકે છે તો તેમાં આ ગોપીનાથનો ફાળો છે જ અને તેમની આ ઉડાનને સલામ એટલે અક્ષયની ફિલ્મ સરફીરા.

અક્ષય કુમારની સરફિરા સાઉથની સૂરરાય પોત્રુ (Soorarai Pottru) ની હિન્દી રિમેક છે. જેનું દિગ્દર્શન સુધા કોંગારાએ કર્યું છે જેમણે મૂળ ફિલ્મનું પણ નિર્દેશન કર્યું હતું. એટલે કે, વિક્રમ વેધાની જેમ જ, જેનું દિગ્દર્શન ગાયત્રી પુષ્કર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે તમિળમાં આ બ્લોકબસ્ટર ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. પરંતુ હિન્દીમાં આવતાની સાથે જ તેની ચમક ગુમાવી દીધી. સરફિરા સાથે પણ કંઈક આવું જ થાય છે. વાર્તા એક એવા માણસની છે જે ઓછી કિંમતની એરલાઇન બનાવવા માંગે છે અને તેના સંઘર્ષના તાતણાથી આ ફિલ્મ ગૂંથી છે. ફિલ્મની કથા પ્રેરણાદાયી ચોક્કસ છે. આ સાથે એક પરિવાર કઈ રીતે હિંમત આપી શકે, નિષ્ફળતા અને નિરાશામાંથી બહાર કાઢી શકે તે પણ સારી રીતે દર્શાવાયું છે.

એક સારો પ્રયાસ છે કે તમિળ પાર્શ્વભૂમિ ન રાખતા ફિલ્મ મહારાષ્ટ્ર, મરાઠી માણૂસ અને મુંબઈમાં સેટ કરવામાં આવી છે, એટલે કથા સાથે જોડયેલા રહી શકાય છે.
અક્ષય કુમાર અગાઉ પેડમેન, મિશન રાનીગંજ, પૃથ્વીરાજ ચૌહાણ જેવી બાયોપિક કરી ચૂક્યો છે અને તેની જેમ આ પણ એવરેજ જ સાબિત થઈ છે. ફિલ્મમાં અક્ષયનું કેરેક્ટર જોઈએ તેટલું પ્રભાવશાળી નથી. રાધિકા મદાનની મહેનત દેખાય છે, પણ ઘણી જગ્યાએ નબળી પડી છે. પરેશ રાવલ તેમની ભૂમિકાને અનુરૂપ છે. જોકે અક્ષય અને પરેશને આ પ્રકારના રોલમાં જોયેલા હોય તાજગી કે નવીનતાનો અભાવ છે.

ડિરેક્ટરે વાર્તા સારી રીતે કહેવાની પ્રામાણિક કોશિશ કરી છે. ફિલ્મ બોરિંગ કે ખેંચાયેલી નથી લાગતી પણ ક્યાંક ક્યાંક પક્કડ છોડી દે છે. અગાઉ કહ્યું તેમ આવી ફિલ્મોમાં ઈમોશનલ ડ્રામા હોવાનો જ, જે દર્શકો વારંવાર જોઈ કંટાળી ગયા છે.
સાઉથની ફિલ્મ આની સામે ખૂબ જ ચડિયાતી પણ લાગે છે. તેની ઉડાન નામથી હિન્દી ડબ ફિલ્મ પણ ઓટીટી પર અવેલેબલ છે. જ્યારે તમારી પાસે સારો ઓપ્શન હોય તો થિયેટરમાં આ જોવા શું કામ જવું. પણ હા જો તમને આવી ઈમોશનલ ફિલ્મો ગમતી હોય, અક્ષયના ફેન હો અને રજાના દિવસે રિલેક્સ થવા માગતા હો તો એકવાર જોઈ શકાય.