અકેલે મરુંગી મૈં… જાણો પૂનમે કેમ આવું કહ્યું હતું?
મુંબઈ: બૉલીવૂડની જાણીતી અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડે (Poonam Pandey Death)ના મોતથી ઈન્ડસ્ટ્રીમાં શોક ફેલાઈ ગયો છે. અભિનેત્રી કંગના રનૌતના ‘લોક અપ’ નામના રિયાલિટી શોમાં પૂનમ પાંડેએ કહેલી એક વાત વાઇરલ થઈ રહી છે. પૂનમ પાંડેના મોતને લઈને કંગનાએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.
2022માં ‘લોક અપ’ના શોમાં પૂનમ પાંડે પણ હતી. શોમાં પોતાના ગેમ અને ઝઘડાને કારણે પૂનમ પાંડે ખૂબ જ ચર્ચામાં આવી હતી. આ શોના એક એપિસોડમાં પૂનમ પાંડેએ પોતાના પરિવાર અને લગ્નથી લઈને અન્ય વાતો શેર કરી હતી. પૂનમ પાંડેએ કહ્યું હતું કે તેની ખરાબ ઇમેજને લીધે તેના પરિવાર અને સમાજે તેને કાઢી મૂકી હતી.
‘લોક અપ’ શોમાં કરણ બોહરા સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે ત્રણ-ચાર વર્ષ પહેલા હું મારી માતા, પપ્પા અને બહેન સાથે રહેતી હતી. જોકે મારા લીધે તેમને પણ સમાજે ધિક્કાર્યા હતા. હું જ્યારે મારા પરિવારને એકલી ચલાવતી હતી ત્યારે મારા મા-બાપે મને કશું જ નહોતું કહ્યું. મેં કોઈ પણ વિશે ક્યારેય ખરાબ કહ્યું નથી. હું માત્ર એક ખૂણામાં રહીને પોતાનું કામ કરું છું.
આ એપિસોડમાં પૂનમ પાંડેએ અનેક બાબતોનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે એક વખત મને હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ઘરની અંદર જવાથી રોકવામાં આવી હતી અને મારા જ પરિવારે મને ખોટી ગણાવી હતી. આ વાતનું મને ખૂબ જ દુઃખ થયું હતું. લોકો મને સમજવાનો પ્રયત્ન નથી કરતાં અને મને જજ કરે છે. મને જજ કરવા પહેલા મને મળીને સમજવાની પ્રયત્ન તો કરો, એવું પૂનમ પાંડેએ કહ્યું હતું.
એક એપિસોડમાં અભિનેત્રી અંકિતા લોખંડેએ ગેસ્ટ એન્ટ્રી લીધી હતી. જોકે અંકિતાની શોમાંથી એક્ઝિટ થયા બાદ પૂનમ પાંડે ઈમોશનલ થતાં તે રડવા લાગી હતી. પૂનમ પાંડેએ રડવાનું કારણ પૂછતાં કહ્યું હતું કે મને મારા પતિ સૈમની યાદ આવે છે. મે ચાર વર્ષો સુધી ઘણા પ્રયત્નો કર્યા. મારા પણ લગ્ન તૂટતાં બચી જાત પણ મને લાગે છે કે હું મારી લાઈફમાં કઈ નહીં કરી શકું અને હું એકલી જ મરીશ.