અજય દેવગણે શેર કર્યું ‘દે દે પ્યાર દે 2’નું મોશન પોસ્ટર, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ…

મુંબઈ: અભિનેતા અજય દેવગણ એક્શન, થ્રિલર અને કોમેડી જેવી તમામ ફિલ્મો કરવા માટે જાણીતા છે. 2019માં આવેલી ફિલ્મ તેની રોમેન્ટિક કોમેડી ફિલ્મ “દે દે પ્યાર દે”એ દર્શકોનું સારી રીતે મનોરંજન કર્યું હતું. આ ફિલ્મને લઈને દર્શકોનો પ્રતિભાવ જોતા નિર્માતાઓ દ્વારા આ ફિલ્મની સિક્વલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેથી અજય દેવગણના ફેન્સ આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે એની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. આજે ‘દે દે પ્યાર દે’ની સિક્વલ ‘દે દે પ્યાર દે 2’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.
‘દે દે પ્યાર દે 2’માં નહીં હોય આ કલાકાર
લાંબા સમયથી રાહ જોવાતી અજય દેવગણ અને રકુલ પ્રીત સિંહ અભિનીત રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘દે દે પ્યાર દે’ની સિક્વલની રિલીઝ તારીખ આખરે જાહેર કરી દેવામાં આવી છે. ફિલ્મના નિર્મતાઓ દ્વારા આજે ફિલ્મનું પહેલું મોશન પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. જેમાં ફિલ્મના મુખ્ય કલાકારો અને રિલીઝ ડેટ જોઈ શકાય છે. આ સાથે ફિલ્મની સ્ટોરીનો પણ અંદાજ લગાવી શકાય છે.

અજય દેવગણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ મોશન પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં રકુલ પ્રીત સિંહનો પરિવાર અજય દેવગણને કારમાંથી બહાર ફેંકી દેતો જોવા મળે છે, જે ફિલ્મની સ્ટોરી રોમાંસ, અરાજકતા અને કોમેડીથી ભરપૂર હોવાનો સંકેત આપે છે.
ઇન્સ્ટાગ્રામ પર આ મોશન પોસ્ટર શેર કરીને અજય દેવગણે કેપ્શનમાં લખ્યું કે “પ્રેમની સિક્વલ મહત્વપૂર્ણ છે! શું આશિષને આયેશાના માતા-પિતાની મંજૂરી મળશે? #PyaarVsParivaar #DeDePyaarDe2 – 14 નવેમ્બર, 2025ના રોજ થિયેટરોમાં આવશે.”
ઉલ્લેખનીય છે કે, ‘દે દે પ્યાર દે’ ફિલ્મમાં 50 વર્ષીય ઉદ્યોગપતિ આશિષ (અજય દેવગણ) અને 26 વર્ષીય આયેશા (રકુલ પ્રીત સિંહ)ની લવ સ્ટોરી હતી. જેની સિક્વલ ‘દે દે પ્યાર દે 2’માં હવે આશિષ, આયેશાના પરિવારની મંજૂરી મેળવવાનો નવો પડકાર આવશે. અંશુલ શર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અજય દેવગણ, રકુલ પ્રીત સિંહ, આર. માધવન, મીઝાન જાફરી, ગૌતમી કપૂર, ઇશિતા દત્તા, જાવેદ જાફરી, જિમી શેરગિલ, આલોક નાથ અને કુમુદ મિશ્રા સહિત ઘણા નવા ચહેરા પણ જોવા મળશે. જોકે, આ ફિલ્મમાં તબુ જોવા મળશે નહીં.
આ પણ વાંચો…અજય દેવગણે કાજોલને કહ્યા વિના કર્યો કિસિંગ સીનઃ પછી માંગી માફી, જાણો કિસ્સો…