ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે દેખાયા? શું છે વાઈરલ વીડિયોની હકીકત…

બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનની જોડી હંમેશાથી જ ફેન્સની મનપસંદ જોડી છે, બંનેને સાથે જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થાય છે. છેલ્લાં કેટલાક દિવસથી બંનેના સંબંધોમાં ખટાશ જોવા મળી રહી છે, જેને કારણે ફેન્સ થોડા નારાજ છે. આ બધા સમાચારો વચ્ચે હવે ઐશ્વર્યા અને અભિષેકનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બંને સાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોઈને ફેન્સ એકદમ ખુશ થઈ ગયા હતા, પરંતુ આ વાઈરલ વીડિયોની હકીકત જાણીને કદાચ તેઓ પાછા દુઃખી થઈ જશે.
ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનનો આ વીડિયો ખૂબ જ ચર્ચામાં છે. આ વીડિયોને aishwaryaraibachchan_arb નામની ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. એવો દાવો કરાઈ રહ્યો છે કે આ વીડિયો દુબઈ એરપોર્ટનો છે. લાલ કલરની હૂડી અને બ્લેક લોઅરમાં અભિષેક હેન્ડસમ લાગી રહ્યો છે, જ્યારે ઐશ્વર્યા રાય બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે અને આરાધ્યા રેડ ટી શર્ટ અને બ્લ્યુ ડેનિમમાં પપ્પા અભિષેકની પાછળ જોવા મળી રહી છે. ત્રણેય જણ એક સાથે બસમાં બેસવા જઈ રહ્યા છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ ફેન્સ અભિષેક અને ઐશ્વર્યા સાથે છે એ જોતાં એકદમ ખુશ થઈ ગયા હતા તો કેટલાક યુઝર્સ આ વીડિયોને જૂનો ગણાવી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે આ વીડિયો હાલનો નહીં પણ ગયા વર્ષે દુબઈમાં થયેલાં એક એવોર્ડ શો દરમિયાનનો છે. બીજા એક યુઝરે લખ્યું કે તમે આરાધ્યાની હેરસ્ટાઈલ પર ધ્યાન આપ્યું? આ હેર સ્ટાઈલ જૂની છે. હવે આરાધ્યાની હેરસ્ટાઈલ અલગ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચેના મનમુટાવના રિપોર્ટ્સ આવી રહ્યા છે અને એમાં પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચને અલગ અલગ એન્ટ્રી લીધી હતી ત્યારથી તો બંને જણ ડિવોર્સ લઈ રહ્યા હોવાની ચર્ચા એકદમ જોરશોરથી થઈ રહી છે.