લો બોલો! લગ્નના 25 વર્ષ બાદ આ બોલીવુડ કપલે તેમના લગ્ન રજીસ્ટર કરાવ્યા!

અરશદ વારસી અને મારિયા ગોરેટી બોલીવુડના પોપ્યુલર કપલ્સમાંના એક ગણાય છે. તેમના લગ્નને 25 વર્ષ પૂર્ણ થયા છે. જેની તેઓ આગામી 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ના રોજ ઉજવણી કરશે. તેમણે 14 ફેબ્રુઆરી 1999ના રોજ લગ્ન કર્યા હતા, પરંતુ કમાલની વાત એ છે કે તેમણે હજુસુધી લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું નહોતું.
આટલા લાંબા સમય સુધી પરિણીત રહેવા છતાં તેમણે પોતાના લગ્નનું રજીસ્ટ્રેશન કરાવ્યું નહોતું. અરશદ અને તેમના પત્ની મારિયાએ 23 જાન્યુઆરીના રોજ કોર્ટ મેરેજ કર્યા છે. એક મિડીયા સંસ્થાને આપેલા ઇન્ટરવ્યૂમાં અરશદે જણાવ્યું હતું કે તેમના ધ્યાનમાં આ ક્યારેય આવ્યું જ નહિ કે તેમણે લગ્નની નોંધણી કરાવેલી નથી. જો કે હવે અમુક પ્રોપર્ટીને લાગતા કામકાજ માટે તેમને આવું કરવાની જરૂર પડી છે.
અરશદે જણાવ્યું હતું કે પ્રોપર્ટીના કામોમાં જ્યારે દસ્તાવેજોની જરૂર પડે ત્યારે તે યોગ્ય હોય તેવું જરૂરી છે. અમે કાયદા માટે આ કર્યું છે. જો કે લગ્ન વિશે અરશદે જણાવ્યું હતું કે જો તમે તમારા પાર્ટનર પ્રત્યે પ્રતિબદ્ધ હોવ તો લગ્ન એટલું મહત્વ ધરાવતા નથી.
એ પછી અરશદ વારસીએ પોતાના અને મારિયાના લગ્ન વિશેનો એક રસપ્રદ કિસ્સો વર્ણવ્યો. તેણે કહ્યું કે અમારા લગ્ન 14 ફેબ્રુઆરીએ થવા પાછળ એવું કોઈ કારણ નથી કે અમે એ દિવસને વધારે યાદગાર બનાવવા માંગતા હતા, આ કોઈ સમજી વિચારીને લેવામાં આવેલો નિર્ણય નહોતો. મારિયાના માતાપિતા ઇચ્છતા હતા કે અમે લગ્ન કરી લઈએ. જો કે કામની વ્યસ્તતાને કારણે થઈ શક્યું નહિ. 2-3 વર્ષના ડીલે બાદ અમે વિચાર્યું કે જે તારીખ મળે એ તારીખે પરણી જવું. આમ 14 ફેબ્રુઆરીએ બંને પક્ષ તરફથી મેળ પડે એમ હતો એટલે એ તારીખે જ લગ્ન કરી લીધા.