ના ઉમ્ર કી સીમા હોઃ સંધ્યાએ તે જમાનામાં 37 વર્ષ મોટા પુરુષ સાથે લગ્ન કર્યા હતા | મુંબઈ સમાચાર
મનોરંજન

ના ઉમ્ર કી સીમા હોઃ સંધ્યાએ તે જમાનામાં 37 વર્ષ મોટા પુરુષ સાથે લગ્ન કર્યા હતા

ગઈકાલે ભારતીય સિનેમાજગતની ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રીનું નિધન થયું. એક સમયે હીરોઈનનો રોલ પણ પુરુષો જ કરતા અને પછી ધીમે ધીમે ફિલ્મોમાં અભિનેત્રીઓની એન્ટ્રી થઈ તે સમયમાં ઘણી જ ક્લાસિક ફિલ્મો અને ગીતો આપનારી હીરોઈનોમાંની એક સંધ્યા આપણી વચ્ચે રહી નથી, પરંતુ તેણે ભારતીય સિનેમાને આપેલું યોગદાન અમર રહશે.

સંધ્યા તેનાં કરિયર સાથે પર્સનલ લાઈફ માટે પણ ચર્ચામાં રહી. અહીં એ જણાવી દઈએ કે આ અભિનેત્રીએ જે કોઈ બોલ્ડ ડિસિઝન લીધા તે 1950-1960નો સમયગાળો હતો જ્યારે મહિલાઓ તો શું પુરુષો માટે પણ ઘણા બંધન હતા.

અભિનેત્રી વ્હી. શાંતારામની શોધ છે સંધ્યા. શાંતારામ તે સમયના ખૂબ જ જાણીતા પ્રોડ્યુસર અને ડિરેક્ટર. ભારતીય સિનેમામાં તેમણે અમિટ છાપ છોડી અને આજે પણ જોવી ગમે તેવી ઉત્કૃષ્ટ ફિલ્મો આપી. વાત છે 1951ની. શાંતારામ પોતાની ફિલ્મ અમર ભોપાલી માટે હીરોઈન શોધતા હતા. સંધ્યાના રૂપમાં તેમને હીરોઈન મળી ગઈ. સંધ્યાની ડાન્સિંગ સ્કીલથી પણ તેઓ ઈમ્પ્રેસ્ડ થયા.


જોકે શાંતારામ જયશ્રીને પરણેલા હતા, પરંતુ કહેવાય છે કે તેમનું લગ્નજીવન તકલીફોમાંથી પસાર થતું હતું. આ સમય દરમિયાન સંધ્યા તેમના જીવનમાં આવી. સાથે ફિલ્મો કરી અને બન્ને વચ્ચે પ્રેમ પાગર્યો. શાંતારામ પરિણિત તો હતા જ પરંતુ તેનાથી પણ મોટી વાત કે તેઓ સંધ્યા કરતા37 વર્ષ મોટા હતા. પણ પ્રીત ન જાને રીત. બંને વચ્ચે પ્રેમ થયો અને લગ્ન કર્યાં. તેમના આ લગ્ન હિન્દી સિનેમાજગત માટે ખૂબ ફળદાયી નિવડ્યા. બન્નએ સાથે મળી સુંદર ફિલ્મો અને ગીતો બનાવ્યા.

આ ગીત વિના હોળી અધૂરી

હોળી આવે ત્યારે એક ગીત અવશ્ય વાગે છે અને તે છે અરે જારે હટ નટખટ…આ ગીત અત્યારે પણ એટલુંજ ક્રિએટીવ લાગે છે, પરંતુ ત્યારે આના શૂટ કરવામાં ઘણી મહેનત લાગી હતી. માત્ર એક જ નહીં, પણ નવરંગ ફિલ્મના બધા જ ગીત સંગીતજગતમાં અજર અમર થઈ ગયા હતા. આ ગીતમાં સંધ્યાએ અદભૂત નૃત્યકળા દર્શાવી હતી.


આ ગીતને એકદમ સ્પેશિયલ બનાવવા ઓરિજનલ હાથી ઘોડા બોલાવવામાં આવ્યા હતા અને બધા વચ્ચે શૂટ થયું હતું. આ ઉપરાંત નૈન સો નૈન નાહી મિલાઓ, આધા હૈ ચંદ્રમા રાત આધી, તું છુપી હૈ કહાં મૈં તડપતા યહાં જેવા ગીતો આજે પણ ધૂમ મચાવે છે. સંધ્યા અને શાંતારામનું વધુ એક અદભૂત ક્રિએશન એટલે દો આંખે બારાહ હાથ. આ ફિલ્મ પણ ભારતીય સિનેમાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ છે.

ગઈકાલે 87 વર્ષીય સંધ્યાનું નિધન થતાં આ યાદો સંધ્યાને જોનારાઓના મનમાં તાજી થઈ હશે. ભારતીય સિનેમાની સાદીસીધી પરંતુ રિયલ લાઈફમાં બોલ્ડ આ અભિનેત્રીને ભાવભરી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો…પ્રખ્યાત દિવંગત ફિલ્મ નિર્માતા વી. શાંતારામના પત્ની, પીઢ અભિનેત્રી સંધ્યાનું 94 વર્ષની વયે નિધન…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button