અભિનેત્રી રૂચિ ગુર્જરે ફિલ્મના સ્ક્રીનિંગમાં ડિરેક્ટરને ચપ્પલ માર્યા, વીડિયો થયો વાયરલ | મુંબઈ સમાચાર

અભિનેત્રી રૂચિ ગુર્જરે ફિલ્મના સ્ક્રીનિંગમાં ડિરેક્ટરને ચપ્પલ માર્યા, વીડિયો થયો વાયરલ

મુંબઈ: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકોના સંબંધો સુધરતા અને બગડતા વાર લાગતી નથી. તાજેતરમાં એવી જ એક ઘટના સામે આવી છે. એક અભિનેત્રીએ ડિરેક્ટરને જાહેરમાં ચપ્પલ માર્યો છે. જેને લઈને પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

અભિનેત્રી રૂચિ ગુર્જરને આવ્યો ગુસ્સો

મુંબઈના એક થિયેટરમાં ‘સો લોંગ વેલી’ ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ યોજાયું હતું. જેમાં ફિલ્મના ડિરેક્ટર માન સિંહ પણ હાજર રહ્યા હતા. મેટ ગાલામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરવાળો હાર પહેરનાર અભિનેત્રી રૂચિ ગુર્જર પણ આ સ્ક્રીનિંગમાં આવી હતી. ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન રૂચિ ગુર્જર ગુસ્સે થઈ ગઈ હતી અને ડિરેક્ટર સાથે દલીલ કરવા લાગી હતી. તેણે જાત પર કાબૂ ગુમાવ્યો હતો અને ડિરેક્ટર માન સિંહ પર ચપ્પલ વડે હુમલો કર્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

રૂચિ ગુર્જરે ડિરેક્ટર માન સિંહ સાથે કરેલા ઝઘડાથી થિયેટરમાં અફરાતફરી મચી ગઈ હતી. રૂચિની સાથે તેના સમર્થકો પણ આવ્યા હતા. ડિરેક્ટર સાથે વિવાદ થયા બાદ સમર્થકોએ ડિરેક્ટરના ફોટા પર લાલ ક્રોસ બનાવેલા પ્લેકાર્ડ બતાવ્યા હતા. કેટલાક પ્લેકાર્ડમાં ડિરેક્ટરને ગધેડા પર બેસેલા પણ બતાવવામાં આવ્યા હતા.

ડિરેક્ટર સાથેના ઝઘડાનું કારણ શું છે?

ફિલ્મી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ‘સો લોંગ વેલી’ ફિલ્મના સહ-નિર્માતા કરણ સિંહ ચૌહાણે રૂચિ ગુર્જરને એક ટીવી સિરિયલમાં સહ-નિર્માતા બનાવવાની ઓફર આપી હતી. જેના તેણે રૂચિ ગુર્જરને દસ્તાવેજો પણ મોકલ્યા હતા. ત્યારબાદ રૂચિએ જુલાઈ 2023થી જાન્યુઆરી 2024 સુધી તેની કરણ સિંહ ચૌહાણની કંપનીના એકાઉન્ટમાં પૈસા પણ ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ તે સિરિયલ શરૂ થઈ નહી.

રૂચિ ગુર્જરે થિયેટરમાં હોબાળો કર્યા બાદ કરણ સિંહ ચૌહાણ સામે ફરિયાદ દાખલ કરી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, રૂચિએ કરણ સિંહ ચૌહાણને આપેલા રૂપિયાનો ઉપયોગ સિરિયલ બનાવવા માટે નહીં, પરંતુ ‘સો લોંગ વેલી’ ફિલ્મ બનાવવા માટે કરવામાં આવ્યો છે. આ અંગે જાણ થતા રૂચિ ગુર્જરે કરણ સિંહ ચૌહાણને પોતાના રૂપિયા પાછા માંગ્યા હતા. પરંતુ કરણ સિંહે તેને ધમકી આપવાનું શરૂ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રૂચિ ગુર્જરની FIR અનુસાર મુંબઈ પોલીસે કરણ સિંહ ચૌહાણ સામે ભારતીય દંડ સહિતાની કલમ 318(4), 352 અને 351(2) હેઠળ ગુનો નોંધ્યો છે. FIRમાં કરણ સિંહ ચૌહાણે રૂચિ ગુર્જર સાથે 25 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…Sarzameen review: મોટા બેનર, મોટા સ્ટાર્સ, પણ ફિલ્મ એટલી કઢંગી કે ન પૂછો વાત…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button