મનોરંજન

Happy Birthday: આ અભિનેત્રીનો જન્મ આજે એટલે જ થયો હશે કે જે જૂએ તે તેનાં પ્રેમમાં પડી જાય

આજથી ઘણા દાયકાઓ પહેલા ભારતમાં આજની જેમ વેલેન્ટાઈન્સ ડે (Valentine Day) મનાવવા આવતો નહીં હોય. બહુ ઓછા લોકો હશે જેને આ પશ્ચિમી સ્ટાઈલથી પ્રેમનો ઈઝહાર કરવાની ખબર હશે, પણ ભારતના દિલ્હીના એક પશ્તૂન મુસ્લિમ પરિવારમાં આજના દિવસે એક પ્રિન્સેસનો જન્મ થયો તેનું કારણ લગભગ એ હશે કે તેને જે જુએ તો તેનાં પ્રેમમાં પડ્યા વિના રહે નહીં. આજના દિવસે 14મી ફેબ્રુઆરી, 1933ના વર્ષમાં મૂમતાઝ બેગમ જહાં દહલવીનો જન્મ થયો. ન ઓળખ્યા…એટલે કે સુંદરતાના પર્યાય જેવી મધુબાલા-Madhubalaનો જન્મ થયો. હા, આજે જો તે આપણી વચ્ચે હોત તો 91 વર્ષનાં હોત, પણ જેમ ચાંદને દાગ હોય છે તેમ આ બાળકીને જન્મથી જ હૃદયમાં છેદ હતો તેમ મીડિયા રિપોર્ટ્સ જણાવે છે અને તેથી જ માત્ર 36 વર્ષની ઉંમરે બીમારીથી ઝઝૂમતાં તેણે બીમારીને કહ્યું અચ્છા જી મૈં હારી…અને તે 23 ફેબ્રુઆરી, 1969માં દુનિયા છોડી ચાલી ગઈ.

જોકે તેણે જીવન મસ્ત થઈને પણ વિતાવ્યું અને દુઃખ પણ એટલું જ વેઠ્યું. મધુબાલા Madhubalaને 10 ભાઈબહેન હતા અને તે પાંચમાં નંબરનું સંતાન હતી, પણ સૌથી વધુ કમાતી હતી. નવ વર્ષની ઉંમરે તેણે બાળ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને હીરોઈન તરીકે પહેલો બ્રેક શૉ મેન રાજ કપૂર-Raj Kapoor સાથે નીલકમલથી મળ્યો. ત્યારબાદ તેની કારકિર્દીની ગાડી પાટા પર ચાલી અને ટોચના હીરો સાથે ઘણી ફિલ્મો કરી અને તેનાં પર ફિલ્માયેલા ઘણા ગીતો-નૃત્યો આજે પણ હિન્દી સિનેમા Bollywoodના બહેતરીન ગીતોમાંના એક છે.

મધુબાલાનો દિલીપ કુમાર-Dilip Kumar સાથેનો સંબંધ જગજાહેર છે, પણ તેનાં પહેલા પણ મધુબાલા કોઈને દિલ દઈ બેઠી હતી અને તે છે પ્રેમનાથ-Premnath. મધુબાલાની બહેન મધુર ભૂષણે એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. બાદલ ફિલ્મના શૂટિંગ સમયે મધુબાલાએ પ્રેમનાથને પ્રપોઝ કર્યું. વિલન તરીકે ફેમસ પ્રેમનાથના હોશ ઊડી ગયા હતા જ્યારે મધુબાલા Madhubalaએ તેને ગુલાબ અને લવલેટર આપ્યા હતા. બન્નેનો સંબંધ ચાલ્યો પણ પછી પ્રેમનાથના જીવનમાં બીના રોય આવી અને તેમણે મધુબાલાથી અંતર રાખવાનું ચાલુ કર્યું. મધુબાલાનું દિલ તૂટ્યું ને સંબંધ પૂરો થયો. ત્યારબાદ તેનાં જીવનમાં દિલીપ કુમાર આવ્યા. આ બન્નેની સગાઈ થઈ હોવાનું પણ કહેવાય છે અને સાથે મધુબાલાનાં પિતાએ સંબંધ તોડ્યો હોવાનું પણ કહેવાય છે, પણ અભિનેત્રીની બહેનનું માનીએ તો ફિલ્મ નયા દૌરમાં પહેલા મધુબાલાને સાઈન કરવામા આવી હતી, પરંતુ તેનું શૂટિંગ ગ્વાલિયરમાં હતું. મધુબાલાના પિતા ન હતા ઈચ્છતા કે ડાકૂઓ માટે જાણીતા ગ્વાલિયરમાં દીકરી જાય. આથી નિર્માતા બી.આર.ચોપડાએ દિલીપ કુમારને મધુબાલાને સમજાવવા મોકલ્યા, પરંતુ મધુબાલાનાં પિતા ને દિલીપ કુમાર વચ્ચે ગરમાગરમી થઈ ગઈ. દિલીપ કુમારે તેને ફિલ્મો છોડી લગ્ન કરવા કહ્યું અને મધુબાલાએ તેને પિતાની માફી માગવા. દિલીપ કુમારે માફી ન માગી અને સંબંધ તૂટી ગયો.

મધુબાલા ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તેની બીમારીએ ઉથલો માર્યો. પરિવાર સારવાર માટે લંડન જવાની તૈયારી જ કરતો હતો પણ કિશોર કુમારે Kishor Kumar મધુબાલાને પ્રપોઝ કર્યું. દિલીપ કુમારથી હતાહત થયેલી મધુબાલાએ આવેશમાં આવી 27 વર્ષની ઉંમરે 1960માં કિશોરદા સાથે લગ્ન કર્યા. જોકે મધુર ભૂષણનું માનીએ તો કિશોર કુમારે તેને બંગલો અને નોકરચાકર આપ્યા પણ પ્રેમ અને સમય ન આપ્યો. લંડનથી સારવાર બાદ આવી પછી કિશોર કુમાર બે ત્રણ મહિને તેમને મળવા આવતા હોવાનું મીડિયા રિપોર્ટ્સ કહે છે. એક સમયે જેની એક ઝલકથી લાખો યુવાનોનું દિલ ડોલી ઉઠતું તે મધુબાલા હવે બીમાર રહેતી, રોજ નાઈટીમાં રહેતી, કોઈ મેકઅપ કરતી નહીં અને એકલું જીવન વિતાવતી. આ સ્થિતિમાં જ તેણે અંતિમ શ્વાસ લીધા. જોકે મધુબાલાએ ક્યારેય પોતાના કામ આડે પોતાની બીમારી કે વ્યક્તિગત જીવન આવવા દીધું નહીં અને Bollywood ને ઓછા સમયમાં સુંદર ફિલ્મો આપી ગઈ.

…આજે તેમનો જન્મદિવસ છે ત્યારે આપણે તેમને ખુશી ખુશી યાદ કરીશું.
તો અમને કૉમેન્ટ બૉક્સમાં જણાવો કે મધુબાલાનું ક્યું ગીત તમારું ફેવરીટ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

One Comment

Back to top button