મનોરંજન

આ અભિનેતા લોકડાઉનમાં અલ્કોહોલિક બની ગયો હતો! પોડકાસ્ટમાં કર્યો ચોંકવનારો ખુલાસો

મુંબઈ: કોવિડ-19 પાનડેમિકને કારણે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, ધંધા રોજગાર ઠપ્પ થઇ જતા આ સમયગાળો લોકો માટે ખુબ જ મુશ્કેલ રહ્યો હતો. ચાર દીવાલની અંદર બંધ રહેવાને કારણે માનસિક સમસ્યાઓ પણ વધી હતી. એવામાં યે હૈ મોહબ્બતેં, કયામત કી રાત, કવચ અને ઝલક દિખલા જામાં જેવા ટીવી પ્રોગ્રામમાં માટે જાણીતા અભિનેતા વિવેક દહિયા(Vivek Dahiya)એ તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે લોકડાઉન દરમિયાન તેને દારૂની લત લાગી ગઈ હતી, જે છોડાવવા તેને થેરાપી લેવી પડી હતી.

એક પોડકાસ્ટ દરમિયાન વાત કરતા વિવેકે ખુલાસો કર્યો કે લોકડાઉન દરમિયાન તે દારૂનો વ્યસની થઈ ગયો હતો, જેના કારણે તેનું રૂટીન ખોરવાઈ હતું અને તેના જીવનમાં હતાશા વધી ગઈ હતી.

આ પણ વાંચો: ધોનીના એવોર્ડ કાર્યક્રમ વખતે થયેલા અનુભવ અંગે અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

ઘરમાં બાર બનાવ્યો:

વિવેકે દારૂના વ્યસન વિશે વાત કરતા કહ્યું, ‘મેં લોકડાઉનમાં દારૂ પીવાનું શરૂ કર્યું. હું ક્યારેય વધારે દારૂ પીતો નહોતો. હું એક એવો વ્યક્તિ હતો જે કેઝ્યુઅલ પાર્ટીમાં દારૂ પીતો હતો. હું ક્યારેય એવો વ્યક્તિ નહોતો જે દારૂનો ગ્લાસ લઇને ખુરશી પર બેસીને વાત કરે કે દુનિયામાં ઘણું દુઃખ છે, ચાલો દારૂ પીએ. હું ક્યારેય આવો નહોતો.’

તેણે વધુમાં કહ્યું, “મારા પિતાને પણ દારૂ પીવું ગમતું હતું, તેમને આરામદાયક અને વૈભવી જીવન ગમે છે. તેમણે મને એક વાર કહ્યું હતું કે જ્યારે પણ તું ઘર બનાવે, ત્યારે તેમાં સારો બાર બનાવજે.”

તેણે કહ્યું, “હું પ્રવાસ કરતો રહ્યું છું, મારા પિતાએ કહ્યું કે મારે ડ્રીંક્સ કલેક્ટ કરવા જોઈએ. મેં તે શરૂ કર્યું, દિવ્યાંકા અને હું ઘણું ટ્રાવેલ કરીએ છીએ. અમે લિમીટેડ એડીશનની બોટલો કલેક્ટ કરીએ છીએ. ધીમે ધીમે અમારો બાર સારો એવો થઈ ગયો.”

આ પણ વાંચો: ટીવી અભિનેત્રી દિવ્યંકા ત્રિપાઠીએ ટ્રોલ કરનારાઓને આપ્યો આવો જવાબ

લોક ડાઉનમાં બધું બદલાઈ ગયું:

વિવેકે આગળ કહ્યું, “લોકડાઉન દરમિયાન, મેં વિચાર્યું કે જો મને કંઈક થશે, તો મારી બોટલોનું શું થશે. કેટલીક મારા પિતા પાસે જશે અને કેટલાક મારા સસરા પાસે, પણ હું નહીં પી શકું. તો મેં પીવાનું શરૂ કર્યું. દરરોજ રાત્રે હું ગ્લાસ લઈને બેસતો, ધીમે ધીમે એ મારી લાઈફ સ્ટાઈલ બની ગઈ.”

વિવેકે કહ્યું, “જ્યારે આ લાઈફસ્ટાઈલ બની ગઈ, ત્યારે મને ઊંઘવામાં તકલીફ થવા લાગી. મેટાબોલિઝમ બગડવા લાગ્યું. હું બીજા દિવસે વર્કઆઉટ કરી શકતો ન હતો, વર્કઆઉટ વગર હું રહી શકું નહીં. ધીમે ધીમે હતાશા વધવા લાગી. હું અલ્કોહોલિક બનવા માંગતો ન હતો. પછી આમાંથી બહાર નીકળવા માટે, મારે થેરાપી સેશન લેવા પડ્યા. આ સેશન્સમાં ધ્યાન અને શ્વાસ લેવાની કસરતોનો સમાવેશ થતો હતો. મને ખુશી છે કે મેં તેનું પાલન કર્યું, આજે હું મજબૂત અને શિસ્તબદ્ધ છું.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button