આ ચેનલ સામે અભિનેતા પ્રકાશ રાજે FIR નોંધાવ્યો, જાણો કેમ?
બેંગલુરુ: સાઉથના અભિનેતા પ્રકાશ રાજ તેમના નિવેદનોને લઈ વિવાદમાં રહે છે પણ તાજેતરમાં એક ચેનલના માલિક સામે ગુનો નોંધાવીને ફરી ચર્ચામાં આવ્યા છે. સ્પષ્ટવક્તા તરીકે અભિનેતા પ્રકાશ રાજ જાણીતા છે. તેઓ સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર ઘણા સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કરે છે. તાજેતરમાં તેમણે યુટ્યુબ ચેનલ દ્વારા ભડકાઉ સામગ્રીના પ્રસારથી તેમના જીવન અને તેમના પરિવારની સુરક્ષા માટે જોખમ ઊભું થયું હોવાનું જણાવ્યું હતું. આ પછી તેમણે બેંગલુરુમાં યુટ્યુબ ચેનલ ‘ટીવી વિક્રમ’ વિરુદ્ધ FIR નોંધાવ્યો હતો. રિપોર્ટ અનુસાર બેંગલુરુની અશોક નગર પોલીસે પ્રકાશ રાજની ફરિયાદ પર યુટ્યુબ ચેનલ ‘ટીવી વિક્રમ’ વિરુદ્ધ FIR નોંધી છે. સનાતન ધર્મને લઈને પ્રકાશ રાજની ટિપ્પણી પછી, આ યુટ્યુબ ચેનલના વિવાદાસ્પદ વીડિયોને લગભગ 90 હજાર વ્યુઝ મળ્યા છે. શું સ્ટાલિન અને પ્રકાશ રાજને હટાવવા જોઈએ? હિન્દુઓએ શું કરવું જોઈએ? શું તમારું લોહી ઉકળે નહીં? આ પ્રકારની સામગ્રી તે વિડિઓમાં હતી.
પ્રકાશ રાજે કહ્યું હતું કે આ વીડિયોમાં તેને અને તેના પરિવારને નેગેટિવ લાઈટમાં દર્શાવવામાં આવી રહ્યા છે. તેઓએ વિડિયોની સામગ્રીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો સ્પષ્ટ અને ઇરાદાપૂર્વકનો પ્રયાસ ગણાવ્યો અને ચેનલ માલિક અને સંબંધિતો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી. પ્રકાશ રાજની ફરિયાદ બાદ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 506, 504, 505 (2) હેઠળ કેસ નોંધ્યો છે.