આખરે પંચતત્વમાં વિલીન થયો સલમાન ખાન સાથે કામ કરનાર આ અભિનેતા, બોલીવૂડ આઘાતમાં…

શનિવારનો દિવલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખાસ કંઈ સપરમો રહ્યો નહોતો. 54 વર્ષીય એક્ટર મુકુલ દેવના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
મુકુલ દેવના પરિવારજનો, મિત્રો અને ફિલ્મ સ્ટાર્સે તેમને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી અને દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અભિનેતા અને મુકુલના મોટા ભાઈ રાહુલ દેવે તેમની અંતિમ ક્રિયા કરી હતી.
આપણ વાંચો: જાણીતા મોડેલ અને અભિનેતા મુકુલ દેવનું નિધન…
મુકુલ દેવના નિધનથી ફેન્સને તો આઘાત લાગ્યો જ છે પણ પરિવાર પણ આઘાતમાં સરી પડ્યો છે. ભાઈને અંતિમ વિદાય આપવા પહોંચેલા રાહુલ દેવ પણ ભાંગી પડ્યા હતા. અંતિમ સંસ્કારમાં પહોંચેલા પરિવારજનોએ તેમને સધિયારો આપ્યો હતો અને તેમનું દુઃખ વહેંચવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલ સિવાય વિંદુ દારા સિંહ પણ પોતાના મિત્ર મુકુલને અંતિમ વિદાય આપવા દિલ્હી પહોંચ્યા હતા.
મીડિયા સાથે વાત કરતાં વિંદુ દારા સિંહે જણાવ્યું હતું કે અમે બંને જણે ફિલ્મ સન ઓફ સરદારમાં સાથે કામ કર્યું હતું. અમે આ ફિલ્મમાં ટોની અને ટીટુનો રોલ કર્યો હતો, પરંતુ ટોની આપણને સૌને છોડીને જતો રહ્યો છે.
આપણ વાંચો: પતિના નિધન બાદ હવે આવું જીવન જીવી રહી છે એક્ટ્રેસ…
અત્રે ઉલ્લેખનીય છે કે મુકુલ દેવે શુક્રવારે મોડી રાતે અંતિમ શ્વાસ લીધા હતા અને લાંબા સમયથી બીમાર પણ હતા. હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર દરમિયાન મુકુલનું નિધન થયું હતું.
રાહુલ દેવે શનિવારે આ ન્યુઝ ફેન્સ સાથે શેર કર્યા હતા. આ સમાચાર સામે આવતા જ અજય દેવગણ, સુનિલ શેટ્ટી, મનોજ બાજપેયી, દિપશિખા નાગપાલ સહિત અનેક હસ્તીઓએ તેમને યાદ કરીને શ્રદ્ધા સુમન અપર્ણ કર્યા હતા.
વાત કરીએ મુકુલ દેવે કરેલી ફિલ્મોની તો તેમાં સન ઓફ સરદાર, આર… રાજકુમાર, જય હો જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. મુકુલે 1996માં ટીવી સિરીયલ મુમકિનથી પોતાની એક્ટિંગની કારકિર્દીની શરૂઆત કરી હતી.