
મુંબઈ : ભારતીય ફિલ્મ દિગ્દર્શક અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. આ અભિનેતાએ 87 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું. તેમની દેશભક્તિની ફિલ્મોએ દરેકના હૃદયમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. ‘ભારત કુમાર’ ના હુલામણા નામથી ઓળખાતા મનોજ કુમારે શુક્રવારે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ભારતીય સિનેમા જગતમાં અમૂલ્ય યોગદાન બદલ બોલિવૂડ હંમેશા તેમને યાદ રાખશે.
વર્ષ 2015માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા
મનોજ કુમારને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ વર્ષ 1992માં પદ્મશ્રી અને વર્ષ 2015માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમની દેશભક્તિની ફિલ્મો ઉપરાંત તેઓ હરિયાલી ઔર રાસ્તા, હિમાલય કી ગોદ મેં’, ‘દો બદન’, ‘પત્થર કે સનમ’, ‘નીલ કમલ’ અને ‘ક્રાંતિ’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મોએ ભારતીય સિનેમા જગતમાં ઇતિહાસ સર્જ્યો હતો.
આ પણ વાંચો : દુનિયાની સૌથી મોંધી ચાઈલ્ડ આર્ટિસ્ટ કોણ છે, એટલી ફી લે છે બોલીવુડની અભિનેત્રીઓ શરમાઈ જશે…
બહુમુખી પ્રતિભા ધરાવતા હતા
મનોજ કુમાર માત્ર એક અભિનેતા અને દિગ્દર્શક જ નહોતા. પરંતુ તેમણે ફિલ્મ ઉદ્યોગમાં પટકથા લેખક, ગીતકાર અને સંપાદક તરીકે પણ પોતાની પ્રતિભા સાબિત કરી હતી. ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના નિધનથી બોલિવૂડમાં શોકનો માહોલ છે અને સ્ટાર્સ સતત પોતાનો શોક વ્યક્ત કરી રહ્યા છે. અભિનેતાના અંતિમ સંસ્કાર અંગે હજુ માહિતી આવવાની બાકી છે.