પ્રખ્યાત અભિનેતાનું હાર્ટ એટેકથી થયું મૃત્યુ
દક્ષિણ સિનેમાના પ્રખ્યાત અભિનેતા કુન્દ્રા જોનીનું 71 વર્ષની વયે નિધન થયું છે. તેમને હાર્ટ એટેક આવતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. કુન્દ્રા જોનીએ 500 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
કુન્દ્રા જોનીએ મલયાલમ ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. તેમણે કેરળના કોલ્લમની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 1991માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગોડફાધર’માં તેની ભૂમિકા ખૂબ જ લોકપ્રિય રહી હતી. તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં કરવામાં આવશે તે અંગેની માહિતી હજુ જાણવા મળી નથી.
‘ફિલ્મ એમ્પ્લોઈઝ ફેડરેશન ઑફ કેરળ’ (FRFKA) એ કુન્દ્રા જોનીના મૃત્યુની માહિતી આપતા ફેસબુક પર એક પોસ્ટ લખી હતી, જેમાં એમ જણાવવામાં આવ્યું હતું કે મંગળવારે સાંજે હૃદયરોગના હુમલાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
કેરળના નાણા પ્રધાન કેએન બાલાગોપાલે તેમને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, ‘કુન્દ્રા જોનીએ ચાર દાયકાની કારકિર્દીમાં 500થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના નિધનથી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શૂન્યવકાશ સર્જાયો છે.’ મલયાલમ ફિલ્મ ઉદ્યોગની અન્ય હસ્તીઓ પણ સોશિયલ મીડિયા દ્વારા કુન્દ્રાના નિધન પર શોક વ્યક્ત કરી રહી છે.