અભિનેતા Aamir Khanએ આ કારણે નોંધાવી સાયબર પોલીસમાં ફરિયાદ

અભિનેતા આમિર ખાને મુંબઈ સાયબર પોલીસ સેલમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ નોંધાવાનું કારણ એક વીડિયો છે. આમિરના નામથી એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે એક ખાસ પાર્ટીને મત આપવાની અપીલ કરી રહ્યો છે. મતદારોને એક ખાસ પક્ષને મત આપવાનું કહેતા આમિરનો વીડિયો વાયરલ થતા આમિરે એક નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આમિર આ રીતે કોઈપણ રાજકીય પક્ષને સમથર્ન આપતો નથી. તેણે મતદારોને કોઈપણ પક્ષને મત આપવાનું કહ્યું નથી. આ સાથે નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આમિર ખાન દરેકને પોતાની મતદાનની ફરજ અદા કરવાનો અનુરોધ કરે છે.
આ વીડિયો વાયરલ થયા બાદ આમિરે મુંબઈ સાયબર સેલ ઉપરાંત અન્ય એજન્સીઓને પણ જાણ કરી છે.
આમિર ખાનનો શૉ સત્યમેવ જયતે રાષ્ટ્રીય મુદ્દા વિશે ચર્ચા કરતો હતો. તેનો આ શૉ ખૂબ ચર્ચામાં રહ્યો. બે સિઝનમાં આ શૉ એર થયો હતો અને આમિર ખાનનું એક સુધારક તરીકેનું રૂપ તેમાં દેખાયું હતું .આ સાથે તેણે ફિલ્મોનું સિલેક્શન પણ એ રીતે કર્યું જે એક સંદેશ આપતી હોય. આથી આમિરની એક કલાકાર તરીકેની છાપ પણ અલગ પડી.
હાલમાં આમિર તેની ફિલ્મ સિતારે જમીન પરના શૂટિંગમાં બિઝી છે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રજૂ થશે તેમ મીડિયા અહેવાલો જણાવે છે. થોડા મહિનાઓ પહેલા આમિરની દીકરી આયરા ખાનના લગ્ન અને ત્યારબાદ તેની સેકન્ડ એક્સ વાઈફ કિરણ રાવની ફિલ્મ લાપત્તા લેડીઝની રીલિઝ બાદ આમિર દેખાયો હતો.