અમિતાભ, અનિલ અને જેકી બાદ બોલીવૂડની આ દંપતી બની ડીપ ફેકનો શિકાર, દિલ્હી હાઈકોર્ટ ખખડાવ્યો દરવાજો

બોલીવૂડના જાણતા અને ખૂબ ચર્ચીત દંપતી એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચને અવાર નવાર મીડિયાની હેડ લાઈન્સમાં છવાયેલા રહે છે. ત્યારે આ વખતે દંપતીએ તેનું નામ, અવાજ અને ફોટો બિન અધિકૃત ઉપયોગ કર્યા હોવાનો દાવો માંડ્યો છે.
બચ્ચન પરિવારના પુત્ર અને પુત્રવધુએ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કરીને પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા માંગી છે. બંનેએ અનેક ઓનલાઈન પ્લેટફોર્મ્સ અને વેબસાઈટ્સ પર તેમના નામ, ફોટો અને અવાજનો બિનઅધિકૃત ઉપયોગ થઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. આ દુરુપયોગ માત્ર ખોટા જાહેરાતો માટે જ નહીં, પરંતુ લોકોને ગેરમાર્ગે દોરતા વ્યાપારી હેતુઓ માટે પણ થઈ રહ્યો છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે એશ્વર્યા અને અભિષેકે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલી યાચિકામાં માંગ કરી છે કે તેમના નામ, ફોટો, અવાજ કે અન્ય વ્યક્તિગત ઓળખનો વ્યાપારી ઉપયોગ તાત્કાલિક બંધ કરવામાં આવે. તેમણે ગૂગલ, યૂટ્યૂબ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સને આવા ગેરકાયદેસર કન્ટેન્ટને બ્લોક કરવા અને ઈન્ટરનેટ પરથી હટાવવા માટેના આદેશ આપવાની પણ માંગ કરી છે.
આ ઉપરાંત, અભિષેકે ‘જોન ડો’ આદેશની માંગણી કરી છે, જે ભવિષ્યમાં કોઈ અજાણી વ્યક્તિ કે વેબસાઈટ દ્વારા આવા દુરુપયોગ પર ત્વરિત પ્રતિબંધ મૂકી શકે.
આજના ડિજિટલ યુગમાં ડીપફેક, ખોટી જાહેરાતો અને બિનઅધિકૃત એન્ડોર્સમેન્ટનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. સેલિબ્રિટીઓની ઓળખનો દુરુપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવું અને તેમની ઈમેજના નામનો ઉપયોગ નફો કમાવવા માટે કરવો એ ગંભીર સમસ્યા બની ગઈ છે.
આપણ વાંચો: અભિષેક બચ્ચને કેમ કહ્યું મા-બાપ ક્યારેય સંતાનોના મિત્ર નથી બની શકતા, ઐશ્વર્યા છે કારણ?
આવા કૃત્યો ફક્ત વ્યક્તિગત નુકસાન જ નહીં, પરંતુ જાહેર વિશ્વાસને પણ ખરડે છે. એશ્વર્યા અને અભિષેકની આ લડત ડિજિટલ પ્લેટફોર્મ્સ પર સેલિબ્રિટીઓની પ્રાઈવસી અને ઓળખની સુરક્ષા માટે મહત્વનું પગલું છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારનો મામલો એશ્વર્યા અને અભિષેક સુધી મર્યાદિત નથી. આ અગાઉ અમિતાભ બચ્ચન, અનિલ કપૂર અને જેકી શ્રોફ જેવા મોટા પડદાના મહાનયકો પણ ડીપફેક અને ખોટા એન્ડોર્સમેન્ટનો ભોગ બન્યા છે.
આ બચ્ચન દંપતીની કાનૂની પહેલ ફક્ત તેમની પોતાની સુરક્ષા માટે જ નહીં, પરંતુ આખા બોલીવૂડ ઉદ્યોગ માટે એક ઉદાહરણ બની શકે છે. દિલ્હી હાઈકોર્ટ આ મામલે ટૂંક સમયમાં સુનાવણી કરશે, અને તેનો નિર્ણય ભારતમાં પર્સનાલિટી રાઈટ્સ અને ઓનલાઈન ગેરરીતિઓ સામેના કાયદાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.