મનોરંજન

શરૂઆતમાં ઊંચાઈને લઈને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સથી ચિંતિત રહેતોઃ આમિર ખાનનો ખુલાસો

મુંબઈ: ‘મિસ્ટર પરફેક્ટનિસ્ટ’ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાન છેલ્લા 37 વર્ષથી બોલિવુડમાં સક્રિય છે. પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન તેમણે અનેક ઉતાર-ચઢાવ જોયા છે. પરિણામે આજે તેઓ સફળતાના શિખર પર પહોંચ્યા છે. જોકે શરૂઆતના દિવસોમાં તેઓને એક ચિંતા સતાવતી હતી. જેનો તેમણે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઉલ્લેખ કર્યો હતો.

બચ્ચનની ઊંચાઈ જોઈને ચિંતિત હતો આમિર ખાન

ફિલ્મી કારકિર્દીની શરૂઆતમાં આમિર ખાનને પોતાના કદને લઈને ચિંતા સતાવતી હતી. ઈન્ટરવ્યૂમાં આમિર ખાને જણાવ્યું કે, “પોતાની કારકિર્દીની શરૂઆતમાં હું ખૂબ ડરી ગયો હતો. અમિતજી નંબર વન હતા અને તેમની લંબાઈ છ ફૂટથી પણ વધારે હતી. વિનોદજી, શત્રુઘ્ન સિન્હા સહિતના અભિનેતાઓ બહુ લાંબા હતા. જેથી હું ગભરાયેલો હતો, વિચારતો હતો કે ઓછી લંબાઈના અભિનેતાની દાળ ગળશે કે નહીં. હું આ બાબતને લઈને ખૂબ ચિંતિત હતો. પરંતુ જે કઈ થયું, બધુ બરાબર હતું.”

‘સિતારે જમીન પર’માં પણ છે આમિર ખાનનું ‘ટિંગુ’ નામ

આગામી અઠવાડિયામાં આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’ રિલિઝ થઈ રહી છે. ફિલ્મના ટ્રેલરમાં તેમની મા તેઓને ટૂંકી લંબાઈ ‘ટિંગુ’ કહેતી નજરે પડે છે. પોતાના પર થતી મજાકને તેઓ સહજતાથી લે છે. આ અંગે આમિર ખાને જણાવ્યું કે, “જાવેદ અખ્તર સાહેબે એકવાર હ્યુમર વિશે કહ્યું છે કે હ્યુમરની સારી સમજ માત્ર મોજ-મસ્તી અને રમતગમત માટે જ નથી હોતી, પરંતુ તે ત્યારે કામ આવે છે, જ્યારે તમે જીવનના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા હોવ. તેથી જો તમારી પાસે હાસ્યની સારી સમજ છે, તો તે તમારા દુખને પણ ભૂલાવી શકે છે. હું તેઓની આ વાત સાથે સહમત છું. મને લાગે છે કે મારી પાસે હંમેશા આ ક્ષમતા રહી છે અને તે ફિલ્મનો એક મહત્વપૂર્ણ ભાગ છે.”

ઉલ્લેખનીય છે કે, ‘સિતારે જમીન પર’ ફિલ્મમાં આમિર ખાન બાસ્કેટ બોલ કોચની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મમાં તેઓ ન્યૂરોડાઈવરજન્ટ બાળકોની ટીમને તાલીમ આપતા દર્શવાયા છે. જોકે આ ફિલ્મ ‘કૈંપિયોન્સ’ નામની સ્પેનિશ ફિલ્મની રિમેક છે. ફિલ્મમાં અનેક નવોદિત કલાકારો પણ છે. છેલ્લે આમિર ખાન લાલ સિંહ ચઢ્ઢા અને સલામ વેન્કી ફિલ્મમાં નજરે પડ્યા હતા.

આ પણ વાંચો…‘સિતારે જમીન પર’ ના બહિષ્કારની માંગ વચ્ચે આમિર ખાનનો દેશ પ્રેમ!, યુઝર્સ કરી રહ્યાં છે ટ્રોલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button