આમિર ખાને પોતાના ભાઈ ફૈઝલના આરોપો અંગે મૌન તોડી કહ્યું, પરિવાર સામે કઈ રીતે લડું?

મુંબઈ: બોલીવુડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન અને તેમના ભાઈ ફૈઝલ ખાન વચ્ચેનો વર્ષો જૂનો વિવાદ ફરી એકવાર સોશિયલ મીડિયા અને મીડિયા ગલિયારાઓમાં હેડલાઇન્સ બની રહ્યો છે. ફૈઝલ ખાને ભૂતકાળમાં પરિવાર અને ખાસ કરીને આમિર ખાન પર તેને કેદ રાખવા અને કારકિર્દી બરબાદ કરવાના જે ગંભીર આરોપો લગાવ્યા હતા, તેના પર હવે આમિર ખાને પ્રથમ વખત મહત્ત્વની પ્રતિક્રિયા આપી છે. આ વિવાદે માત્ર ખાન પરિવારના અંગત સંબંધો જ નહીં, પણ મોટા સ્ટારના પારિવારિક કલેશને પણ ઉજાગર કર્યો છે.
એક ઈન્ટરવ્યૂ દરમિયાન જ્યારે આમિર ખાનને ફેઝલ દ્વારા લગાવવામાં આવેલા માનસિક હેરાનગતિ અને ગેરકાયદે કેદના આરોપો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે અત્યંત ગંભીરતાથી જવાબ આપ્યો હતો. આમિરે કહ્યું કે, “આ મારું નસીબ છે. માણસ દુનિયા સામે લડી શકે છે, પરંતુ પોતાના જ પરિવાર સામે લડાઈ કેવી રીતે લડી શકાય?” આમિરના આ નિવેદન પરથી સ્પષ્ટ જણાય છે કે તે આ વિવાદને વધુ જાહેર કરવા માંગતા નથી અને પરિવારની ગરિમા જાળવવા માટે મૌન રહેવાનું પસંદ કરશે.
આ પણ વાંચો : ફૈઝલ ખાનનો આમિર પર ગંભીર આક્ષેપઃ આમિર વધુ એક બાળકનો બાપ, જાણો માતા વિશે
આમિર અને ફૈઝલે વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘મેલા’માં સાથે જોવા મળ્યા હતા. જોકે, આ ફિલ્મ બોક્સઓફિસ પર એટલી સફળતા મેળવી શકી નહોતી. આમિરે સ્વીકાર્યું કે આ ફિલ્મની નિષ્ફળતા તેમના માટે વ્યક્તિગત રીતે ખૂબ જ નિરાશાજનક હતી. ફૈઝલની જેમ તેમને પણ આ નિષ્ફળતાનું દુઃખ થયું હતું, કારણ કે આખી ટીમે તેમાં સખત મહેનત કરી હતી. કદાચ આ ફિલ્મની નિષ્ફળતા બાદ જ બંને ભાઈઓ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવવાની શરૂઆત થઈ હતી, જે આજે આટલા મોટા વિવાદનું સ્વરૂપ લઈ ચૂકી છે.
ફૈઝલ ખાને અગાઉ માત્ર કરિયર જ નહીં, પણ આમિર ખાનના અંગત જીવન પર પણ આકરા પ્રહારો કર્યા હતા. ફૈઝલે દાવો કર્યો હતો કે આમિરની જાહેર છબિ અને તેની વાસ્તવિકતામાં ઘણો તફાવત છે. તેમણે આમિરના ભૂતકાળના સંબંધો અને બ્રિટિશ પત્રકાર જેસિકા હાઇન્સ સાથેના કથિત અફેર અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. ફૈઝલના મતે આમિર હંમેશાં પોતાની ‘પરફેક્ટ ઈમેજ’ બનાવવા માટે સત્ય છુપાવતા આવ્યા છે. આ આક્ષેપોને કારણે આમિરની મજબૂત જાહેર છબી પર પણ સવાલો ઊભા થયા હતા.
આ પણ વાંચો : આમિર ખાન અને પરિવાર વિરુદ્ધ કોર્ટમાં જશે ભાઈ ફૈઝલ ખાન, બધા સંબંધો પણ તોડ્યા…
જ્યારે આ વિવાદ વકર્યો ત્યારે આમિર ખાનના પરિવારે જણાવ્યું હતું કે ફૈઝલ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા અને દુખદાયક છે. પરિવારના જણાવ્યા અનુસાર ફૈઝલના સંદર્ભમાં લેવામાં આવેલા તમામ નિર્ણયો ડોક્ટરોની સલાહ અને તેની માનસિક તેમ જ શારીરિક સુખાકારીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા હતા. પરિવારે વિનંતી કરી હતી કે આ એક અત્યંત સંવેદનશીલ અને ખાનગી પારિવારિક બાબત છે, જેને લોકોએ સહાનુભૂતિપૂર્વક જોવી જોઈએ.



