આખો પરિવાર રાજનીતિમાં ગળાડૂબ, પણ આ એક દીકરો બનવા જઈ રહ્યો છે એક્ટર…

મહારાષ્ટ્રના રાજકારણની વાત આવે તો જે પરિવાર અચૂક યાદ આવે તે છે ઠાકરે પરિવાર. હિન્દુ હૃદય સમ્રાટ તરીકે જાણીતા બાળ ઠાકરે અને ત્યારબાદ તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે, ભત્રીજા રાજ ઠાકરે અને હવે ઉદ્ધવનો પુત્ર આદિત્ય ઠાકરે અને રાજનો પુત્ર અમિત ઠાકરે એમ લાંબી યાદી છે.
આ પરિવાર સત્તામાં હોય કે ન હોય, મહારાષ્ટ્રના રાજકારણમાં ભાગ ભજવે જ છે, પણ આ પરિવારનો એક દીકરો બીજા જ ક્ષેત્રમાં નસીબ અજમાવવા જઈ રહ્યો છે. નેપોટીઝમ માટે જાણીતા રાજકારણ સિવાય ફિલ્મક્ષેત્રમાં બાળ ઠાકરેનો પૌત્ર ઐશ્વર્ય ઠાકરે એન્ટ્રી મારવા જઈ રહ્યો છે.

ઐશ્વર્ય બાળ ઠાકરેના પુત્ર જયદેવ અને સ્મિતાનો દીકરો છે. સ્મિતા ઠાકરે ઘણા સમયથી ફિલ્મ અને ટીવી સિરિયલના નિર્માણ સાથે જોડાયેલાં છે. હવે તેનો દીકરો શુક્રવારે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિંગ ડેબ્યુ કરી રહ્યો છે.
તેની એન્ટ્રી ધમાકેદાર થશે.

કારણ કે તે જાણીતા ડિરેક્ટર અનુરાગ કશ્યપની ફિલ્મ નિશાનચીથી લૉંચ થઈ રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર લોકોને ગમી રહ્યું છે અને ઐશ્વર્ય પણ તેના રોલમાં ફીટ બેસતો દેખાય છે. ઐશ્વર્ય તેની પહેલી ફિલ્મમાં જ ડબલ રોલમાં દેખાશે. બે એકબીજાથી વિરુદ્ધ સ્વભાવના ભાઈ અને 1990 આસપાસનો યુપીનો માહોલ આ ફિલ્મમાં જોવા મળે છે.

આ ફિલ્મ મામલે અનુરાગ કશ્યપે જણાવ્યું કે સ્ક્રિપ્ટ લખતા અમને 9 વર્ષ લાગ્યા. 2016માં વિચાર આવ્યો હતો કે અમે યુપીમાં જે જોઈને મોટા થયા તેને પદડા પર ઉતારીયે. આ ફિલ્મ મા અને તેમના બે સંતાનના સંબંધો પર આધારિત છે.
વાત કરીએ ઐશ્વર્યની તો ઐશ્વર્ય ઘણા સમયથી ફિલ્મજગત સાથે જોડાયેલો છે.

તેણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં આસિસ્ટંટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. જોકે તેનું સપનું રૂપેરી પદડા પર હીરો બનીને છવાઈ જવાનું છે ત્યારે હવે શુક્રવારે જનતા નક્કી કરશે કે ઠાકરે પરિવારનો આ દીકરો ફિલ્મી કરિયરમાં આગળ વધશે કે નહીં.