કંગનાના થપ્પડકાંડથી લઈ પૂનમ પાંડેની ‘મોત’ની અફવા આ વર્ષે બોલીવુડના વિવાદોમાં મોખરે રહી
મુંબઈઃ વિદાય થઈ રહેલું 2024નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે અને આ વર્ષ અનેક વિવાદોથી ગાજતું રહ્યું. મનોરંજનની દૃષ્ટિએ આ વર્ષ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે શ્રેષ્ઠ રહ્યું પરંતુ આ વર્ષે ઘણા વિવાદો ઉભા થયા જેની ચર્ચા આગામી વર્ષોમાં પણ થતી રહેશે. એરપોર્ટ પર કંગના રનૌતને લાફો મારવામાં આવ્યો હોય કે પછી પૂનમ પાંડેએ તેના મૃત્યુની ખોટી અફવા હોય કે પછી દલજીત દોસાંઝના વિવાદો. આ વર્ષે મનોરંજનની દુનિયા સાથે જોડાયેલા કેટલાક બનાવો વિશેષ ચર્ચામાં રહ્યા, જેમાં સૌથી પહેલા દલજીત દોસાંઝના વિવાદની વાત કરીએ.
આ પણ વાંચો: અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી શકે છે! નાસભાગમાં ઈજાગ્રસ્ત બાળકના સ્વાસ્થ્ય અંગે મોટું અપડેટ
તાજેતરમાં જ દલજીત દોસાંઝે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે Punjab ને Panjab લખ્યું હતું. ઘણા લોકોએ આના પર વાંધો ઉઠાવ્યો કારણ કે Panjab સ્પેલિંગનો ઉપયોગ પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં થાય છે.
ભારતમાં પંજાબનો સ્પેલિંગ Punjab છે. ચંદીગઢમાં તેના કોન્સર્ટ પછી દલજીતે કહ્યું કે તે હવે ભારતમાં કોન્સર્ટ નહીં કરે. જેમાં તેણે યોગ્ય વ્યવસ્થા ન હોવાની ફરિયાદ કરી હતી. આને લગતી પોસ્ટમાં તેણે પંજાબનો સ્પેલિંગ ખોટો લખ્યો હતો, જેના કારણે વિવાદ થયો હતો. આ સિવાય જ્યારે દલજીત તેના શો ઈલુમિનેટી પછી ઓક્ટોબરમાં ભારત પરત ફર્યો ત્યારે તે પોતાની ટીમ અને કેમેરા સાથે ગુરુદ્વારા પહોંચ્યો હતો. આ અંગે પણ ઘણો વિવાદ થયો હતો.
કંગના રનૌત થપ્પડકાંડ
કંગના રનૌત ૬ જૂને ભાજપનાં સાંસદ બન્યા બાદ દિલ્હી આવી રહી હતી ત્યારે ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફ જવાને તેને થપ્પડ મારી હતી. તેણે કહ્યું કે તેણે આવું એટલા માટે કર્યું કારણ કે કંગનાએ આંદોલન કરતા ખેડૂતોનું અપમાન કર્યું હતું અને તેની માતા પણ તેમાં સામેલ હતી. આ ઘટના બાદ કંગનાએ ટ્વિટર પર વીડિયો શેર કર્યો હતો.
રવિના ટંડનનો વિવાદ
જૂનમાં જયારે રવિના ટંડનનું નામ રસ્તામાં થયેલી લડાઈમાં સામે આવ્યું હતું ત્યારે પણ મોટો વિવાદ થયો હતો. અભિનેત્રીને કેટલાક લોકોએ ઘેરી લીધી હતી અને ત્યાર બાદ અભિનેત્રી પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે નશામાં હતી અને તેના ડ્રાઈવર સાથે મળીને તેણે ત્રણ મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું હતું. જોકે, રવિનાને આ કેસમાં ક્લીનચીટ મળી છે.
પૂનમ પાંડેના મૃત્યુની અફવા
આ વર્ષે ૨ ફેબ્રુઆરીએ પૂનમ પાંડેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી કે અભિનેત્રીનું સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ થયું છે. આ પછી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. આની કોઈ પુષ્ટિ મળી નહોતી અને પછી થોડા દિવસો પછી અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર લાઈવ આવી અને કહ્યું કે તે જીવિત છે અને સ્વસ્થ છે. તેણે કહ્યું કે તેણે સર્વાઇકલ કેન્સર માટે જાગૃતિ ફેલાવવા માટે આવું કર્યું હતું.