400 કરોડ કમાયા, પણ એમાંથી કાશ્મીરી હિંદુઓને કેટલા આપ્યા? આશા પારેખનો સવાલ

હિન્દી સિનેમાની પીઢ અભિનેત્રીઓનો ઉલ્લેખ કરીએ તો આશા પારેખનું નામ એમાં ચોક્કસ સામેલ થશે. 60 અને 70ના દાયકામાં પોતાની શાનદાર ફિલ્મો દ્વારા ચાહકોના દિલમાં જગ્યા બનાવનાર આશા પારેખે હાલમાં ‘ધ વેક્સીન વોર’ના નિર્દેશક વિવેક અગ્નિહોત્રી પર નિશાન સાધ્યું છે.
ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને લઇને આશા પારેખે વિવેક અગ્નિહોત્રીને એક મોટો સવાલ પૂછ્યો છે, જે હવે ચર્ચાનો વિષય બન્યો છે.
વર્ષ 2021માં રિલીઝ થયેલી નિર્માતા વિવેક અગ્નિહોત્રાની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ બોક્સ ઓફિસ પર બમ્પર કલેક્શન સાથે મોટી સફળતા મેળવી હતી. જો કે, આ ફિલ્મને લઈને અનેક વિવાદો પણ સર્જાયા હતા. એવામાં હવે એક ઇન્ટરવ્યુમાં આશાએ વિવેક અગ્નિહોત્રી પર નિશાન સાધતા કહ્યું – “ફિલ્મ નિર્માતાઓએ આ ફિલ્મમાંથી 400 કરોડ રૂપિયાની મસમોટી કમાણી કરી ત્યારે હું જાણવા માંગુ છું કે તેમણે આ રકમમાંથી કેટલી રકમ જમ્મુમાં રહેતા કાશ્મીરી હિન્દુઓને આપી હશે. તેઓ વીજળી અને પાણી જેવી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે.
જો તેમણે ફિલ્મમાંથી કમાણી કરી છે તો આ ફિલ્મમાં દરેકનો હિસ્સો હશે. તેમાંથી તેઓ કાશ્મીરી હિંદુઓને અલબત્ત, રૂ. 400 કરોડ નહીં તો રૂ. 200 કરોડ આપી શક્યા હોત, 50 કરોડ આપી શક્યા હોત.” આમ, આશા પારેખે વિવેક અગ્નિહોત્રી વિશે આ મોટી વાત કહી છે.
ઉલ્લેખનીય છે કે વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 252 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ વિશ્વભરમાં 340 કરોડ રૂપિયાથી વધુની બમ્પર કમાણી કરી હતી.