
મુંબઈ: શાહરૂખ ખાનના નામથી આજે કોઈ અજાણ નથી. બોલિવૂડના ઇતિહાસમાં શાહરૂખ ખાનનું નામ સુવર્ણ અક્ષરે લખાઈ ચૂક્યું છે. 2 નવેમ્બર 1965ના રોજ જન્મેલ આ અભિનેતા આજે 60 વર્ષનો થઈ ગયો છે. બહોળો ચાહક વર્ગ ધરાવતા આ અભિનેતાના ઘરની બહાર દર વર્ષે ચાહકો મોટી સંખ્યામાં બર્થ ડે વિશ કરવા માટે આવતા હોય છે. આ વર્ષે પણ અડધી રાતથી જ તેના ઘરની બહાર ચાહકો ઉમટી પડ્યા હતા.
‘મન્નત’ની બહાર ચાહકોનો મેળાવડો
મુંબઈના બેન્ડસ્ટેન્ડ પાસે શાહરૂખ ખાનનું ઘર ‘મન્નત’ આવેલું છે. જ્યાંથી તે દર વર્ષે પોતાના જન્મદિવસ પર ચાહકોનું અભિવાદન કરે છે. શાહરૂખ ખાનની એક ઝલક માટે ચાહકો કાગડોળે રાહ જોતા હોય છે. આ વર્ષે પણ અનેક ચાહકો તેના ઘરની બહાર ભેગા થઈ ગયા છે અને શાહરૂખ ખાનને જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે.
શાહરૂખ ખાનના ચાહકોનું એક જૂથ છેક દુબઈથી આવ્યું છે. આ જૂથના એક ચાહકે મીડિયાને જણાવ્યું કે, “અમે લોકો દુબઈથી આવ્યા છીએ, અમે SRK યુનિવર્સથી છીએ. અમે અમારા કિંગ ખાનને ઘણો પ્રેમ કરીએ છીએ. અમે તેઓને ‘હેપ્પી બર્થ ડે ટૂ યુ’ કહેવા માંગીએ છીએ. અમે તેમના માટે કઈ પણ કરી શકીએ છીએ.

અમારા જીવનમાં આવવા માટે ખૂબ ખૂબ આભાર.” શાહરૂખ ખાનની એક મહિલા ફેન્સે મીડિયાને જણાવ્યું કે, “અમે UAEથી SRKનો બર્થ ડે સેલિબ્રેટ કરવા આવ્યા છીએ. અમે શાહરૂખ ખાનને ઘણો પ્રેમ કરીએ છીએ. શાહરૂખ ખાનની લાંબુ જીવે, તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને તેઓ ખૂશ રહે તેવી શુભેચ્છાઓ.”
33 કલાકની મુસાફરી બાદ અહીં પહોંચ્યા છીએ
શાહરૂખ ખાનના બીજા એક ફેન્સે જણાવ્યું હતું કે, “હું શાહરૂખ ખાનને ‘વીર ઝારા’ ફિલ્મનો એક ડાયલોગ ડેડિકેટ કરવા માંગુ છું. તેમનું કહેવું હતું કે, દુનિયામાં એક છોકરો છે, જે તમારી માટે પોતાનો જીવ પણ આપી શકે છે. વી લવ યૂ શાહરૂખ.”
પશ્ચિમ બંગાળથી પણ શાહરૂખ ખાનના ઘણા ફેન્સ આવ્યા છે. જે પૈકીના એક ફેન્સે જણાવ્યું કે, “હું કોલકાતાથી છું. મારી ટીમ SRK વોરિયર્સ છે. અમે 33 કલાકની મુસાફરી બાદ અહીં પહોંચ્યા છીએ. અમને આશા છે કે, SRK આજે નહીં તો કાલે અહીં આવશે અને અમે તેને જોઈ શકીશું. પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં અમે અહીં પહોંચી ગયા.”
ઉલ્લેખનીય છે કે, પોતાના અભિનયના દમ પર શાહરૂખ ખાને બોલિવૂડમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. પોતાના ફિલ્મી કરિયરમાં શાહરૂખ ખાને રોમાન્સ, એક્શન, કોમેડી અને ડ્રામાથી ભરપૂર ફિલ્મો કરી છે. જેમાં કભી હા કભી ના, દિલ સે, દેવદાસ, મેં હું ના, ઓમ શાંતિ ઓમ, ચેન્નઈ એક્સપ્રેસ અને જવાન ફિલ્મ જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે, આ વર્ષે શાહરૂખ ખાનને પહેલીવાર તેની ફિલ્મ જવાન માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો…Shahrukh@60: માત્ર ભારતના નહીં વિદેશના ફેન્સ પર મુંબઈ આવ્યા છે કિંગ ખાનનો બર્થ ડે સેલિબ્રેટ કરવા…



