એક સરખા ટાઇટલવાળી 14 ફિલ્મ, 1 સિવાય તમામ થઇ ફ્લોપ

બોલિવૂડમાં એક જ ટાઇટલ પર ઘણી ફિલ્મો બનતી હોય છે. ઘણી વાર એવું પણ જોવા મળે છે કે ફિલ્મોના ટાઇટલ સરખા હોય, પણ ફિલ્મની કહાનીમાં આસમાન-જમીનનું અંતર હોય. આપણે આજે એવી જ એક ફિલ્મ વિશે જાણીશું.
ભારતીય સિનેમામાં ચાર ભાષાઓમાં સમાન શીર્ષક સાથે લગભગ 14 ફિલ્મો બની છે. આ વાર્તા અને શીર્ષક પર આધારિત ઘણી ફિલ્મો પાકિસ્તાનમાં પણ બની છે. જોકે, ભારતમાં બનેલી એકસરખા ટાઇટલવાળી જે ફિલ્મની આપણે વાત કરી રહ્યા છીએ તે 14 ફિલ્મમાંથી માત્ર એક જ ફિલ્મ ભારતમાં સફળ રહી હતી અને બાકીની બધી ફિલ્મોને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો, પણ આ એક સફળ ફિલ્મે કપૂર ખાનદાનના આ સભ્યને સુપર સ્ટાર બનાવી દીધો હતો.

તો હવે અમે તમને જણાવી દઇએ કે આ ફિલ્મ હતી લૈલા મજનુ. ભારતીય સિનેમામાં અનેક વખત લૈલા મજનુની વાર્તા પ્રદર્શિત કરવામાં આવી છે. લૈલા મજનુ ટાઇટલ પર જુદી જુદી ચારેક ભારતીય ભાષાઓમાં 14 ફિલ્મો બની હતી, જેમાં એક મુંગી ફિલ્મ અને છ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ હતી. છેલ્લી બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મમાં અભિનેતા શમ્મી કપૂરે મજનુની ભૂમિકા ભજવી હતી અને અભિનેત્રી નૂતન લૈલાની ભૂમિકામાં જોવા મળી હતી.
લૈલા મજનુ નામની પ્રથમ રંગીન ફિલ્મ 1962માં મલયાલમ ભાષામાં આવી હતી. પાકિસ્તાનમાં પણ આ જ ટાઇટલવાળી બે ફિલ્મ આવી હતી. જોકે, આમાંથી કોઇ પણ ફિલ્મે બૉક્સ ઑફિસ પર કમાણી કરી નહોતી. આ બધી ફિલ્મો ફ્લોપ રહી હતી. ત્યાર બાદ 1976 માં, અબરાર અલ્વી દ્વારા લખાયેલ અને હરનામ સિંહ રવૈલ દ્વારા નિર્દેશિત ‘લૈલા મજનુ’એ ફિલ્મનો ઇતિહાસ બદલી નાખ્યો અને બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ ફિલ્મમાં લૈલાનું પાત્ર અભિનેત્રી રંજીતાએ અને મજનુનુ પાત્ર ઋષિ કપૂરે ભજવ્યું હતું. આ ફિલ્મ ઘણી હિટ થઇ હતી.
અભિનેતા ઋષિ કપૂરે પિતાની ફિલ્મ બોબીથી બોલિવૂડમાં સફળ ડેબ્યું કર્યું હતું. ત્યાર બાદ તેઓ કભી કભીમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ પણ ઘણી સફળ રહી હતી, પણ આ મલ્ટિ સ્ટારર ફિલ્મ હતી. તેથી આ ફિલ્મની સફળતાનો શ્રેય અમિતાભ બચ્ચન, શશી કપૂર, રાખી જેવા મોટા સ્ટાર્સને આપવામાં આવ્યો હતો. ‘લૈલા મજનુ’ ઋષિ કપૂરની બોબી પછીની સૌથી પહેલી સોલો હિટ ફિલ્મ હતી. આ ફિલ્મે તેમને બોલિવૂડમા સુપરસ્ટાર પદે બેસાડી દીધા હતા. આ ફિલ્મના ગીતો પણ સુપરહિટ થયા હતા. કોઇ પથ્થર સે ના મારે મેરે દિવાને કો….. .તેરે દર પે આયા હું….. જેવા ગીતો આજે પણ લોકો ગણગણે છે.
1976 બાદ પણ બોલિવૂડમાં કાશ્મીરની પૃષ્ઠ ભૂમિમાં લૈલા મજનુના ટાઇટલવાળી ફિલ્મ બની હતી. આ ફિલ્મ ઇમ્તીયાઝ અલી દ્વારા બનાવવામાં આવી હતી અને તે મોર્ડન જમાનાની લૈલા મજનુની સ્ટોરી હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી. ફિલ્મમાં અવિનાશ તિવારી અને તૃપ્તિ ડિમરીએ અભિનય કર્યો હતો. જોકે, ત્યાર બાદ ઓટીટી પર આવ્યા બાદ આ ફિલ્મ ઘણી લોકપ્રિય થઇ હતી. પણ જો આપણે લૈલા મજનુ નામ પર બનેલી 14 ફિલ્મોની વાત કરીએ તો ઋષિ કપૂર જેવી સફળતા કોઈને મળી નથી.