રશ્મિ દેસાઈથી છૂટાછેડાના 10 વર્ષ બાદ ‘ઉતરણ’ના નંદીશ સંધુને મળ્યો નવો પ્રેમ, કોની સાથે કરી સગાઈ?

મુંબઈ: ટીવી અને ફિલ્મોના કલાકારોના જીવનમાં લગ્ન અને છૂટાછેડા થતા રહેતા હોય છે. તાજેતરમાં ‘ઉતરણ’ સીરિયલથી પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેતા નંદીશ સંધુએ અભિનેત્રી કવિતા બેનર્જીની સગાઈ કરી લીધી છે. નંદીશ સંધુ ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈનો ભૂતપૂર્વ પતિ છે. નંદીશ સંધુ તથા તેની મંગેતરે સોશિયલ મીડિયા પર તેમના ચાહકો સાથે આ મોટી ખુશખબર શેર કરી છે. આ યુગલે સગાઈ ક્યારે કરી, આવો જાણીએ.
નંદીશ અને કવિતાએ ઇન્સ્ટાગ્રામ પર કરી પોસ્ટ
નંદીશ સંધુએ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કવિતા બેનર્જી સાથેનો એક સુંદર ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, “હાય પાર્ટનર! તૈયાર છો?” કવિતા બેનર્જીએ પણ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં નંદીશ સંધુનો હાથ પકડેલો ફોટો ફરીથી પોસ્ટ કર્યો છે અને સગાઈની વીંટી બતાવી છે. આ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીના કેપ્શનમાં 5/09/25 તારીખનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે દર્શાવે છે કે નંદીશ અને કવિતાએ આ દિવસે સગાઈ કરી છે.
નંદીશ સંધુએ 2015માં રશ્મિ સાથે લીધા છૂટાછેડા
નંદીશ સંધુએ મોડેલિંગથી કારકિર્દી શરૂ કર્યા બાદ ટેલિવિઝન જગતમાં પ્રવેશ કર્યો હતો. તેમણે “ઉત્તરન” (2009-2012) માં વીર સિંહ બુંદેલાની ભૂમિકાથી ઘણી ખ્યાતિ મેળવી હતી. આ સીરિયલના સેટ પર નંદીશ અભિનેત્રી રશ્મિ દેસાઈ સાથે પ્રેમમાં પડ્યો હતો. તેમણે 2012માં લગ્ન કર્યા હતા. પરંતુ ત્રણ વર્ષ બાદ 2015માં તેમણે છૂટાછેડા લીધા હતા. આ અંગે એક ઇન્ટરવ્યૂમાં નંદીશે જણાવ્યું હતું કે, હું યુવાન હતો અને સમજણના અભાવે ઉતાવળમાં લગ્ન કર્યા હતા. પરંતુ પછી સમજાયું કે અમે એકબીજા માટે યોગ્ય નથી.
‘ઉત્તરન’ સિવાય નંદીશ સંધુ ‘ફિર સુબહ હોગી’, ‘બેઇન્તેહા’, અને ‘ગ્રહણ’ જેવા શોમાં પણ જોવા મળ્યો હતો. આ સિવાય ‘સુપર 30’ અને ‘જ્યુબિલી’ જેવી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. રશ્મિ દેસાઈ પણ ‘જેએનયુ: જહાંગીર નેશનલ યુનિવર્સિટી’ જેવી હિન્દી ફિલ્મ તથા ‘સુપરસ્ટાર’ અને ‘મોમ તને નહીં સમજાય’ જેવી ગુજરાતી ફિલ્મમાં પણ જોવા મળી હતી.
કોણ છે કવિતા બેનર્જી?
નંદીશ સંધુની મંગેતર કવિતા બેનર્જી કોલકાતામાં જન્મેલી અભિનેત્રી છે. કવિતાએ ‘તેરી મેરી એક જિંદરી’ (2021) થી અભિનયની શરૂઆત કરી. તે ‘હિકઅપ્સ એન્ડ હૂકઅપ્સ (2021), ‘એક વિલન રિટર્ન્સ'(2022), અને ‘દિવ્યા પ્રેમ – અ સ્ટોરી ઓફ લવ એન્ડ મિસ્ટ્રી'(2025) જેવી વેબ સિરીઝમાં પણ જોવા મળી છે.
આપણ વાંચો : સલમાન ખાનની એક્ટ્રેસે ટ્રેન્ડિંગ સોંગ ‘બિજુરિયા’ પર ઝૂમીને ફેન્સને કર્યા ઘાયલ… વીડિયો થયો વાઈરલ