કેબીસીમાં અમિતાભ સાથે વર્તન માટે 10 વર્ષના ઈશિતે માંગી માફી, જુઓ વીડિયો

મુંબઈ: ‘કૌન બનેગા કરોડપતિ 17 જુનિયર’માં તાજેતરમાં જોવા મળેલા 10 વર્ષીય ઈશિત ભટ્ટે અમિતાભ બચ્ચન સાથેના વર્તન માટે માફી માંગી છે. ગાંધીનગરના આ બાળકે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પોતાના વર્તન પર પસ્તાવો વ્યક્ત કર્યો અને કહ્યું કે તેનો એવો કોઈ ઈરાદો નહોતો.
ઈશિત ભટ્ટ હોટસીટ પર બેઠો અને રમત રમી, પરંતુ તેની રમત કરતાં અમિતાભ બચ્ચન સાથેનું વર્તન વધુ ચર્ચામાં આવ્યું હતું. અમિતાભ જ્યારે પ્રશ્ન પૂછતા ત્યારે ઈશિત વિકલ્પો આવે તે પહેલાં જ જવાબ આપી લોક કરવા કહેતો હતો.
આપણ વાંચો: ‘કૌન બનેગા કરોડપતિ’ના સ્પર્ધકે કરી અમિતાભ બચ્ચનની ભવિષ્યવાણી, કુંડળી અંગે કરી ચોંકાવનારી વાત
નિયમો સમજાવવા જતાં તેમને અટકાવીને કહ્યું કે ‘રૂલ્સ સમજાવવા ન બેસો, મને બધું ખબર છે.’ આ વર્તનથી લોકો ગુસ્સે થયા અને તેને ખરાબ વાતો કહી, તેમજ પરિવારની પરવરિશ પર પણ સવાલ ઉઠાવ્યા.
ઈશિતે ઇન્સ્ટાગ્રામ પર એપિસોડની ક્લિપ સાથે વીડિયો શેર કર્યો અને અમિતાભ તથા કેબીસી ટીમ પાસે દિલથી માફી માંગી હતી. તેણે કહ્યું કે તેના વાણીથી ઘણાને દુઃખ થયું અને તેને ખૂબ પસ્તાવો છે. તે વખતે તે ગભરાઈ ગયો હતો અને વર્તન ખોટું થઈ ગયું, પરંતુ બેરુખું વર્તન કરવાનો ઈરાદો નહોતો. તેણે અમિતાભ અને ટીમનો આદર વ્યક્ત કર્યો.
આપણ વાંચો: ‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સીઝનનો પ્રારંભ: જોઈ લેજો અમિતાભ બચ્ચનનો નવો અંદાજ!
ઈશિતે વધુમાં કહ્યું કે આ ઘટના બાદ તેણે મોટી શીખ મળી છે કે શબ્દો અને વર્તન વ્યક્તિની ઓળખ બનાવે છે, ખાસ કરીને મોટા મંચ પર. તેણે વચન આપ્યું કે આગળ તે વધુ વિનમ્ર, આદરપૂર્ણ અને વિચારશીલ રહેશે. તેમણે સમર્થન આપનારાઓનો આભાર માન્યો અને ગલતીમાંથી શીખવાની તક મળી તેની વાત કરી.
ઈશિતના પોસ્ટ પર યુઝર્સની મિશ્ર પ્રતિક્રિયાઓ આવી છે. કેટલાકે તેને સમર્થન આપ્યું, જ્યારે કેટલાકે હજુ પણ ટોન્ટ માર્યા હતા. પરંતુ ઘણાએ તેનો બચાવ કર્યો કે તે બાળક છે, તેને ભૂલનો અહેસાસ થયો અને માફી પણ માંગી લીધી છે.