
વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે વિવાદોમાં ઘેરાઈ છે. તાજેતરમાં જ ધ બંગાળ ફાઈલ્સ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ફિલ્મ 1946ના બંગાળના દંગાઓ દરમિયાન મહત્વની ભૂમિક ભજવનાર બંગાળી નેતા ગોપાલ મુખર્જી પર આધારિત છે. ગોપાલ મુખર્જીના પૌત્ર શાંતનુ મુખર્જીએ ફિલ્મના ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રી વિરુદ્ધ FIR નોંધાવી છે, જેમાં તેમના દાદાના ખોટા ચિત્રણો બતાવવાનો આરોપ લગાવ્યો છે.
‘ધ બંગાળ ફાઈલ્સ’નું ટ્રેલર રિલીઝ થતા જ વિવાદ શરૂ થયો હતો. ટ્રેલરમાં ગોપાલ મુખર્જીને ‘એક થા કસાઈ ગોપાલ પાઠા’ તરીકે દર્શાવવામાં આવ્યા છે, જેનો શાંતનુ મુખર્જીએ વિરોધ કર્યો છે. શાંતનુનો દાવો છે કે તેમના દાદા કસાઈ નહોતા, પરંતુ એક પહેલવાન અને અનુશીલન સમિતિના અગ્રણી સભ્ય હતા, જેમણે 1946ના મુસ્લિમ લીગના દંગાઓને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શાંતનુએ ફિલ્મ દર્શાવેલા તેના દાદ ચિત્રને અપમાનજનક અને પરિવારની લાગણીઓને ઠેસ પહોંચાડનારું ગણાવ્યું છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે શાંતનુ મુખર્જીએ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને કાનૂની નોટિસ મોકલી, જેમાં ગોપાલ મુખર્જીના ખોટા ચિત્રણ માટે માફી માગવાની માગ કરી છે. તેણે જણાવ્યું કે ફિલ્મમાં ‘કસાઈ’ અને ‘પાઠા’ જેવા શબ્દોનો ઉપયોગ અપમાનજનક છે અને તેનાથી પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન થયુ છે. શાંતનુએ કહ્યું, “વિવેકે આ અંગે પૂરતું સંશોધન કર્યું નથી અને અમારો સંપર્ક પણ નથી કર્યો. અમે આનો વિરોધ ચાલુ રાખીશું.” તેણે એમ પણ ઉમેર્યું કે ગોપાલ મુખર્જી સ્વાતંત્ર્ય સેનાની હતા અને નેતાજી સુભાષચંદ્ર બોઝની વિચારધારાથી પ્રેરિત હતા, જેણે અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે કામ કર્યું હતુ.
‘ધ બંગાળ ફાઈલ્સ’ ભારત-પાકિસ્તાનના બંટવારા દરમિયાન 1946ના બંગાળના હિંદુ-મુસ્લિમ દંગાઓના બેગ્રાઉન્ડ પર આધારિત છે. ટ્રેલરમાં ગાંધીજી અને જિન્નાહ વચ્ચે બંગાળના ભાગલાને લઈને ચાલેલા સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે, જેમાં જિન્નાહ બંગાળનો એક ભાગ ઈચ્છતા હતા, જ્યારે ગાંધીજી તેનો વિરોધ કરતા હતા. આ ફિલ્મ 5 સપ્ટેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, પરંતુ વિવાદને કારણે તેની રિલીઝ પહેલાં જ ચર્ચાઓ ગરમ થઈ ગઈ છે.
આ વિવાદે ફિલ્મની રિલીઝ પહેલા જ તેની ટીમ માટે મુશ્કેલીઓ ઊભી કરી છે. શાંતનુ મુખર્જીની FIR અને કાનૂની નોટિસથી ફિલ્મના ડિરેક્ટર પર દબાણ વધ્યુ છે. ગોપાલ મુખર્જીના ચરિત્રનું ખોટું ચિત્રણ ફિલ્મની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉભા કરી રહ્યું છે. આ ઘટનાએ ઐતિહાસિક વ્યક્તિઓના ચિત્રણમાં સંશોધનના મહત્વને ફરી એકવાર રેખાંકિત કર્યું છે. ફિલ્મની રિલીઝ સાથે આ વિવાદ કેવી રીતે આગળ વધે છે, તે જોવું રહ્યું.