ગીતા મહિમાઃ ગુરુનું પૂજન: મોટું તપ

સારંગપ્રીત
ગત અંકમાં સ્વચ્છતારૂપી તપને ઉજાગર કરીને હવે ભગવાન કૃષ્ણ ગુરુપૂજનને શરીરનું તપ ઉદ્ઘોષિત કરે છે, તે સમજીએ.
‘એ દિવ્ય પ્રકાશ મારી આંતર ચેતનાને અજવાળી રહ્યો હતો’ હા, એક દિવ્ય ગુરુની અનુભૂતિ પછી આ શબ્દો સરી પડ્યા હતા, ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામના!
30 જૂન 2001ની એ પ્રથમ મુલાકાત અતુલ્ય મૈત્રીમાં પરિણમી અને અંતે પરાત્પર અનુભૂતિનો રાજમાર્ગ પ્રશસ્ત થયો. ગુરુ પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય અનુભૂતિઓએ તેમનુંઆંતરપરિવર્તન કર્યું છે. ફક્ત 8 મુલાકાતોમાં છલકાયેલા અલૌકિક પ્રેમ પ્રવાહે તેમના અહં-મમત્વની ધારો ટાળી નાખી છે. મુમુક્ષુમાંથી મુક્ત થવાનું શ્રેષ્ઠ ઉદાહરણ આ મહાપુરુષની સંગતિ જ છે.
આ દિવ્ય મૈત્રીમાં ગુરુ-શિષ્ય સંબંધમાં એક અમૂલ્ય પૃષ્ઠ ઉમેરાયું જ્યારે ડૉ. કલામે સ્વામીશ્રીનાં કરકમળમાં પોતાનું ભાવપુષ્પ અર્પણ કર્યું, ‘TRANSCENDENCE પુસ્તકરૂપે તેમણે ગુરુપૂજન કર્યું! ડૉ. કલામો આ લોકપ્રિય પુસ્તકનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે ‘પ્રમુખસ્વામી સાથેના મારા દિવ્ય અનુભવોને અંકિત કરવા, એમના કાર્ય વિશે મારું ચિંતન નોંધવા, અને એમના સહચર્યમાં મેં અનુભવેલા મારા પરિવર્તનને દસ્તાવેજ રૂપ આપવા મેં આ પુસ્તક લખ્યું છે.’
પરાત્પર અનુભૂતિઓથી છલકાતા આ પુસ્તકમાં પ્રત્યેક પાઠમાં ગુરુભક્તિનાં વિશિષ્ટ પુષ્પો 84 વર્ષના આ શિષ્યે પધરાવ્યાં. હા, આ જ પુસ્તકમાં તેમણે લખ્યું- Pramukh Swami is my ultimate teacher પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજને જ્યારે ડૉ. કલામ પુસ્તક અર્પણ કરવા આવ્યા હતા, ત્યારની પળો અણમોલ હતી. તંત્ર તરફથી તો હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી પણ તેમણે જણાવ્યું કે આ તો પવિત્ર યાત્રા છે.
‘આવી યાત્રા તો પગે ચાલીને કરવી જોઈએ, એમ નહીં તો કમથી કમ રસ્તે વાહન દ્વારા તો કરીએ’ સાથી અધિકારીઓની બધી જ દલીલો નિષ્ફળ રહી. આ યાત્રા દરમ્યાનનાં કષ્ટો પણ તેમના માટે આનંદદાયક હતા કારણ કે એક ઉદ્દેશ્ય હતો કે આ ગ્રંથ પ્રમુખસ્વામીનાં કરકમળોમાં અર્પણ કરવો જ છે. ગુરુનું પૂજન કરવું જ છે.
TRANSCENDENCE: My Spiritual Experiences with Pramukh Swami નામના અધ્યાત્મ, વિજ્ઞાન અને નેતૃત્વનાં અદ્ભુત સમન્વય સમા આ દળદાર ગ્રંથમાં, સ્વામીશ્રીના સાંનિધ્યમાં થયેલા પોતાના દિવ્ય આધ્યાત્મિક રૂપાંતરની વિશદ છણાવટ કરતાં ડૉ. કલામ સાહેબ લખે છે: પ્રમુખસ્વામીનો મારા ઉપર જે પ્રભાવ છે તે હું શી રીતે વર્ણવું ? એમણે બરોબર મારું રૂપાંતરણ કરી દીધું છે. મારા જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિનું એ સર્વોચ્ચ સોપાન છે.
તા. 20 જૂન, 2015નાં રોજ જ્યારે સૂરજ મધ્યાહ્ને તપી રહ્યો હતો ત્યારે ડૉ. કલામ BAPS સ્વામિનારાયણ મંદિર, સારંગપુરમાં પ્રવેશ્યા. ઠાકોરજીના દર્શન કરી 12:20 વાગે તેઓ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજના નિવાસમાં મુલાકાત ખંડમાં પ્રવેશ્યા ત્યારે તે સંબંધની ચરમ સીમા હતી. સ્વામીશ્રીએ તેમને ઉષ્માભર્યો આવકાર આપ્યો. સ્વામીશ્રીના સ્વાસ્થ્યને સુધાર પર દેખી તેમને પ્રસન્નતા દર્શાવી. બન્ને મહાપુરુષોએ એક બીજાને પુષ્પહારથી વધાવ્યા. સંસ્થાનાં વરિષ્ઠ સંતો પણ આ ઉપક્રમે ત્યાં હાજર હતા.
આ પણ વાંચો…ગીતા મહિમા : ગીતા કહે છે કે, કામનાઓની પૂર્તિ ક્યારેય થતી જ નથી.
કલામ સાહેબ પુસ્તકનો ઇતિહાસ સ્વામીશ્રીને વાંચી સંભળાવ્યો. તેમની મનોકામના પુસ્તક લખવાની અને સ્વામીશ્રીની પ્રત્યક્ષ હાજરીમાં જ તેમને અર્પણ કરવાની કેટલી સુદૃઢ હતી, તે પણ તેઓએ વર્ણવી. “TRANSCENDENCE ના સહલેખક, પ્રો. અરુણ તિવારી અને પબ્લિશર Harper-Collins ના CEO, શ્રી અરુણકુમારજીએ પણ પોતાની ભાવોર્મિયો રજૂ કરી.
ડૉ. કલામનાં એક્ઝિક્યુટિવ સેક્રેટરી શ્રી એમ. શેરિડન સ્વામીશ્રીના આશીર્વાદ લેતાં બોલી ઊઠ્યો: ‘હું જ્યારે જ્યારે પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન કરું છું ત્યારે તેમના મુખારવિંદ પર મને દિવ્ય શાંતિ દેખાય છે અહીં ખૂબ જ સુખનો અનુભવ થાય છે.’ એ સાંભળીને ડૉ. કલામે કહ્યું હા, સ્વામીજી તો શાંતિનું મૂર્તિમાન સ્વરૂપ છે. તેઓ ચારે તરફ શાંતિ પ્રસરાવે છે. અને જ્યારે ડૉ. કલામે સ્વામીશ્રીના જમણા હસ્તે નાડાછડી બાંધી ત્યારે તેઓ બોલી ઊઠ્યા- ‘આ ગ્રંથ માટે બે વર્ષ સુધી સતત સંશોધન કર્યું હતું. તેનું દરેક પાનું આપના જીવન વિશે છે. સાથે મારા અનુભવ પણ સાંકડ્યા છે. આપના દિવ્ય આશીર્વાદથી આ પુસ્તક લખવામાં અમને ખૂબ આનંદ મળ્યો છે. આ પુસ્તક અત્યંત આદરપૂર્વક અંજલિ છે…
આમને આમ ગુરુભક્તિના પૂરમાં તેઓ ઝબકોળાઈ ગયા. પ્રમુખસ્વામીજીની ઉપકાર વર્ષાએ તેમને ભીંજવ્યા. અહં-મમત્વનાં બન્ધનો તૂટ્યા. વિહદ્ ધામની અનુભૂતિ અને ગુરુની પ્રસન્નતા મેળવી. ફક્ત 14 વર્ષની આ આધ્યાત્મિક તપસ્યાએ કલામ સાહેબને પરમફળ, પ્રગટ ગુરુની પ્રાપ્તિ અને રાજીપો આપ્યો. આમ, ગુરુ વિષેની પ્રીતિ તમામ લૌકિક નાત- જાતનાં બંધનથી પર છે, એવું અહીં તેમના જીવનથી ફલિત થાય છે.
આ પણ વાંચો…ગીતા મહિમા : બસ એક શ્રદ્ધા!