લખચોરાસી ન કેમ મીટે? | મુંબઈ સમાચાર
ધર્મતેજ

લખચોરાસી ન કેમ મીટે?

  • ચિંતન – હેમુ ભીખુ

વાત તો સાચી જ છે, આત્માને ઓળખ્યા વિના લખચોરાસી ન મીટે, પરંતુ આત્માને ઓળખવો અઘરો નથી. જ્યારે ખબર છે કે આત્માનું અસ્તિત્વ છે, જ્યારે ખબર છે કે તેનું સ્થાન ક્યાં છે, જ્યારે ખબર છે કે તેને શોધવો અને પછી ઓળખવો જરૂરી છે, જ્યારે ખબર છે તેને કેવી રીતે ઓળખી શકાય, તેને ઓળખવાનાં પ્રયત્નમાં મદદરૂપ થવા માટે સદગુ – સંત પુષ તૈયાર હોય છે, ત્યારે આત્માને ઓળખી જ શકાય, પરિણામે લખચોરાસી મીટી શકે.

એમ પણ નથી કે આત્માની હયાતી માટે શ્રદ્ધા જરૂરી છે, તે તો વૈજ્ઞાનિક પ્રમાણથી સાબિત થયેલી બાબત છે. આત્માની
હયાતી તો પ્રત્યક્ષ તેમ જ અનુમાન આધારિત પ્રક્રિયાથી સિદ્ધ થયેલી વાસ્તવિકતા છે. આત્માની હાજરી, આત્માનું અસ્તિત્વ કોઈપણ વિચારધારામાં અસ્વીકૃત નથી થયું. એક યા બીજાં સ્વરૂપે બધાંએ, બધી વિચારધારાએ, જ્ઞાનની પ્રત્યેક
શાખાએ, જુદાં જુદાં પ્રમાણને આધારે આત્મા નામના સત્યને સ્વીકાર્યું જ છે. જે વસ્તુની સ્વીકૃતિ થઈ ચૂકી છે તેની પ્રતીતિ થઈ શકે. જે બાબત સત્ય તરીકે સ્થાપિત થઈ છે તે અનુભવમાં આવી શકે.

વળી, આત્માની પ્રકૃતિ માટે પણ ક્યાંય કોઈ સંશય નથી. બધાંએ એ સત્ય સ્વીકાર્યું છે કે તે શાશ્વત છે, અનશ્વર છે, અખંડ છે, પૂર્ણ છે, સત્ય સ્વરૂપ છે, પવિત્ર છે, નિર્લેપ છે, તટસ્થ છે, કારણ છે, વ્યાપક છે, સર્વત્ર છે, અમર્ત્ય છે, નિર્વિકારી છે, મુક્ત છે અને મુક્તિદાતા છે. ગીતામાં જણાવાયું છે કે સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો અર્થાત `હું સહુનાં હૃદયમાં રહું છું’. ઉપનિષદ પ્રમાણે હૃદયમાં રહેતાં, હૃદયમાં સ્થિત આ આત્માનું માપ હાથનાં અંગૂઠાના અગ્રભાગ સમાન છે. તે તેજ સ્વરૂપ છે. તે સુગંધ સ્વરૂપ છે. તે અવકાશ સ્વરૂપ છે અને તે રંગ-રૂપ વિનાનું અસ્તિત્વ છે.

આત્મા છે તે વાતની સ્વીકૃતિ થઈ હોય, આત્મા કેવો છે તે પણ જાણી ચુકાયું હોય અને તેના સ્થાન વિશે પણ જાણકારી હોય, તો પછી તેને શોધવામાં કોઈ અડચણ ન આવે. તેને સરળતાથી શોધી શકાય. ઘરમાંથી કોઈ વસ્તુ ખોવાઈ હોય, શું ખોવાયું છે તેની જાણકારી હોય, ખોવાયેલ વસ્તુના ગુણધર્મો વિશે ખબર હોય, તે ક્યાં ખોવાઈ છે, તે ક્યાં હોવાની સંભાવના છે તે વિશે પણ યોગ્ય તર્ક હોય, તો પછી શોધવાનું સહેલું પડે. માત્ર કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે.

ખોવાયેલી વસ્તુ શોધવા માટે પ્રકાશ જરૂરી છે. આ પ્રકાશ જે દિશામાં નજર હોય તે જ દિશામાં જવો જોઈએ. પ્રકાશની દિશા અને માત્રા બંને યોગ્ય હોય તે જરૂરી છે. જે વસ્તુ ખોવાઈ છે તેને જ શોધવા માટેની એકાગ્રતા હોવી જોઈએ. શોધતી વખતે મન અહીંતહીં ભટકે તે ન ચાલે. સમગ્ર ધ્યાન તે વસ્તુને શોધવા માટે જ લાગેલું હોવું જોઈએ. બની શકે કે એક સ્થાને વારંવાર પણ શોધવું પડે અથવા તો એક સ્થાને શોધી લીધાં પછી ત્યાં ફરીથી જવાની જરૂર પણ ન હોય. વ્યક્તિએ કેટલી નિષ્ઠાથી શોધવાનો પ્રયત્ન કરેલો છે તેના પર આવી બાબતો નિર્ધારિત રહે. અર્થાત નિષ્ઠા જરૂરી છે. સાથે સાથે ખોવાયેલી વસ્તુના મહત્ત્વ વિશે જાણકારી હોવી જોઈએ. જેવું ખોવાયેલી વસ્તુ માટે, તેવું જ આત્મા માટે.

આત્માને જાણવા માનસિક નિયંત્રણ જરૂરી છે. આ માનસિક નિયંત્રણ યોગ્ય પ્રકારનું અને યોગ્ય દિશામાં હોવું જોઈએ. નિયંત્રણના મૂળ હેતુ સાથે સાત્વિકતા વણાયેલી હોવી જરૂરી છે. આત્માને જાણવા માટે ધ્યાન પણ એક અગત્યનું માધ્યમ છે. અહીં ધ્યાન અર્થાત એકાગ્રતા. ધ્યેય સ્થાપિત હોય, દ્રઢ ઈચ્છા શક્તિ હોય અને પ્રક્રિયા શાસ્ત્રીય હોય તો આત્માની પ્રતીતિ મુશ્કેલ નથી. અહીં પણ નિષ્ઠા જરૂરી છે. મન ભટકવું ન જોઈએ, આત્માને ઓળખવાની જરૂરિયાતનું મહત્ત્વ સમજાયેલું હોવું જોઈએ, સંભવિત પરિણામથી ઉદ્ભવનારી પવિત્ર સકારાત્મક પરિસ્થિતિ વિશે વિશ્વાસ હોવો જોઈએ અને એક પ્રકારની શ્રદ્ધાથી પ્રવાસ ચાલુ રહેવો જોઈએ, શોધ ચાલુ રહેવી જોઈએ. આત્મા મળે જ, આત્માની અનુભૂતિ થાય જ, આત્મા પરનાં આવરણ દૂર થતાં તે વાસ્તવિક સ્વરૂપે અનુભવાય.

પછી લખચોરાસી નહીં, કરોડ-ચોરાસી હોય તો પણ તે મીટી જાય. તે સિવાય છૂટકો નથી. તે સિવાય લખચોરાસી ન મીટે. આત્માને ઓળખવો જરૂરી છે. પરમાત્મા સાથેનું સંધાન જરૂરી છે. જીવનના વાસ્તવિક સ્વરૂપની જાણ થાય તે જરૂરી છે. સૃષ્ટિના સમીકરણમાં પોતાના અસ્તિત્વની સ્થિતિ સમજવી જરૂરી છે. આત્મા અને પરમાત્મા વચ્ચેનો સંબંધ જાણવો જરૂરી છે. આ બધું જ શક્ય બને. આ માટે ગુદેવની કૃપા જોઈએ. જાત અને ઈશ્વર પર શ્રદ્ધા હોવી જોઈએ.

શાસ્ત્રમાં જણાવાયેલ બાબતોની જાણકારી હોવી તો જરૂરી છે જ પણ આત્માને ઓળખવા માટે અહીં જણાવાયેલ પ્રક્રિયામાં પ્રયત્નશીલ રહેવાની તૈયારી હોવી જોઈએ. આ પ્રકારનાં અભ્યાસ માટે ધીરજ જરૂરી છે. વૈરાગ્ય માટે યથાર્થ જ્ઞાન જરૂરી છે.

ધ્યાન માટે મનનું નિયંત્રણ જરૂરી છે. આ બધાં સાથે સંભવિત પરિણામની આધ્યાત્મિકતા માટે ગુ વચનમાં વિશ્વાસ પણ જરૂરી છે.

ગુ વચનમાં વિશ્વાસ રાખીને આગળ વધવાથી બધાં જ બંધન નાશ પામે. ગુની આજ્ઞા પ્રમાણે પ્રવાસ કરવાથી કોઈ મહા-અવતાર બાબાનાં દર્શન પણ થાય, તે અવતારી સિદ્ધની કણા દ્રષ્ટિ પણ આપણાં પર પડે, તે દ્રષ્ટિએ પામવાની ક્ષમતા પણ તે વખતે ગુદેવની કૃપાથી પ્રાપ્ત થઈ જાય, તત્કાળ જાણે બધાં જ સંશયો નાશ પામે અને આત્મા પરનાં બધાં જ આવરણ દૂર થતાં જ આત્માનાં પ્રકાશને અનુભવાય. પછી તો લખચોરાસીનું ચક્ર પણ અલોપ થઈ જાય.

આપણ વાંચો:  મૂલ્યોની માવજત કરતા દુહા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button