ફોકસ : આ મંદિરમાં કેમ ચઢાવાય છે હાથક્ડીઓ?

- કવિતા યાજ્ઞિક
પ્રસિદ્ધ શાયર જલન માતરી પોતાના એક શેરમાં જે વાત કરે છે તે અત્યંત પ્રસિદ્ધ થઇ છે, ‘શ્રદ્ધાનો હો વિષય હોય તો પુરાવાની શી જરૂર?’. વાત સાચી છે. કેટલીક વાત માટે પુરાવાની નહીં માત્ર હૃદયના અનુભવની જરૂર પડે છે. હવા દેખાતી નથી, પણ છે તેનો અનુભવ વિવિધ રીતે આપણને થાય છે. ઈશ્વર પણ પ્રત્યક્ષ નથી, પણ તેનો અનુભવ પણ શ્રદ્ધાવાનને વિવિધ રૂપે થાય જ છે. આ અનુભવ ઊંડી આસ્થાના બીજ રોપે છે. તેથી જ ભક્તને એ શ્રદ્ધા હોય છે કે ઈશ્વર તેની અડચણો દૂર કરશે જ.
ભક્તની ભક્તિ આપણને ક્યારેક આશ્ર્ચર્યજનક અને ક્યારેક વિચિત્ર લાગી શકે, તેમ છતાં તેના માટે તો એ ઈશ્વર સુધી પહોંચવાનો તેની સાથે સંવાદ સાધવાનો, ઈશ્વરનો ઉપકાર માનવાનો એક રસ્તો જ હોય છે. એક એવું મંદિર છે જ્યાં ભક્તો હાથકડી ઈશ્વરના ચરણે અર્પણ કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. કેમ? ચાલો જાણીએ.
રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના જોલર ગ્રામ પંચાયતમાં દેવાક માતાનું એક પ્રાચીન મંદિર છે. આ એ જ મંદિર છે જ્યાં ભક્તો દૂર-દૂરથી દેવીને હાથકડી અને સાંકળો ચઢાવવા આવે છે. બેડીઓ અને હાથકડી ચઢાવવાની કથા પણ ખૂબ જ રસપ્રદ છે.
ભારતમાં એક સમયે અનેક જંગલોમાં ડાકુઓ વસવાટ કરતા હતા. સમાજમાં થયેલા અન્યાય સામે લડત ચલાવવા તેઓ સમાજનો ત્યાગ કરીને, હથિયાર ઉપાડીને જંગલો અને કોતરોમાં રહેતા. એવી માન્યતા છે કે માલવાના જંગલો પર પણ એક સમયે ડાકુઓનું શાસન હતું.
આ પણ વાંચો…ફોકસ: મુક્તિનું મૂળ સ્થાન: હરિહરનાથ મંદિર
ડાકુઓ દેવાક માતાના આ મંદિરે દર્શન કરવા આવતા હતા. પોતાને થયેલા અન્યાય સામે ચલાવેલી લડતમાં તેમને સફળતા મળે તેને માટે તેઓ અહીં પ્રાર્થના કરતા અને દેવીની માનતા માનતા. તેઓ એવી માનતા લેતા કે જો પોલીસની ચુંગાલથી તેઓ આબાદ બચી જશે તો દેવીના ચરણે હાથકડી અર્પણ કરશે. ચમત્કારિક વાત એ હતી કે તેમની આ માનતા સફળ પણ થતી હતી. તેથી દેવીને આપેલા વચન મુજબ તેઓ દેવાક માતાના ચરણે હાથકડી કે સાંકળ અર્પણ કરતા હતા.
આ પ્રથાની શરૂઆત વિશે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, એક પ્રખ્યાત ડાકુ પૃથ્વી રાણાએ જેલમાં દેવાક માતાની પ્રતિજ્ઞા લીધી હતી કે જો તે જેલ તોડીને ભાગી જવામાં સફળ થશે, તો તે સીધો અહીં દર્શન કરવા આવશે. થોડા સમય પછી, તેની સાંકળો તૂટી ગઈ અને તે જેલમાંથી ભાગી જવામાં સફળ રહ્યો. અહીં આવીને તેણે પોતાની હાથકડી માતાના ચરણોમાં અર્પણ કરી. ત્યારથી આ પરંપરાની શરૂઆત થઇ છે.
મંદિરમાં એક 200 વર્ષ જૂનું ત્રિશૂળ સ્થાપિત છે. જેમની માનતા પુરી થાય તે આ ત્રિશૂળ પર જ હાથક્ડીઓ ચઢાવે છે. એવું કહેવાય છે કે તેમાંની કેટલીક હાથક્ડીઓ તો લગભગ દોઢસો થી બસ્સો વર્ષ જૂની છે. હાથક્ડીઓની બનાવટ અને સ્થિતિ જોઈને આપણે પણ એ અંદાજ લગાવી શકીએ કે કદાચ ખરેખર એ હાથક્ડીઓ એટલી પુરાતન હોઈ શકે.
અહીં આસપાસ ઘટાટોપ જંગલ છે. વચ્ચે લગભગ 500 મીટરનો ચઢાણવાળો વિસ્તાર છે, જેના ઉપર દેવાક માતાનું મંદિર છે. અહીં દેવી મહાકાળીના સ્વરૂપમાં બિરાજમાન છે. આ જંગલ ઘણું સમૃદ્ધ ગણાય છે, કેમકે અહીં સાગ-સીસમ સહિત અનેક પ્રજાતિઓના વૃક્ષો જોવા મળે છે. અહીંયા જોકે, વૃક્ષો કાપવા પર પ્રતિબંધ છે.
એવું પણ કહેવાય છે કે દેવીને પ્રસન્ન કરવા ડાકુઓ અહીં પશુબલિ પણ ચઢાવતા હતા. પણ એ પ્રથા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. અહીં એક પરિક્રમા માર્ગ પણ બનાવવામાં આવ્યો છે. લોકોમાં એવી શ્રદ્ધા છે કે, શારીરિક તકલીફોથી પીડાતા રોગીઓ અહીં પરિક્રમા કરે તો તેમને રોગમાં રાહત મળે છે. તેથી અહીં નવરાત્રી અને અન્ય તહેવારોમાં પરિક્રમા કરવા આવતા ભક્તોની ભારે ભીડ પણ જોવા મળે છે.
હવે જોકે, ડાકુઓ અને લૂંટારા પહેલાની જેમ જંગલોમાં નથી રહેતા. હા, સદીઓથી ચાલતી પરંપરા આજે બદલાયેલા સ્વરૂપ સાથે કાયમ છે. પરંતુ ત્યારથી પ્રસિદ્ધ થયેલા આ મંદિરમાં આજે પણ લોકો તેમના પરિવારના સભ્યોને જેલમાંથી મુક્ત કરવા માટે હાથકડી અને સાંકળો ચઢાવવા આવે છે. હવે લોકો કોર્ટકચેરીના દાવપેચથી બચવા પણ માનતા માને છે.
આ પણ વાંચો…ફોકસઃ આ મંદિરનાં ભગવાન વ્યાપારમાં ભાગીદાર બને છે!



