
વર્ષ 2024ની શરૂઆત થઈ ચુકી છે. નવું વર્ષ આવતાની સાથે જ લોકોમાં ધાર્મિક વ્રત-ઉપવાસના દિવસો તહેવારોની તારીખો જાણવાની ઉત્સુકતા હોય છે. ત્યારે આ વખતે વ્રત રાખનારાઓ માટે આ વર્ષની પ્રથમ માસિક શિવરાત્રી ખૂબ જ ખાસ બની રહેવાની છે.
દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ માસિક શિવરાત્રી ઉજવવામાં આવે છે. શિવરાત્રી ભગવાન ભોલેનાથને સમર્પિત છે. જેની શિવભક્તો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. વર્ષ 2024ની પ્રથમ માસિક શિવરાત્રી 9 જાન્યુઆરી 2024, મંગળવારના રોજ આવી રહી છે.
પંચાંગ મુજબ, 9 જાન્યુઆરી, 2024 ના રોજ સવારે 11:24 વાગ્યાથી મુહૂર્ત શરૂ થશે અને 10 જાન્યુઆરી, 2024 ના રોજ રાત્રે 08:10 વાગ્યે સમાપ્ત થશે. શિવરાત્રી એ શિવ અને શક્તિના સંગમનો તહેવાર છે. પૂજાનો સમય સવારે 10 વાગ્યાથી 12-55 વાગ્યા સુધીનો છે.
શાસ્ત્રોમાં પ્રદોષ વ્રત અને માસિક શિવરાત્રી આ બંને વ્રત શિવને પ્રિય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે પ્રદોષ અને માસિક શિવરાત્રિ વ્રત એક જ દિવસે આવે અને તે દિવસે જે ભક્ત વ્રત રાખે છે તેને બમણો લાભ મળે છે. 9મી જાન્યુઆરીએ આ સંયોગ બની રહ્યો છે. આ દિવસે, જે લોકો આખા વર્ષ દરમિયાન શિવ માટે ઉપવાસ, પૂજા અને અભિષેક કરે છે તેમના પર ભોલેનાથની કૃપા વરસશે. પ્રદોષ વ્રત દરમિયાન સૂર્યાસ્ત સમયે અને માસિક શિવરાત્રિ દરમિયાન રાત્રે મહાદેવની પૂજા કરવાની પરંપરા છે.
ભગવાન ભોલેનાથની કૃપાથી અસંભવ અને મુશ્કેલ કામ પણ પૂરા થઈ શકે છે. તેમજ માસિક શિવરાત્રિનું વ્રત કરવાથી મનવાંછિત ફળ મળે છે. સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે શિવરાત્રીના દિવસે શિવલિંગનો રૂદ્રાભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વ્રત ક્રોધ, ઈર્ષ્યા, અભિમાન અને લોભ જેવી લાગણીઓને કાબૂમાં રાખવામાં પણ મદદ કરે છે.