ધર્મતેજ

માનસ મંથનઃ શિષ્ય કેવો હોવો જોઈએ? કોણ શિષ્ય બની શકે?

  • મોરારિબાપુ

ગુરુની પાસે શું લઈને જવું જોઈએ ? ગુરુની પાસે મોટામાં મોટી વસ્તુ- દક્ષિણા લઈને જવાનું હોય, પત્રમ્ં, પુષ્પમ્ં, ફલમ્ં, તોયમ્ં, અધ્યાત્મ જગતમાં તો ગુરુ પાસે શ્રદ્ધા લઈને જવાનું હોય.અને એટલા માટે જ આપણે શિક્ષકને, અધ્યાપકને, આચાર્યને બધાને ગુરુભાવથી જોઈએ છીએ. ગુરુની પાસે કોઈ ફી નથી હોતી.ગુરુની પાસે કેવલ શ્રદ્ધા લઈને જવાનું હોય.

ચૈતન્ય મહાપ્રભુએ તો એમ કહ્યું કે શિષ્ય સદૈવ ભિક્ષુક હોવો જોઈએ. શિષ્ય ભિખારી હોય, એને જ શિષ્ય બનવાનો અધિકાર છે. ચેતન્ય મહાપ્રભુજીને કોઈએ પૂછ્યું કે શિષ્ય ભિખારી છે, તો એની પાસે ભિક્ષાપાત્ર કયુ ? કહે, શ્રદ્ધા. જેની પાસે શ્રદ્ધાનો પાત્ર હશે એને ગુરુ લબાલક ભરી દેશે. જેની પાસે શ્રદ્ધાનું પાત્ર નહીં હોય એ કદી ભરાશે નહીં. ભાગવતજીમાં શ્રદ્ધાથી ભક્તિનો આરંભ છે. શ્રદ્ધાથી જ્ઞાન, શ્રદ્ધાથી ભક્તિ અને શ્રદ્ધા વગર યોગ સાધી શકાય નહીં. શ્રદ્ધાને બહુ જ મહત્ત્વ આપ્યું છે.

શ્રદ્ધાવાન લભતે જ્ઞાનં। શ્રદ્ધા વગર જ્ઞાન નહીં, ભક્તિ નહીં, યોગ નહીં, ધર્મ- કર્મ નહીં. શ્રદ્ધા બહુ જ મોટું શક્તિશાળી પાત્ર છે. બૌદ્ધિક જગતે શ્રદ્ધાની બહુ આલોચના કરી છે. સમજ્યા વગર શ્રદ્ધાની કરેલી આલોચના એ બૌદ્ધિક જગતે કરેલું પાપ છે. શ્રદ્ધા બહુ ગજબની છે. આપણને આપણી આંખે અમુક વસ્તુ નથી દેખાતી એનો અર્થ એ નથી કે હું ને તમે આલોચનામાં ઉતરીએ. શ્રદ્ધાની આંખ કંઈક જુદી જ હોય છે. શિવને વરવા માટે પાર્વતી રૂપ શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધાથી જ શરૂઆત છે બાપ ! મને બહુ ગમે છે.

ચૈતન્યએ કહ્યું, દેશમાં ગુરુનો શિષ્યનો ભિખારી હોય. ભિખારીનો બીજો અર્થ, એને ધક્કો મારો તો જતો રહે, પણ વળી પાછો આવીને ઊભો રહે. તું કારો કરો,. મારો, કપડાં ફાડી નાખો તોય ફરિયાદ ન કરે. વળી પાછો ‘અન્નદાતા’ કહી ઊભો રહે ! શિષ્ય તો ભિખારી હોય. મને એક મહાત્માએ નાની ડાયરી આપી, જેમાં અનેક પહોંચેલા મહાપુરુષો, સુફી સંતના નાના નાના દ્રષ્ટાંતો હતા..

વૃંદાવનની કથામાં હું એક દ્રષ્ટાંત કહેતો હતો. એક સુફી સંત પાસે ચીનનો એક ચિંતક, જેનું નામ હું ભૂલી ગયો છું, તે જાય છે. એણે જઈ અને પેલા મહાપુરુષને કહ્યું કે હું કંઈક પામવા આવ્યો છું. આપની પાસેથી કંઈક પામવું છે. એમ? પહેલા મહારાજે કહ્યું કે સારું, અહીં રહો. પેલો ચીનનો ચિંતક, બુદ્ધિમાન માણસ એક વર્ષ સુધી ત્યાં રહ્યો. પહેલા ગુરુએ એની સાથે કોઈ જ વાત ન કરી. બંને વચ્ચે કોઈ પ્રકારનો વાર્તાલાપ ન થયો. એક વર્ષમાં તો પેલો બુદ્ધિમાન ચિંતક કંટાળી ગયો. તેને થયું કે હું ખોટી જગ્યાએ આવી ગયો લાગુ છું. આમાં કંઈ છે નહીં. નહીં તો કંઈક તો બોલે ને ? અને પછી કહે છે કે તે કોઈ બીજા મહાપુરુષ પાસે ગયો.

જઈ અને વંદન કર્યું અને એક વર્ષ જે સુફી સંત પાસે રહ્યો હતો તેની વાત કરવા માંડ્યો કે બાબા, દુનિયા ભલે ગમે તે કહે, ભલે કહે કે તે સંત બહુ મોટું નામ છે, પરંતુ હું તો એક વર્ષ એમની પાસે રહ્યો, એમને કંઈ આવડતું નથી. ખાલી મોટી પ્રસિદ્ધિ છે, પણ કોઈ અનુભૂતિ નથી. બીજા સંત બોલ્યા: તમે એમની પાસેથી કંઈ મેળવી ન શક્યા? પેલાએ કહ્યું ના. તો મહાત્મા બોલ્યા કે અહીંથી જતા રહો. કહે કેમ ? બીજા સંતે કહ્યું ભાઈ, એ મહાત્મા તો સમુદ્ર સમાન છે, અમે તો ખાબોચિયાં છીએ. સમુદ્ર પાસેથી તને કઈ ન મળ્યું હોય તો અમારી પાસેથી કંઈ આશા ન રાખીશ. નીકળી જા !

ચીનનો બૌદ્ધિક પછી કોઈ ત્રીજા મહાપુરુષ પાસે જાય છે. તેમની પાસે જઈ ફરી એ જ વાત કરે છે કે જેમની બહુ ખ્યાતિ છે એવા મહાપુરુષ પાસે ગયો પણ મને કોઈ અનુભવ ન થયો. ત્રીજા મહાપુરુષ એ પણ પેલા મહાન સુફીની સહાના કરતા જણાવ્યું કે તેઓ ખૂબ મહાન છે. તું એમનાથી તૃપ્ત ન થયો તો અહીં કોઈ વ્યવસ્થા નથી, તો નીકળી જા. એમ કહે છે કે ત્રણ વર્ષ પછી એ બુદ્ધિમાન ફરતો ફરતો પાછો એ જ મહાપુરુષ પાસે ગયો. પગ પકડી લીધા.

મહાપુરુષે પૂછ્યું, ફરી આવ્યો? કહે બાપજી હા, હવે બતાવો.. તમારા માટે લોકો કેટલી બધી વાતો કરે છે ! તમે મારા માટે કંઈક કરી શકો. હું એક વર્ષ તમારી પાસે રહ્યો હતો પણ તમે મારી સાથે વાત પણ ન કરી. ત્યારે એ મહાન સુફીની આંખમાં આંસુ આવી ગયા. એણે કહ્યું કે તું તો એક વર્ષની વાત કરે છે, પણ હું મારા ગુરુ પાસે ત્રણ વર્ષ રહ્યો.. મેં તારી સાથે વાત નહોતી કરી, મારા ગુરુએ તો મારી સામે પણ જોયું નહીં. છતાં હું પડ્યો રહ્યો ભિખારીની જેમ.

ત્રણ વર્ષ સુધી મારી સામે જોયું નહોતું, ત્યારે હું થોડોક ભરાયો છું ! તેથી ચૈતન્ય કહે છે શિષ્ય હોય તો શું ? એ ગુરુ પાસે તો ભિખારી જ છે. ગુરુ કુંભાર, શિષ્ય કુંભ હૈ. આવું તો કબીર જ કહી શકે. ગુરુ કુંભાર અને શિષ્યનો ઘડો છે. ઉપરથી ટાપલી મારે પણ અંદર પાછો એનો હાથ પણ હોય ! ક્યાંક ગોબો ન પડે, ત્યાં તૂટી ન જાય ! તમારો ગુરુ તમને ન બોલાવે, તમારી સામે પણ ના જુએ, તો પણ શ્રદ્ધા ન ગુમાવશો. એ તમારી કસોટી હોઈ શકે! એ તમારી લાયકાતનું તારણ કાઢવાની કોઈ પરીક્ષા હોઈ શકે. ગુરુ પાસે ભિક્ષુક બનવાનું. તું દાતાર છો એટલી શ્રદ્ધા રાખવાની. શિષ્ય ભિક્ષુક છે.

ચેતન્ય પ્રભુ કહે છે કે ભિક્ષુકના હાથમાં ભિક્ષાપાત્ર હોવું જોઈએ. અને શિષ્યનો ભિક્ષાપાત્ર ગુરુ પ્રત્યેનો અતિ આદરજ છે, શ્રદ્ધા જ ભિક્ષાપાત્ર છે. શ્રદ્ધા ગઈ તો માણસ મરી ગયો! બસ, પછી કંઈ વધતું નથી. સત્સંગ એટલા માટે છે, કે ધીમે ધીમે આપણી શ્રદ્ધા મજબૂત થાય.
(સંકલન: જયદેવ માંકડ)

આપણ વાંચો:  શિવ રહસ્ય : દુર્ગમાસુર દેવગણો ને પૃથ્વીવાસીઓને અન્યાય કરશે ત્યારે હું શિવઇચ્છાથી દુર્ગમાસુરને દંડ આપીશ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button