માનસ મંથનઃ આજે કળિયુગમાં પ્રાસંગિક હોય એવાં ક્યાં વ્રત રાખી શકાય?
શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ દ્વારા ‘જ્ઞાન જ્યોતિ યોજના’ હેઠળ તાત્કાલીક ધોરણે ભરતીની જાહેરાત કરવામાં આવી

મોરારિબાપુ
બાપ ! ભગવાન રામેશ્વરની અહેતુ કરુણાથી ફરી એક વાર વર્ષો પછી રામેશ્વરની આ ઉત્તમ ધરતી પર, આ પરમ ધામમાં નવ દિવસીય રામકથાનું આયોજન થયું અને આજથી આપણે તેના શ્રી ગણેશ કરી રહ્યાં છીએ. આપ સૌનું કથામાં સ્વાગત છે. આપ સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ અને જય સીયારામ. મારી જાણકારી બરાબર હોય તો કદાચ 1981માં અહીં રામકથા યોજાઈ હતી. એ પછી 1996ના ડીસેમ્બરમાં કથા થઈ હતી, જે 1997ના જાન્યુઆરીમાં પૂરી થઈ હતી. આ કથાનો મુખ્ય વિષય રહેશે-‘માનસ-સેતુ’.
હું ‘માનસ-સિયા’ કથા જે બિહારમાં થઈ, ત્યાં પણ કહી રહ્યો હતો કે માણસે, ખાસ કરીને યુવાવર્ગે ચાર વ્રત રાખવાં જોઈએ. મારું કોઈ દબાણ નથી. હું કંઈ વ્રત પકડાવવા નથી આવ્યો, પરંતુ આ વ્યાસપીઠ પર આટલી શ્રદ્ધા રાખો છો તો હું આપને કહી શકું; માનવું કે ન માનવું એ તમારી મરજી.
એકાદશીનું વ્રત કરો, જરૂર કરો. શિવરાત્રીનું વ્રત કરો, જરૂર કરો. અને જેટલા જપ કરો એ પણ સારી વાત છે. આ પારાયણ કરતા હો તો એ કરો; જરૂર આપ જે જે કરતા હોય તે કરો. એમાં મારી બહુ જ પ્રસન્નતા છે અને શુભકામના છે, પરંતુ આજે કળિયુગમાં પ્રાસંગિક એવા વ્રતો કયા કયા છે?
આજના જમાનામાં જ્યારે આપણે જીવી રહ્યા છીએ ત્યારે કયા વ્રત પ્રાસંગિક છે? આજે જ્યારે દિલ-દિલમાં સેતુ નથી; મન-મનમાં સેતુ નથી; માનવ -માનવ વચ્ચે સેતુ નથી; બધા જ્યારે ભિન્ન સેતુ છે ત્યારે ક્યા વ્રત પ્રાસંગિક છે?
‘માનસ’માં એક શબ્દ છે ‘નૃપસેતુ’. કોઈ એવા નૃપ કે જે રાજા જ નહીં, પરંતુ કોઈ એવી ચેતનાની જરૂર છે, જે એવો સેતુ નિર્મિત કરી દે, જ્યાં કીડી પણ પસાર થઈ શકે અને હાથી પણ ચાલી શકે. કોઈને રોકટોક ન હોય.
આ પણ વાંચો…માનસ મંથન : જેઓ નિર્વાણને પોતાનું લક્ષ્ય સમજે છે, તેમણે શિવ આરાધના કરવી જોઈએ
તો, મારાં યુવાન ભાઈઓ-બહેનો, બધાંએ ચાર વ્રતો કરવાં.પહેલા મેં બે વ્રત બતાવ્યાં હતાં; બે આજે બતાવી રહ્યો છું. એ વખતે ‘માનસ-સિયા’ કથાના પ્રવાહમાં સીતામઢી ધામમાં બે વ્રત કહ્યા હતા. એક કહ્યું હતું મૌનવ્રત. મૌનવ્રત બહુ જ સારી વસ્તુ છે, ખૂબ મહિમાવંત છે. આપ કહેશો કે બાપુ, અમારે ભણવાનું છે, અમારે નોકરી કરવાની છે, ખેતી કરવાની છે, વેપાર કરવાનો છે, ઘર સંભાળવાનું છે; અમારા પત્ની-બાળકો એ બધા છે; તો મૌનવ્રત કેવી રીતે રાખવું ?
હા, જો દિવસે મૌન ન રાખી શકો તો કમ સે કમ રાતે મૌન રહો. ઘણા લોકો રાતે બોલતા હોય છે, નીંદરમાં પણ બોલતા હોય છે! કમસેકમ એ વખતે મૌન રહો. મૌનવ્રતની ટેવ પાડો. મૌન ખૂબ જ શક્તિ, ખૂબ જ ઊર્જા પ્રદાન કરે છે. હું આપને અનુભવ સાથે કહું કે મૌનવ્રત માણસના શરીરને કમજોર નથી થવા દેતું… આ મારો અનુભવ છે.
શરીરની એક મર્યાદા અવશ્ય છે કેમકે એ પંચભૂતનું પૂતળું છે. એમાં એક એક તત્ત્વ થોડું કમજોર હોય તો બોડી પર એની અસર થશે. પરંતુ મૌનવ્રત બધાની પૂર્તિ કરશે, ઘણી પૂર્તિ કરશે. મૌન રહેવાથી તમે શબ્દો જ બચાવી રહ્યા છો એવું નથી, આખા શરીરને સંરક્ષણ આપી રહ્યા છો. આપણે એટલું બધું બોલ બોલ કરીને શરીરનું નુકસાન કરી રહ્યા છીએ સાહેબ! કેવળ શરીરશાસ્ત્ર માટે પણ મૌન રાખો. અધ્યાત્માની વાત જવા દો. પરંતુ બહુ મુશ્કેલ છે.
તો, જેટલું થઈ શકે, જયારે થઈ શકે, મૌનવ્રત રાખો. તમારા મનથી પરિવારમાં અશાંતિ ન સર્જાવી જોઈએ. પ્રેક્ટીકલ બનીને મૌન રહો. એટલા માટે જ મેં બીજું વ્રત જોડ્યું છે મુસ્કાનવ્રત. મૌન સાથે મુસ્કુરાહટ જળવાઈ રહે એ જરૂરી છે. તમે બોલો તો રામની માફક પહેલા મુસ્કુરાઈને બોલો. જો આપણાથી એવું ન થઈ શકે તો કમસેકમ મૌન રહો ત્યારે તો મુસ્કુરાઓ. મૌનમાં મુસ્કુરાહટ હોવી જોઈએ. બોલવામાં તો મુસ્કુરાહટ કદાચ ન પણ રહે, ચાલો. રામ તો પહેલાં મુસ્કુરાતા જ હતા; પછી બોલતા હતા.
તલગાજરડા ને ત્રીજું વ્રત બહુ જ જરૂરી જણાય છે એ છે મહેમાનવ્રત. એક એવું વ્રત રાખો કે હું આ પૃથ્વી પર મહેમાન છું. એક મહેમાન કોઈને ઘેર જાય છે તો એ જો શીલવંત મહેમાન હશે તો એ જે ઓરડામાં રહે તે ઓરડાને નુકસાન નહીં કરે; એને નુકસાન નહીં કરે. જેમના ઘેર ઉતર્યા હશે એમને આનંદ થશે કે આ મહેમાન ફરી આવે તો સારું. એવા મહેમાન પોતાનું શીલ, પોતાનો વિવેક, પોતાની મર્યાદા ક્યારેય નહીં છોડે.
પરમાત્મા કરે, ઉપનિષદએ જણાવ્યા મુજબ, સૌને 100 વર્ષનું આયુષ્ય મળે, પરંતુ એક માનસિકતા બનાવી રાખો કે આપણે આ પૃથ્વી પર મહેમાન છીએ. પૃથ્વીને ગંદી ન કરીએ. પૃથ્વીને નુકસાન ન કરીએ. એને એમ થાય કે આ મહેમાન પૃથ્વી પર વારંવાર આવે. તે વારંવાર આવે; અમારા ઘેર રહે. એવું મહેમાનવ્રત હોવું જોઈએ.
એ મજાનું વ્રત છે. એમાં બીજું કંઈ કરવાનું નથી. અને મહેમાન જ્યારે કોઈને ઘેર રહે તો એ દિલથી રહે છે. ઘરમાં દિલથી રહો, હૃદયથી રહો. પૃથ્વી પર, પોતાના ગામમાં, પોતાના પરિવારમાં, મિત્રો સાથે પ્રસન્નતાથી રહો, પરંતુ મહેમાનવૃત્તિનું એક વ્રત રાખો. નવ દિવસ છે. દસમે દિવસે રવિવારે તો કથા પૂરી કરીને નીકળી જશું. નવ દિવસ આપણે એન્જોય કરીએ. અસ્તિત્વ એવું છે કે આ મહેમાન વારંવાર આવે; જેમણે આપણને ઈજ્જત આપી છે એવો કોઈ માણસ પૃથ્વી પર વારંવાર આવે.
તો આ ત્રીજું વ્રત છે મહેમાનવ્રત અને ચોથું વ્રત રામેશ્વરમની ભૂમિમાં કહું, મહેરબાનવ્રત. हरि तुम बहुत अनुग्रह कीन्हो| એની રહેમત ને એક પળ માટે પણ ન ભુલો. તું મહેરબાન; તારી મહેરબાની ન હોય તો અમે કંઈ ન હોત ! આને હું કહીશ મહેરબાન વ્રત. કોણ છે મહેરબાન? એ પરમાત્મા. કોણ છે ઈશ્વર? જે રહેમત કરનારા છે. આપ સૌ આ સંસારમાં એટલા બધા વ્યસ્ત છો; સંસારમાં સૌને ઘણી બધી મુશ્કેલીઓ હશે તેમ છતાં પણ રામકથામાં સમયનો સદુપયોગ કરો છો.
આ પણ વાંચો…માનસ મંથન : સાદગી ને સરળતાભર્યું જીવન ભલે હોય પરંતુ તેવું જીવન રસપૂર્ણ હોવું જોઈએ