ધર્મતેજ

માનસ મંથન: આદર્શ શિક્ષકનાં લક્ષણો કયા કયા હોઈ શકે? ઉત્તમ શિક્ષક કેવો હોય?

  • મોરારિબાપુ

વિનોબાજીએ આચાર્ય કુળની રચના કરી; આપ સૌ જાણો છો. તેમની ભૂદાન યાત્રાઓમાં તેમણે શિક્ષકો ઉપર બહુ જ ભરોસો રાખ્યો અને પછી એમણે આચાર્ય કુળની સ્થાપના કરી. એમાં ત્રણ સૂત્રો રાખ્યાં. એક, નિર્ભય; બીજું, નિષ્પક્ષ અને ત્રીજું, નિર્વેર. આચાર્ય કુળમાં એ જ આવી શકે જે આ ત્રણ શીલને બરાબર ચરિતાર્થ કરે. નિર્ભયતા, નિષ્પક્ષતા અને નિરવૈરતા. આ ત્રણ સૂત્રો એમણે આપ્યા હતા જે મને બહુ ગમે છે, પરંતુ એ આચાર્ય માટેના સૂત્રો છે. શિક્ષક માટેનાં સૂત્રો કયાં?

હું કોઈ શિક્ષણવિદ્ નથી; હું કોઈ શિક્ષણશાસ્ત્રી પણ નથી. મારો કેટલો અધિકાર એ મને ખબર નથી પણ મેં જેટલું પ્રાઇમરી સ્કૂલમાં કામ કર્યું છે અને એની મેં ટ્રેનિંગ લીધી છે; જેટલું એ કામ કર્યું છે એ પ્રમાણિકતાથી કર્યું છે. કોઈપણ કવિતાને પાઠ કરીને નથી ભણાવી. ગાઈને જ ભણાવી છે. એટલે જે કંઈ સાત- આઠ વર્ષ કામ કર્યું તે આ જ રીતે કર્યું છે. એટલે એક શિક્ષકના નાતે અથવા તો શિક્ષક થવા માટે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ એ પણ મેં એક વર્ષનો કોર્સ હતો તે પાસ કર્યો છે. મેં શિક્ષણની ડિગ્રી લીધેલી છે. એ ન્યાયે પણ હું શિક્ષકો સાથે સંવાદ કરી શકું, આદેશ ન આપી શકું. આચાર્ય વિનોબા ભાવે મારી દ્રષ્ટિએ મહામૂની એવા એક પ્રજ્ઞાવાન પુરુષ હતા. એમણે આચાર્યનાં ત્રણ લક્ષણો બતાવ્યા, પરંતુ એવા આચાર્ય થવું બહુ અઘરું છે.

મને એવું સમજાય કે શિક્ષકો માટે વર્તમાન જગતમાં આપણે કોઈ સૂત્રો વિચારી શકીએ ખરા? તો મને એમ લાગે કે શિક્ષકના ત્રણ શીલ. એ ત્રિશીલ છે શિક્ષક માટેના એ કયાં હોવા જોઈએ? તો મને મારી રીતે એક શિક્ષક તરીકે સમજાય એ હું આપની પાસે શેર કરું; એક સંવાદ રચું. પહેલું, શિક્ષક નિર્વ્યસની હોવો જોઈએ. ભણતા હો ત્યારે બીડીના ઠુંઠા પીવો એ વાત જુદી છે! મેં પીધેલું છે એટલે કહું છું! ઠુંઠું નહોતું, આખી બીડી હતી;. જનોઈધારી બીડી હતી.

મને એમ થયું કે આપણે એક વખત અનુભવ કરી લઈએ! અમારે ત્યાં એક વાડો છે ત્યાં જઈ પૂર્વ તૈયારી કરેલી કે કેવી રીતે બીડી સળગાવવી. હજી તો સળગાવી અને અડધી બીડી પીધી હશે ત્યાં અમારા ગામની બાવળીબહેન ભરવાડ, ખબર નહિ, ક્યાંથી વાસીદુ કરીને નીકળ્યાં! મને કહે, સાવિત્રી માને કહી દઉં! મેં કીધું, એ મા, તને પગે લાગુ! કોઈને કહેતી નહીં. એ અડધી બીડી ફેંકી દીધી. એ પછી એક વખત તમાકુ ખાધી છે. હથેળીમાં ચોળી ચૂના સાથે. તમાકુ ખાધી એટલે ફેર ચડ્યા. આખું રામજી મંદિર ફરે! બાપ! શિક્ષક નિર્વ્યસની હોવો જોઈએ. હા, શિક્ષકે ચા પીવાય.

શિક્ષકનું પહેલું શીલ, શિક્ષક નિર્વ્યસની હોવો જોઈએ. વ્યસન વગર ન રહી શકે. વ્યસનનો એક અર્થ સંસ્કૃતમાં થાય છે દુ:ખ, વિપત્તિ. શિક્ષકે એક વ્યસન રાખવું જોઈએ કે હું સમયસર સ્કૂલે જાઉ. હું ભણવા જતો ત્યારે પણ સમયસર જતો. શિક્ષક થયો ત્યારે પણ. મારામાં સમયને પાળવાની ટેવ હજી સુધી છે. મારી વ્યાસપીઠ કે કોઈ પણ ફંકશન, એમાં હું સમયસર જવું લગભગ. એકાદ ટકા જે આ ટ્રાફિક જામ હોય અથવા તો કંઈક એવું થયું હોય તો વાત જુદી છે. સમયનો વ્યસની શિક્ષક હોવો જોઈએ. આ વ્યસન હોવું જોઈએ.

બીજું શિક્ષકનું એ વ્યસન હોવું જોઈએ કે જે વિદ્યાર્થી નબળો છે એને ટ્યુશન ન કરવું પડે; અને એને રવિવારે મારા ઘેર અડધો કલાક બોલાવીને હું એના અમુક પાઠોને પાકા કરાવું. આવું થઈ શકે. શિક્ષકે કોઈ બીજો 10મો ભાગ કાઢવાની જરૂર નથી. અને ત્રીજું, શિક્ષકના કપડા, એનો પહેરવેશ સાદો અને સ્વચ્છ હોવો જોઈએ. આ ત્રીજું વ્યસન મારી દ્રષ્ટિએ જરૂરી છે કારણ કે વસ્તુઓનો બહુ પ્રભાવ બાળકો પર પડે છે. વસ્ત્રો દ્વારા આપણી મોટાભાગની વૃત્તિઓ બદલાય છે. કોઈને તમે પોલીસનો ડ્રેસ પહેરાવો તો એનામાં એક પ્રકારનું ઝનૂન, જુસ્સો એની મેળે આવી જાય. અને એને તમે ધોતિયું પહેરાવો તો સાવ ઢીલો થઈ જાય! વસ્ત્રનો બહુ મહિમા છે. એટલે પહેલું તો એ કે શિક્ષક નિર્વ્યસની હોવો જોઈએ.

બીજું સૂત્ર, એ મારું નથી; ડોક્ટર રાધાકૃષ્ણનનું છે. એમણે કીધું કે શિક્ષક નિર્બંધી હોવો જોઈએ. આ સૂત્ર એમનો છે. નિર્બંધી; એને કોઈ બંધન ન હોવું જોઈએ. હા, જે કંઈ અભ્યાસક્રમો હોય, પાઠ્યપુસ્તકો હોય એનું જે શિક્ષણ આપવાનું હોય એ તો હોય. નવા નવા નિયમ આવતા હોય એ બધું પણ હોય પરંતુ તેના પર અકારણ કોઈ નવાં બંધનો ન આવવા જોઈએ. હવે તો પ્રમાણમાં ઘણું સારું છે, નહિતર શિક્ષકોને કેટલાય બંધન આવે છે, તમે આ કરો, તમે તે કરો; એવું બધું ઘણું હોય. ઠીક છે. પણ શિક્ષક બંધાયેલો ન હોવો જોઈએ. એ બંધાયેલો હોય તો કેવળ, કેવળ ને કેવળ પોતાની શાળા સાથે બંધાયેલો હોવો જોઈએ.

ત્રીજું છે શિક્ષક નિર્દંભી હોવો જોઈએ. એનામાં દંભ ન હોવો જોઈએ. દંભ શાનો ? જેમ છીએ તેમ છીએ. જે છીએ તે છીએ. ઘણી વખત શિક્ષકોને વાતો કરતા સાંભળું છું ત્યારે એમ થાય કે આ છે શિક્ષક અને કેટલી મોટી મોટી વાતો કરે છે ! આ બધા મારા અનુભવો કહું છું. દેશ અને દુનિયામાં ‘રામાયણ’ની કૃપાથી અને આપ સૌની શુભેચ્છાથી ફરવાનું થતું રહે છે ત્યારે આવું અનુભવું છું. ઘણી વખત બહુ મોટો દંભ આપણામાં પોષાતો હોય છે.

તો બાપ ! આ ત્રણ શીલ છે તે આપણામાં છે જ, બેધડક કહું. ચાણક્ય જેવા શિક્ષકો આપણને મળ્યા છે. ઉમાશંકરજીની બે લીટી આપણા માટે પ્રેરણાદાયક છે. ત્રણ વાનાં મુઝને મળ્યા… હૈયું, હાથ અને મસ્તક. શિક્ષક પાસે આ ત્રણેય છે, હૈયું, હાથ અને મસ્તક.

(સંકલન: જયદેવ માંકડ)

આ પણ વાંચો…માનસ મંથનઃ રામને ભુલાવે નહીં તેવો કામ જગતના સંચાલન માટે જરૂરી છે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button