અલૌકિક દર્શન : શરીરમાં ઉત્પન્ન થયેલ શક્તિને સમગ્ર શરીરમાં પહોંચાડવાનું કાર્ય વ્યાન કરે છે! | મુંબઈ સમાચાર
ધર્મતેજ

અલૌકિક દર્શન : શરીરમાં ઉત્પન્ન થયેલ શક્તિને સમગ્ર શરીરમાં પહોંચાડવાનું કાર્ય વ્યાન કરે છે!

-ભાણદેવ

(ગતાંકથી ચાલુ)

(1) પ્રાણ:
શરીરમાં શક્તિનો સતત વ્યય થયા કરે છે. આ વ્યયને ભરપાઈ કરવા માટે આપણે બહારથી શક્તિ ગ્રહણ કરીએ છીએ. આ સતત ચાલતી શક્તિ ગ્રહણની ક્રિયા પ્રાણ કરે છે. આ કાર્ય શ્ર્વાસ લેવો ખોરાક લેવો, જળ ગ્રહણ કરવું વગેરે ક્રિયાઓ તથા તેમના શરીરમાં પાચન દ્વારા થાય છે. આપણે પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે સંવેદનાઓ ગ્રહણ કરીએ છીએ તે પ્રાણની ક્રિયા છે. પ્રાણનું સ્થાન છાતીથી નાસિકા સુધી છે. આમ છતાં પ્રાણનું મુખ્ય કાર્ય શ્ર્વાસ ગ્રહણ અને મુખ્ય સ્થાન હૃદય
ગણાય છે.

(2) અપાન:
પાચનક્રિયા, શ્ર્વસનક્રિયા, રુધિરાભિસરણ ક્રિયા વગેરે અનેકવિધ શારીરિક ક્રિયાઓને પરિણામે શરીરમાં જે મલદ્રવ્યો ઉત્પન્ન થાય છે તેમના ઉત્સર્ગનું કામ અપાન કરે છે. મલમૂત્ર વિસર્જન, અધોગામી વાયુનું વિસર્જન, પરસેવો થવો, ઉચ્છ્વાસની ક્રિયા વગેરે ક્રિયાઓ અપાન દ્વારા થાય છે. અપાનનું સ્થાન નાભિથી નીચે છે.

(3) ઉદાન:
શરીરને ઉત્થિત રાખવાનું કાર્ય ઉદાન કરે છે. વ્યષ્ટિ-પ્રાણનો સમષ્ટિ પ્રાણ સાથેનો સંબંધ ઉદાન દ્વારા થાય છે. ઉદાન દ્વારા જ મૃત્યુ સમયે સૂક્ષ્મ શરીરનું સ્થૂળ શરીરમાં બહાર નીકળવાનું શક્ય બને છે. વળી, જીવાત્મા પોતાના સંસ્કારને અનુરૂપ ગર્ભમાં પુન:પ્રવેશ પણ ઉદાન દ્વારા જ કરે છે. યોગીઓ ઉદાન દ્વારા જ સ્થૂળ શરીર છોડીને લોકલોકાંતરમાં ઘૂમે છે. કંઠ અને કંઠથી ઉપર મસ્તકમાં ઉદાનનું સ્થાન છે.

(4) વ્યાન:
શરીરમાં ઉત્પન્ન થયેલ શક્તિને સમગ્ર શરીરમાં પહોંચાડવાનું કાર્ય વ્યાન કરે છે. રુધિરાભિસરણ તેનું મુખ્ય કાર્ય છે. વ્યાન સમગ્ર શરીરમાં વ્યાપીને રહેલો છે.

(5) સમાન:
બહારથી શક્તિ મળે તેવા પદાર્થો ગ્રહણ થયા પછી તેમને શરીરને અનુરૂપ સ્વરૂપ આપવાનું કાર્ય સમાન કરે છે. સરળ ભાષામાં કહીએ તો પાચનક્રિયા સમાન દ્વારા થાય છે. તેનું સ્થાન નાભિથી હૃદય સુધીનું છે.

વ્યુત્પત્તિની દૃષ્ટિથી વિચારીએ તો અણ્ર એટલે ગતિ અથવા જીવન. પાંચેય શબ્દોમાં અણ્ર ધાતુ છે. અને અણ્ર ને પ્, અક્ષ્ર, ઈટ્ર, રુમ અને લપ્ર ઉપસર્ગ લગાડવાથી અનુક્રમે પ્રાણ,અપાન, ઉદાન, વ્યાન અને સમાન – આ પાંચે શબ્દો બન્યા છે.

આ પણ વાંચો…અલૌકિક દર્શન : અવતાર એક આધ્યાત્મિક સત્ય છે

યોગ સાધનાની દૃષ્ટિથી પાંચે પ્રાણનો વિચાર કરીએ. પ્રાણની સ્વાભાવિક રીતે ઊર્ધ્વગતિ છે અને તેની આ ઉર્ધ્વગતિ યોગમાં ઉપકારક છે. અપાનની સ્વાભાવિક ગતિ અધોમુખી છે; જે યોગ માટે ઉપયુક્ત નથી, પણ ભોગ તરફ દોરી જનારી છે. એટલે યોગી અપાન પર પ્રાણનો વિજય ઈચ્છે છે. આ કાર્ય પ્રાણાયામથી સિદ્ધ કરી શકાય છે. પ્રાણાયામ દ્વારા પ્રથમ પ્રાણને નીચે ઉતારવામાં આવે છે. પ્રાણ અપાનક્ષેત્રમાં જઈ ત્યાં રહેલા અપાન પર નિયંત્રણ સાધે છે અને પછી અપાન સહિત ઊર્ધ્વ તરફ ગતિ કરે છે. આમ, પ્રાણનો અપાન પર વિજય થતાં ભોગમાંથી મુક્તિ અને યોગમાં ગતિ થાય છે.

प्राणापानवशो जीवो हयधश्चोर्ध्वं च धावति|
(छिै. ळ. – २६)

‘પ્રાણ અને અપાન વશ થઈને જીવ ઉપર અને નીચે દોડતો રહે છે.’

યૌગિક સાધના દ્વારા પ્રાણનો અપાન પર વિજય સિદ્ધ થતાં ચેતનાનું ઊર્ધ્વગમન શક્ય બને છે.

પ્રાણ અને અપાનની ગતિ સ્વાભાવિક રીતે પરસ્પર વિરોધી છે. આ પરસ્પર વિરોધી ગતિની સમતુલા જાળવવાનું કાર્ય સમાન કરે છે.

ઉદાનનું યૌગિક સાધનામાં ઘણું મૂલ્ય છે. વ્યષ્ટિના ચોકઠામાં બદ્ધ થયેલ સાંકડી ચેતના, મુક્ત અને વ્યાપક બને અને સમષ્ટિ ચેતના સાથે તદાકારતા અનુભવે, શરીરની મર્યાદા ઓળંગી બહાર નીકળી શકે – આ બધી આધ્યાત્મિક ઘટનાઓ ઉદાનની સહાયથી બની શકે છે.

उदान जयाज्जलपड्ककण्टकादिष्वड्ग्उत्क्रान्तिश्च|
(शिै. ज्ञें. ३, ३९)

‘ઉદાન પર જય મેળવવાથી જળ, પંક, કંટક આદિથી નિર્લેપ રહી શકાય છે અને ઉન્નયન (Levilation) (કે ઈચ્છામૃત્યુ) સિદ્ધ થાય છે.’

આપણું શરીર ગુરુત્વાકર્ષણને લીધે પૃથ્વીથી ઊંચે ઊઠી શકતું નથી. પરંતુ યૌગિક પ્રાણવિજ્ઞાન મુજબ ઉદાન પર જય મળે તો, તેની શક્તિથી યોગી ગુરુત્વાકર્ષણની પકડમાંથી મુક્ત બની શકે છે. પરિણામે પાણી, કાદવ, કંટક વગેરે પરથી, નિર્લેપ રહીને પસાર થઈ શકે છે. શરીર પૃથ્વીથી ઉપર ઊઠી શકે છે અને યોગી પોતાની ઈચ્છાથી મૃત્યુનું વરણ કરી શકે છે.

આ પણ વાંચો…અલૌકિક દર્શન : પરમાત્મા સંકલ્પ દ્વારા બધું કરી શકે છે

समानजयाडडज्जवलनम्| (शिै. ज्ञें. ३, ४०)

‘સમાન પર જપ મેળવવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે.’

ગોરક્ષનાથે સત્ય જ કહ્યું છે કે જ્યાં સુધી પ્રાણની ઊર્ધ્વગતિ ન થાય ત્યાં સુધી અધ્યાત્મ માત્ર વાતોમાં જ રહે છે. વ્યક્તિ ગમે તેટલું વાંચે, વિચારે, બોલે, લખે, ગમે તેટલો ઊંચો આદર્શ સેવે; પરંતુ જ્યાં સુધી પ્રાણની ઊર્ધ્વગતિ ન થાય ત્યાં સુધી તે ભોગમાંથી મુક્તિ નથી અને ત્યાં સુધી તેનું અધ્યાત્મ માત્ર શબ્દોમાં છે, અધ્યાત્મનું મહાદ્વાર તેના માટે ખુલ્યું નથી.

ઉપરોક્ત પાંચ પ્રાણ ઉપરાંત પાંચ ઉપપ્રાણનો ઉલ્લેખ પણ યૌગિક ગ્રંથોમાં જોવા મળે છે, જે નીચે મુજબ છે:

નામ કાર્ય

  1. નાગ ઓડકાર, છીંક વગેરે
  2. કૂર્મ સંકોચ
  3. ફકર ભૂખ-તરસ
  4. દેવદત્ત નિંદ્રા-તંદ્રા
  5. ધનંજય શરીરનું ફૂલી જવું
  6. નાડી
    પ્રાણના પ્રવાહો સમગ્ર શરીરમાં વહે છે. આ પ્રવાહો જેમાં થઈને વહે છે, તેને ‘નાડી’ કહે છે. નાડીને આધુનિક શરીરવિજ્ઞાનની પરિભાષામાં સમજાવવાનું શક્ય લાગતું નથી. કેટલાક વિદ્વાનો નાડીને જ્ઞાનતંતુ ગણાવે છે. પરંતુ ભિન્ન ભિન્ન યૌગિક ગ્રંથોમાં નાડીવિષયક જે વર્ણનો મળે છે, તે જોતાં નાડીને જ્ઞાનતંતુ ગણવામાં સાહસ છે.

પ્રાણ એ સૂક્ષ્મ જીવનશક્તિ છે. એ નરી આંખે જોઈ શકાય તેવો સ્થૂળ પદાર્થ નથી અને આ પ્રાણના પ્રવાહો જેમાંથી વહે છે તે નાડીઓને પણ સ્થૂળ શરીરનો ભાગ ગણી શકાય તેમ નથી.

નાડીઓ પ્રાણમય શરીરનો ભાગ છે. તેથી જ્ઞાનતંતુને નાડી ગણી શકાય તેમ નથી. વળી, યૌગિક ગ્રંથોમાં નાડીતંત્રનું જે વર્ણન જોવા મળે છે તેનો જ્ઞાનતંત્રની રચના સાથે મેળ બેસી શકે તેમ નથી. નાડીઓનું ઉદ્ગમ-સ્થાન નાભિની નીચે રહેલ કંદ છે. આવો કોઈ કંદ આધુનિક શરીરવિજ્ઞાન મુજબ સ્થૂળ શરીરમાં તો નથી અને જ્ઞાનતંતુઓનું ઉદ્ગમ-સ્થાન નાભિ પાસે નથી પરંતુ મગજ છે.

આ પણ વાંચો…અલૌકિક દર્શન : અવતાર કામક્રોધાદિ આવેગને આધીન હોતો નથી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button