વિશેષ: અહિંસા લાવવી નથી પડતી હિંસાની બાદબાકી કરવી પડે છે…
ધર્મતેજ

વિશેષ: અહિંસા લાવવી નથી પડતી હિંસાની બાદબાકી કરવી પડે છે…

  • રાજેશ યાજ્ઞિક

જૈન ધર્મના પરમ પવિત્ર પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થઇ ગયો છે. જ્યારે જૈન સિદ્ધાંતોની વાત આવે એટલે સૌથી પહેલાં `અહિંસા પરમો ધર્મ’નું સૂત્ર યાદ આવે.

અહિંસાની પરિભાષા શું? હિંસાનો ત્યાગ એ અહિંસા છે. અહિંસા લાવવી નથી પડતી, હિંસાની બાદબાકી કરવી પડે છે. આ અહિંસાનું પાલન આપણા માટે સૌથી મુશ્કેલ કાર્ય છે. જૈન સિદ્ધાંતોમાં હિંસા પર જબરજસ્ત ચિંતન થયું છે.

સૂક્ષ્માતિસૂક્ષ્મ હિંસાને તેમાં આવરી લીધી છે. તેનું વિગતવાર વર્ણન વાંચીએ તો જ્ઞાની પુરુષોએ કેટલું અગાધ ચિંતન અને મનન કર્યું છે તેનો ખ્યાલ આવે.

જૈન તત્ત્વમાં હિંસા બે પ્રકારે બતાવી છે. દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા. દ્રવ્ય હિંસા શારીરિક પ્રકૃતિની હોય છે, જ્યારે ભાવ હિંસા વિચાર પર આધારિત હોય છે. પોતાને અથવા બીજાને નુકસાન પહોંચાડવાનું વિચારવું પણ ભાવ હિંસામાં આવે છે.

જ્યારે આમ કરવું એ દ્રવ્ય હિંસા છે. અન્યને નુકશાન પહોંચાડવું એ તો હિંસા છે જ, પરંતુ સ્વયંને નુકસાન પહોંચાડવું એ પણ હિંસા છે!

સાધુ ધર્મના પાંચ મહાવ્રતમાં પણ સૌપ્રથમ સ્થાન અહિંસાને આપવામાં આવ્યું છે. એટલે જો આપણે હિંસાને સમજી લઈએ, અને તેનો ત્યાગ કરીએ તો અનેક પ્રકારના પાપથી બચી શકાય છે. હિંસા ચાર પ્રકારની કહી છે; સંકલ્પિની, આરંભીણી, ઉદ્યોગીની અને વિરોધીની હિંસા.

સંકલ્પિની હિંસા:

કોઈપણ જીવને મારવાનો સંકલ્પ કરવો એ સંકલ્પિની હિંસા કહેવાય છે. મનમાં કોઈ જીવને મારવા અથવા તેને પીડા આપવા માટે ઇચ્છા ઊભી થાય, હિંસા કરવાનો ઇરાદો બને, તેને સંકલ્પિની હિંસા કહેવામાં આવે છે. સંકલ્પ કર્યા પછી, જીવ મૃત્યુ પામે કે ન પામે, પાપ ચોક્કસ થાય છે.

આરંભીણી હિંસા:

આરંભીણી હિંસા ગૃહસ્થાશ્રમમાં થતા આરંભોથી થાય છે. આરંભને તે ભાવાર્થમાં પ્રવૃત્તિ કહી શકાય. ગૃહસ્થાશ્રમમાં રહેતા લોકોએ ગૃહસ્થાશ્રમ સંબંધિત પ્રવૃત્તિઓ કરવી જ પડે છે. પાણીનો ઉપયોગ, રસોઈ કરવી, વાસણ ધોવા, કચરો કાઢવો, સફાઈ કરવી, કપડાં ધોવા વગેરે બધી ક્રિયાઓમાં કેટલીક હિંસા અવશ્ય થાય છે. ગૃહસ્થ માટે આ હિંસા ક્ષમાપાત્ર છે, પરંતુ તે વિવેકથી થવી જોઈએ.

ઉદ્યોગીની હિંસા:

ગૃહસ્થનું જીવન ધન વિના ચાલતું નથી. ધન કમાવા માટે જે ઉદ્યોગ (પ્રયત્નો) કરાય છે તેને જ ઉદ્યોગીની હિંસા કહી છે. ગૃહસ્થો માટે આ હિંસા ક્ષમ્ય ગણાય છે, પણ વિવેકપૂર્વક કરવાનું કહ્યું છે. હા, કેટલાંક કાર્યો તો ધર્મની દ્રષ્ટિએ નિષિદ્ધ છે. કતલખાના ચલાવવા, માછલી ઉછેરવા, મરઘાં ઉછેરવા વગેરેમાં મોટું પાપ છે, આને ઉદ્યોગી હિંસા તરીકે ન લઈ શકાય. આ સંકલ્પીની હિંસા છે.

વિરોધીની હિંસા:

સ્વરક્ષણ માટે, પરિવારના રક્ષણ માટે, સમાજના રક્ષણ માટે, સંસ્કૃતિના રક્ષણ માટે, ધાર્મિક ગ્રંથોના રક્ષણ માટે અને રાષ્ટ્રના રક્ષણ માટે કોઈની સાથે લડવું પડે અને યુદ્ધમાં કોઈનું મૃત્યુ થાય તો તે હિંસા વિરોધીની હિંસા ગણાય છે. આ હિંસામાં ઉદ્દેશ્ય બહુ સ્પષ્ટ હોવો જોઈએ. મનમાં ઈરાદો મલીન હોય તો પાપ બંધાશે જ.

મનના ભાવમાં કે કાર્યોમાં તો શું, આપણા બોલેલા શબ્દો પણ હિંસક ન હોવા જોઈએ તેવું આપણા દેશની સંસ્કૃતિ કહે છે. એટલે જ તો આપણે ત્યાં શાક કાપતા નથી, સમારીએ છીએ. આપણે દીવો સળગાવતા નથી, પ્રગટાવીએ છીએ. આમ, કાપવું, બાળવું, મારવું જેવા શબ્દોથી આપણે પરહેજ કરીએ છીએ.

મહત્ત્વની વાત છે મનના ભાવની અથવા સરળ શબ્દોમાં કહીએ તો ઈરાદાની. તેથી જૈન તત્વજ્ઞાનમાં હિંસાના કારણોની પણ વિશદ ચર્ચા કરાઈ છે. મનુષ્ય ક્રોધ, માન, માયા અને લોભના કારણે હિંસા કરે છે. તમે હિંસા કરવાનો ઈરાદો કર્યો, પણ તેને અમલમાં ન મૂકો તો પણ પાપ લાગે.

તમારાથી હિંસા થઇ હોય, પણ તમારો ઈરાદો હિંસા કરવાનો ન હોય તો પાપ ન લાગે. અન્ય વ્યક્તિ હિંસા કરતો હોય તેને પ્રોત્સાહન આપનાર કે તેની પ્રશંસા કરનાર (જૈન ધર્મમાં જેને અનુમોદના કહેવાય છે) પણ પાપનો ભાગીદાર બને છે.

ધર્મની ગહનતા સમજવી હોય તો એક જ ઉદાહરણ પૂરતું છે. ઇરિયાવહિયં સૂત્રમાં 563 જીવોની 10 પ્રકારે થતી હિંસા માટે કુલ 18,24,120 મિચ્છામિ દુક્કડમ અપાય છે! આવી ઊંડાણપૂર્વકની સમજ સાથે ધર્મપાલન માત્ર ભારતની સંસ્કૃતિમાં જ સંભવ છે.

આ પણ વાંચો…અહિંસા પરમો ધર્મ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button