ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

વેર- વિખેર -પ્રકરણ -૧૦૪

એ મુશ્કેલીમાં આવ્યા હોત તો શું હું એની પડખે ઊભો ન રહ્યો હોત? કેટલું ગુમાન હતું એને? કેટલો અંહકાર… મને કહે કે ભાઈ, પૈસા કમાવવા કેટલા અઘરા છે એનું ભાન છે…?

કિરણ રાયવડેરા

કબીર બોલતાં બોલતાં થોભી ગયો બધાની પ્રતિક્રિયા જેવા…પછી એણે ઉમેર્યું : 

 ‘પણ અહીં કહાની મેં ટિસ્ટ આવે છે…. વિનાયકભાઈને ખબર નહોતી કે કુમાર ચક્રવર્તી નામનો માણસ પણ જગમોહનનો કારણ વગર દુશ્મન થઈ બેઠો હતો.’ કબીરે સૂચક નજરે વિક્રમ સામે જોયું.  વિક્રમને થયું કે જમીન માર્ગ આપે તો એમાં સમાઈ જાય. 

‘કુમાર ચક્રવર્તી એમ માની બેઠો હતો કે એની પત્ની શ્યામલીએ વિક્રમના કારણે જીવ ગુમાવ્યો હતો. એટલે એ પણ વિક્રમને એટલું જ નુકસાન પહોંચાડવા માગતો હતો જેટલું નુકસાન એનું થયું હતું. એ કારણે એણે જગમોહનનું મર્ડર કરવાનું નક્કી કર્યું…’ કબીર ચૂપ થઈ ગયો. એના ગળે શોષ પડતો હતો. વળી, જયનો ચહેરો જોઈને એને દયા આવતી હતી. 

‘જે સિક્યુરિટી ગાર્ડ્સને બેહોશ કરવામાં આવ્યા હતા એમની સાથે મેં વાત કરી હતી. બેમાંથી એક ગાર્ડને એમને બેહોશ કરનાર વ્યક્તિનો ચહેરો યાદ હતો. એણે મારી સમક્ષ એ વ્યક્તિનું વર્ણન કર્યું હતું. ‘નટરાજ ગેસ્ટ હાઉસ’ના મેનેજરે પણ જે વ્યક્તિનું વર્ણન કર્યું એના પરથી ખ્યાલ આવી ગયો કે ગેસ્ટ હાઉસમાં રહેનાર અને ગાર્ડ્સને બેહોશ કરનાર વ્યક્તિ એક જ છે…. કાલે મેં આપણા ઘરમાંથી એક વસ્તુ ચોરી…’

Also read: વેર- વિખેર -પ્રકરણ -૧૦૧

પ્રભા સામે કબીરે જોયું, પણ પ્રભા મૌન રહી. એવું લાગતું હતું જાણે એની ઉંમર અચાનક  દસ વરસ વધી ગઈ હોય…. 

‘વિક્રમના લગ્નના ફોટોગ્રાફ્સ મેં જગમોહનના રૂમમાંથી ચોર્યા. વિનાયકભાઈની તસવીર મેં સિક્યુરિટી ગાર્ડ્સને તથા ગેસ્ટ હાઉસના મેનેજરને દેખાડી. બંનેએ જરા પણ સમય ગુમાવ્યા વગર કે વિચાર્યા વગર વિનાયકભાઈને ઓળખી બતાવ્યા.’

‘અંકલ, તમે કહેતા હતા કે કોઈ પણ મર્ડર પાછળ એક મોટિવ હોય- હેતું હોય, મારા પપ્પાને કોઈની સાથે કે મારા સસરા  સાથે તો કોઈ   દુશ્મનાવટ નહોતી.’ પૂજાએ ડૂસકાં વચ્ચે પૂછ્યું.

‘હું એ મુદ્દા પર પણ આવું છું’ કબીરે થોડીક ક્ષણ વિચારીને પછી બોલવાનું શરૂ કર્યું: 

‘છ મહિના પહેલાં વિનાયકભાઈને શેરબજારમાં જબરદસ્ત નુકસાન થયું હતું. મોટું નુકસાન થયું છે એ જયને ખબર હતી પણ એને કલ્પના નહોતી કે કેટલું ગાબડું પડ્યું છે. રાતોરાત વિનાયકભાઈને મોટી રકમની જરૂર પડી ગઈ. આ પછીની વાત તમે જગમોહનના જ શબ્દોમાં સાંભળો…’

કબીરે ડાયરી ઊંચકી અને પાનાં ઉથલાવવા માંડ્યો. એક પાના પર આવીને એ અટક્યો:  

‘સાંભળો, જગ્ગેના શબ્દોમાં-આજે વિનાયકભાઈનો ફોન હતો નાગપુરથી. મને તાત્કાલિક મળવાની જરૂર છે એવું કહેતા હતા. કોણ જાણે કેમ મને એવું લાગે છે કે વેવાઈ મોટી મુશ્કેલીમાં ફસાયા છે…’

કબીરે પછી એક પાનું ઉથલાવીને ફરી વાંચવાની શરૂઆત કરી :

‘વિનાયકભાઈ મુશ્કેલીમાં હોય એવું તો લાગતું જ હતું પણ આટલી મોટી આફતમાં ફસાયા છે એની કલ્પના નહોતી. એમને તાત્કાલિક મોટી રકમની જરૂરત છે. મારા વેવાઈને મદદ કરવી જોઈએ એવું હું માનું છું, પણ શેરબજારમાં આવડું મોટું નુકસાન કરીને બીજા આપણને ઉગારી લેશે એવી આશા રાખવી કેટલી ઉચિત છે? રકમ પણ નાનીસૂની નથી. મેં એમને કહ્યું કે મને વિચારવા માટે થોડો સમય આપો તો એ પહેલાં કરગરવા લાગ્યા અને પછી તો એમનું વર્તન આઘાતજનક હતું. એ કહેવા લાગ્યા કે એક વેવાઈની વિપદાટાણે બીજા વેવાઈએ પડખે તો ઊભા રહેવું જોઈએ ને… મદદ માગવી એક વાત છે પણ મદદ ઝૂંટવી લેવાની વૃત્તિ એ તદ્દન બીજી વાત છે. પૂજાના પપ્પા છે એટલે પડખે ઊભા રહેવાની ઇચ્છા થાય છે પણ વિનાયકભાઈને તો રૂપિયા ખોયાનો લગીરે અફસોસ નથી.’

કબીરે ડાયરીનાં બે પાનાં વચ્ચે આંગળી ભરાવીને ડાયરી બંધ કરી અને કહ્યું: ‘વિનાયકભાઈ ત્રીજા દિવસે આવ્યા હતા. આ જ દિવસે જગ્ગે અને વિનાયકભાઈ વચ્ચે શત્રુતાનાં બીજ વવાયાં હતાં. વિનાયકભાઈના કહેવા પ્રમાણે જગમોહને એમને અમુક રકમની મદદ કરવા કહ્યું પણ તે પૂરતી ન હતી તે સાથે ન કહેવા જેવાં વેણ કહ્યાં. બસ, આ શબ્દો સાંભળીને વિનાયકભાઈનું મગજ ફરી ગયું અને એમણે મનોમન જગમોહન સામે વેર વાળવાનું નક્કી કર્યું. જુઓ, જગમોહન ડાયરીમાં શું લખે છે…. કમાલની વાત એ છે કે જગમોહનને વેવાઈનું અપમાન કરવાનો અફસોસ છે ,પણ વિનાયકભાઈને ખબર નહોતી કે એમને ઉતારી પાડવાનો જગમોહનને પસ્તાવો છે.’

Also read: વેર- વિખેર -પ્રકરણ -૯૮

કબીરે ડાયરી આગળ વાંચવા માંડી :

‘આજે વિનાયકભાઈને એક કરોડ આપ્યા. પણ સાથે એક ભૂલ કરી બેઠો. રાધર, બે ભૂલ કરી બેઠો. એક તો જેને દસેક કરોડની જરૂર હતી એને એક કરોડ આપીને શું ફાયદો? વિનાયકભાઈ પણ મને આ જ વાત કહેતા રહ્યા કે તમે એક કરોડ આપશો પછી પણ મારે બાકીના રૂપિયા માટે તો બીજા દરવાજા ખટખટાવા પડશે ને બની શકે કે બાકીના રૂપિયાની જોગવાઈ ન પણ થાય તો… તો તમારી પાસે રૂપિયા લેવા છતાંય મારો પ્રોબ્લેમ સોલ્વ ન થાય… એમની વાત સાચી છે, પણ શું એમના નુકસાનને ભરપાઈ કરવાની જવાબદારી મારી છે? વિનાયકભાઈ તો એમ જ માની બેઠા છે કે એમને મદદ કરવાની મારી ફરજ છે… મને વિનાયકભાઈ તરફ કોઈ સહાનુભૂતિ નથી, કોઈ દયા નથી એ હકીકત છે…’

‘કોઈને કંઈક આપવું એ જિંદગીમાં સૌથી અઘરામાં અઘરું કાર્ય છે. એક કરોડ આપવા પણ મને ગમ્યા નથી પણ પૂજાના પપ્પાને ખાલી હાથે રવાના કરી દેતાં સંકોચ થતો હતો. હા, એક વાત ચોક્કસ કે મારે વિનાયકભાઈનું અપમાન નહોતું કરવું જોઈતું. ઊલટું, એમને ઉતારી પાડીને મેં મારા જ સુકર્મ પર પાણી ફેરવી દીધું છે…’ કબીર ડાયરીની એન્ટ્રી પૂરી વાંચે એ પહેલાં જ એક ભારેખમ અવાજથી ઘર ગૂંજી ઊઠ્યું.  ‘જગમોહન જુઠ્ઠું બોલે છે…’ બધાંની નજર દરવાજા તરફ તકાઈ રહી. ઈન્સ્પેક્ટર પરમાર વિનાયકભાઈને લઈને આવી પહોંચ્યા હતા.   

ચોળાયેલા કૂર્તા પાયજામા, અસ્તવ્યસ્ત વાળ ને સૂજેલી આંખો જોઈને કોઈ પણ કહી શકે કે આ માણસ ઘણા દિવસથી સૂતો નહીં હોય.  ‘આ માણસ જુઠ્ઠુ બોલે છે…’ વિનાયકભાઈ ફરી ગર્જ્યા.  ‘પપ્પા, પ્લીઝ…’  પપ્પા સામે જોઈને પૂજાએ નજર ફેરવી લીધી.  

‘અરે, એણે મને એક કરોડ એવી રીતે આપ્યા જાણે કોઈ કૂતરા સામે ટુકડો ફેંકતો હોય… મને કહે કે ત્રેવડ ન હોય ત્યારે આવડું મોટું નુકસાન કરવાની જરૂર શું હતી? તમે શું સમજી બેઠા હતા કે તમારા સ્ટોક માર્કેટનાં બધાં નુકસાન હું ભરપાઈ કરવા બેઠો છું?’ વિનાયકભાઈનો શ્ર્વાસ ફૂલી ગયો હતો અને એમનું શરીર ગુસ્સામાં કાંપતું હતું.  ‘પપ્પા, પણ એમણે તમને મદદ તો કરી ને…’  જગમોહનનો બચાવ કરતા જયે  કહ્યું.

‘મદદ…? એને તું મદદ કહે છે…? અરે, મારી પાસે સગવડ હોય અને જગમોહન મુશ્કેલીમાં આવ્યો હોત તો શું હું એની પડખે ઊભા ન રહ્યો હોત? કેટલું ગુમાન હતું એને? કેટલો અહંકાર… મને કહે કે વિનાયકભાઈ, પૈસા કમાવવા કેટલા અઘરા છે એનું ભાન છે…? અમારા ધંધામાં શેરબજારની જેમ રાતોરાત માલામાલ ન થઈ શકાય. પરસેવો પાડીને પાઈ પાઈ એકઠી કરવી પડે છે. હું માત્ર એમને એટલું જ કરગરતો રહ્યો કે મને દસ કરોડ આપી દો તો મારે બીજા પાસે ન જવું પડે તો મને કહે કે વિનાયકભાઈ, આ જ સમય છે કોણ આપણું અને કોણ પરાયું છે એ નક્કી કરવાનો.

તમારા મિત્રોની, સગાંવહાલાંઓની કસોટી કરવાની તમને સુંદર તક સાંપડી છે. મેં તો એક કરોડ આપીને મારી ફરજ પૂરી કરી… હવે તમે બીજા મિત્રોને ચાન્સ આપો…’    વિનાયકભાઈના સ્વરમાંથી વિષ ટપકતું હતું. ‘અને તમે જગમોહને આપેલા રૂપિયાથી જ એનું કાટલું કાઢવાનું કાવતરું રચ્યું…’ કબીરે કડવાશથી કહ્યું.

‘હું શું કરત…? જગમોહને મારી પાસે કોઈ વિકલ્પ છોડ્યો નહોતો… હું તો આમેય બરબાદ થવાનો હતો અને જગમોહન સારી પેઠે જાણતો હતો કે રૂપિયા નહીં ચૂકવું તો મારે આત્મહત્યા કરવી પડશે… પણ એને મારા પર દયા ન આવી…’ વિનાયકભાઈ બોલ્યે જતા હતા. 

Also read: વેર- વિખેર -પ્રકરણ -૯૫

‘પપ્પા, દયા તો તમને મારા ભગવાન જેવા સસરા પર ન આવી, પપ્પા, પ્લીઝ કબીર અંકલ, આમને અહીંથી લઈ જાઓ.’ પૂજા રડવા લાગી. 

‘યસ અંકલ, પ્લીઝ ડુ અસ અ ફેવર, આમને અહીંથી લઈ જાઓ. પપ્પા, આ વખતે હું જગમોહન અંકલને મળવા આવ્યો ત્યારે પણ તમે ન કહ્યું કે તમે પહેલાં પણ એમની પાસેથી મોટી રકમ લઈને બેઠા છો..’ જય પણ એના બાપ સામે જોવા નહોતો માગતો.

‘એક કરોડની રકમને તું મોટી રકમ કહે છે…? અરે, તારા બાપે તો એવાં  કેટલાય કરોડ જોઈ લીધા. મેં તો ત્યારે જ નિશ્ર્ચય કરી લીધો હતો કે આ ઘમંડી જગમોહનને પાઠ ભણાવવો જ પડશે. એ તો એનાં તકદીર સારાં કે આ છોકરી એને ભટકાઈ ગઈ અને એ  બચી ગયો…’

‘ઇન્સ્પેક્ટર પરમાર, તમે જગમોહન દીવાન માટે ઘણું કર્યું છે. હવે વિનાયકભાઈને પોલીસ સ્ટેશને પહોંચાડો તો સારું…’ કબીરે ઇન્સ્પેક્ટરને કહ્યું. 

‘સર, ઇન્સ્પેક્ટર પ્રામાણિકે મને કહ્યું છે કે એ અહીં આવીને વિનાયકભાઈની કસ્ટડી લઈ લેશે. સર, હું તો આમને નટરાજ ગેસ્ટ હાઉસ’ થી પકડીને લઈ આવ્યો છું. હોસ્પિટલમાં જગમોહન સર પર બીજી વાર હુમલો કરનાર માણસ પણ એમની સાથે જ હતો એને પણ એરેસ્ટ કર્યો છે. એ હમણાં નીચે જીપમાં છે.’ ‘ગુડ…’ કબીરે કહ્યું.

પછી વિનાયકભાઈની હાજરી હોવા છતાંય એણે પોતાની વાત ચાલુ રાખી. એમણે ફરી ડાયરી ખોલી-પાનાં ઉથલાવ્યા : 

‘આ છેલ્લી એન્ટ્રી વાંચી સંભળાવું છું, વિનાયકભાઈ, તમે પણ સાંભળજો. વિનાયકભાઈને રૂપિયા આપ્યાના બે દિવસ પછી જગમોહન લખે છે…’   

‘ઈચ્છા થાય છે કે ફોન ઊંચકીને વિનાયકભાઈની માફી માગી લઉં. જેને રૂપિયાની જરૂર હોય ત્યારે એ વ્યક્તિ વિવેકબુદ્ધિ ભૂલી જાય એટલે એમની વાતોનું મારે ખોટું લગાડવાનું જ ન હોય. એમનું અપમાન કરીને મેં બહુ મોટી ભૂલ કરી છે. ઈચ્છા થાય છે કે વિનાયકભાઈને ફોન કરીને એમની માફી માગી લઉં અને બાકીની રકમ પણ એમને પહોંચાડી દઉં…’

‘આટલું કહીને કબીરે વિનાયકભાઈ સામે જોયું :   પણ એ પછીના દિવસની એન્ટ્રીમાં જગ્ગે લખે છે – આ માણસ ક્યારેય નહીં સમજે. હજી હું ફોન કરું એ પહેલાં ફોન કરીને મને ધમકી આપે છે કે હું જોઈ લઈશ. હવે બાકીના રૂપિયા પહોંચાડવાનો પ્રશ્ર્ન જ ઊભો નથી થતો.’

‘ઊફ્ફ્, મને ખબર નહોતી કે જગમોહન મારી માફી માગવા માગે છે, નહીંતર હું એને ધમકી ન આપત. મારે તો મારા અપમાનનો બદલો લેવો હતો, એનો અહંકાર તોડવો હતો. એટલે જ બાબુ અને ઈરફાનને કહ્યું હતું કે જગમોહનનું અપહરણ કરીને એને મારવો નહીં. પહેલાં હું મારા અપમાનનો બદલો લઈને મારું વેર વાળીશ અને પછી એને પતાવી દેવો એવું નક્કી થયું હતું…’ વિનાયકભાઈના સ્વરમાં કોઈ પશ્ર્ચાત્તાપનો ભાવ નહોતો.

‘પપ્પા, તમે ઊઠીને આવી ઘાતકી વાત કરો છો?’ જયની આંખમાં આંસુ હતાં  :  આઈ હેટ યુ પપ્પા….! ’  જય ઊભો થઈને જવા માગતો હતો,  પણ કબીરે એને હાથના ઈશારાથી અટકાવી દીધો. ‘જય, જે થવાનું હતું એ થઈ ગયું. તું તારા ભૂતકાળને ઈચ્છીશ તો પણ ભૂલી નહીં શકે.’ કબીર બોલ્યો. ‘કબીર અંકલ, પણ પપ્પા પર ઍટેક થયો કેવી રીતે…?’ વિક્રમે ઈરાદાપૂર્વક વિનાયકભાઈનું નામ લેવાનું ટાળ્યું.

Also read: વેર- વિખેર -પ્રકરણ -૯૫

‘સિમ્પલ હતું… પણ અહીં પણ જગમોહનનું તકદીર જોર કરતું હતું. કુમાર ચક્રવર્તી જગમોહનનું મર્ડર કરવાને ઈરાદે બુરખો પહેરીને મકાનમાં પ્રવેશ્યો. એ જગમોહનના રૂમમાં ગયો ત્યારે એના પગરવથી ગાયત્રી પણ એને ફોલો કરતી જગ્ગેના રૂમમાં દાખલ થઈ. ગાયત્રી, તને યાદ છે તું એમ બોલી હતી કે તારી પાછળ કોઈ આવતું હતું. હક્કીતમાં એ પૂજા નહોતી…. એ વિનાયકભાઈ હતા. વિનાયકભાઈને ખબર નહોતી કે એમના પ્રવેશ પહેલાં કુમાર અને ગાયત્રી જગમોહનના રૂમમાં દાખલ થઈ ચૂક્યાં હતાં…’ કબીરે પશ્નાર્થ નજરે વિનાયકભાઈ તરફ જોયું. વિનાયકભાઈએ ધીમા સ્વરે બાકીની વાત શરૂ કરી…                              
(ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button