અલૌકિક દર્શનઃ ‘હે ઉદ્ધવ ! મેં તને જે શિક્ષણ આપ્યું છે તેનો એકાંતમાં ચિંતનપૂર્વક અનુભવ કરતો રહેજે

ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
‘હે ઉદ્ધવ ! બ્રહ્મા, શંકર, બલરામ, લક્ષ્મી અને મારો પોતાનો આત્મા પણ મને એટલાં પ્રિય નથી, જેટલા તમે પ્રિય છો! ’
ભગવાન પોતાના પ્રિય ભક્ત, સખા, બંધુ અને સેવક ઉદ્ધવજીને જીવનની આ અંતિમ અવસ્થાએ કહે છે :
‘પૃથ્વી પર મારું કામ પૂરું થયું છે. આ યદુવંશને શાપ લાગ્યો છે. પારસ્પરિક યુદ્ધમાં તેઓ નષ્ટ થઈ જશે. આજથી સાતમા દિવસે દ્વારિકાપુરી સમુદ્રમાં ડૂબી જશે, પરંતુ તમારે આ કુલયુદ્ધમાં ભાગ લેવાનો નથી.’ આ પૃથ્વી પર રહેવાનો અને આધ્યાત્મિક જીવન જીવવાનો તેમને ભગવાન આદેશ આપે છે.
આ વખતે ભગવાન ઉદ્ધવજીને અધ્યાત્મતત્ત્વનો જે ઉપદેશ આપે છે તે જ ‘ઉદ્ધવગીતા’ તરીકે પ્રસિદ્ધ થયો છે.
ઉદ્ધવને અધ્યાત્મનો યથાર્થ ઉપદેશ આપ્યા પછી ભગવાન ઉદ્ધવને કહે છે :
गच्छोद्धवमयादिष्टो बदर्यारण्यं ममाश्रमम् |
तत्रमत्पादतीर्थादे स्नानोपस्पर्शनै : शुचिः ॥
- श्रीमद्भागवत : ११-२९-४१
‘હે ઉદ્ધવ ! મારી આજ્ઞાથી તું બદરીવન નામના મારા આશ્રમમાં જા. ત્યાં મારાં ચરણકમળથી નીકળેલ પવિત્ર જળ (ગંગાજળ)નાં સ્નાન અને પાનથી તું પવિત્ર બની જઈશ.’
‘मत्तोडनुशिक्षितं यत्ते विविक्तमनुभावयन् |
मय्यावेशितवाक्चितो मद्धर्मनिरतो भव |
अतिव्रज्यगतीस्तिस्त्रो मामेष्यसि ततः परम् ॥’
- श्रीमद्भागवत : ११-२९-४४
‘હે ઉદ્ધવ ! મેં તને જે શિક્ષણ આપ્યું છે તેનો એકાંતમાં ચિંતનપૂર્વક અનુભવ કરતો રહેજે. તારાં વાણી અને ચિત્ત મારામાં જ લગાડેલાં રાખજે અને મારા બતાવેલા ભાગવત ધર્મમાં પ્રેમપૂર્વક તલ્લીન રહેજે. અંતે તું ત્રિગુણ અને તત્સંબંધી સર્વ ગતિઓને પાર કરીને મારા પરાત્પર સ્વરૂપને પામીશ.’
આ પ્રમાણે ભગવાનની આજ્ઞા શિરોધાર્ય કરીને ઉદ્ધવ બદરીનાથ જવા માટે તૈયાર થાય છે. ઉદ્ધવની પ્રાર્થનાથી ભગવાન ઉદ્ધવને પોતાની ચરણપાદુકા આપે છે.
ભગવાન શ્રીકૃષ્ણને વારંવાર પ્રણામ કરીને, ભગવાનની ચરણપાદુકાને મસ્તક પર ધારણ કરીને ઉદ્ધવજી વિદાય લે છે.
ભગવાનની આજ્ઞા પ્રમાણે ઉદ્ધવજી વૃંદાવનમાં વિદુરજીને મળીને ભગવાનનો સંદેશો તેમને સંભળાવે છે :
‘તમે મૈત્રેય પાસેથી ભાગવતતત્ત્વ શ્રવણ કરજો.’
તદનંતર ઉદ્ધવજી બદરીનાથમાં જાય છે.
ભગવાન વ્યાસજી બદરીનાથમાં તેમના આશ્રમમાં રહે છે. તેઓ ઉદ્ધવજી પાસેથી ભગવાન શ્રીકૃષ્ણની સર્વ લીલાઓનું સાંગોપાંગ કથન સાંભળે છે અને તદનુસાર તેઓ ‘શ્રીમદ્ભાગવત’ની રચના કરે છે.
સ્વરૂપત: ગોલોકવાસી ઉદ્ધવજી ભગવાનની આજ્ઞાથી બદરીનાથમાં રહે છે અને ભક્તિભાવથી પ્રેરાઈને ગોપીઓની ચરણરજ પામવા માટે વૃંદાવનધામમાં છોડરૂપે પણ રહે છે.
કોઈ ભાગ્યવાન અને ભક્તિમાન વ્યક્તિને આજે પણ ઉદ્ધવજીનાં દર્શન થઈ શકે છે!
આ પણ વાંચો…અલૌકિક દર્શનઃ ભક્ત માટે આતુર બને તે જ આ આતુરતા હશે?
કૃષ્ણસખા અર્જુન
કૃષ્ણસખાનું ગૌરવપૂર્ણ ઉપનામ અર્જુનજીને મળ્યું છે. શા માટે ? કારણ કે અર્જુનજી શ્રીકૃષ્ણના જન્મોજન્મના સખા-સાથી છે. ભગવાન ‘નારાયણ’ ભગવાન શ્રીકૃષ્ણસ્વરૂપે આવે છે અને નારાયણના ભ્રાતા ‘નર’ અર્જુનજી-રૂપે આવે છે. ખાંડવવનદહન-પ્રસંગે પ્રસન્ન થઈને દેવરાજ ઈન્દ્ર ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનને ઈચ્છિત વરદાન માગવા કહે છે. અર્જુન દેવરાજ પાસે દિવ્ય શસ્ત્રોની પ્રાપ્તિ માટે વરદાન માગે છે અને પામે છે. ભગવાન શ્રીકૃષ્ણ વરદાન માગે? હા, ભગવાન વરદાન માગે છે.
ભગવાન શ્રીકૃષ્ણ દેવરાજ ઈન્દ્ર પાસે શું વરદાન માગે છે?
‘वासुदेवोऽपि जग्राह प्रीतिं पार्थेन शाश्चतीम्|
ददौ सुरपतिश्चैव वरं कृष्णाय धीमते॥ ’
- महाभारत : आदिपर्व _ २३३-१३
‘ભગવાન શ્રીકૃષ્ણ અર્જુન સાથે શાશ્વત પ્રીતિનું વરદાન માગે છે અને દેવરાજ ઈન્દ્ર મહાબુદ્ધિમાન ભગવાન શ્રીકૃષ્ણને તે વરદાન આપે છે.’
જુઓ! જુઓ! ભગવાન શ્રીકૃષ્ણ અર્જુન સાથે શાશ્વત પ્રીતિ, અર્થાત્ નિરંતર વર્ધમાન પ્રેમનું વરદાન માગે છે! મત્સ્યવેધ દ્વારા પાંચાલીને અર્જુન જીતે છે અને છતાં પાંચેય ભાઈઓનાં પત્ની તરીકે દ્રૌપદી બની રહે – આ પ્રસ્તાવ અર્જુન સ્વીકારે છે. આ અર્જુનની મહાનતા છે, ઉદારતા છે અને ભ્રાતૃપ્રેમ પણ છે જ.
મહાભારત-યુદ્ધ આવી જ ગયું છે. કૌરવો અને પાંડવો-બંને પક્ષ તૈયારીમાં લાગ્યા છે. કૌરવપક્ષ તરફથી દુર્યોધન અને પાંડવપક્ષ તરફથી અર્જુન ભગવાન શ્રીકૃષ્ણ પાસે દ્વારિકા જાય છે. ભગવાન બંનેને મદદ કરવા તૈયાર છે. બે પક્ષ રજૂ કરે છે. એક બાજુ ભગવાન શ્રીકૃષ્ણ એકલા જ છે અને નિ:શસ્ત્ર રહેશે. બીજી બાજુ સશસ્ત્ર યાદવસેના છે.
અર્જુન ઉંમરમાં નાના છે અને ભગવાનની દૃષ્ટિ પહેલાં તેમના પર પડી છે. તદ્નુસાર બે પક્ષમાંથી કોઈ એક માગવાનો પ્રથમ અધિકાર ભગવાન અર્જુનને આપે છે અને અર્જુન માગે છે : ભગવાન શ્રીકૃષ્ણ ભલે નિ:શસ્ત્ર, પણ ભગવાન શ્રીકૃષ્ણ ! અર્જુનને ભગવાન પર આટલી શ્રદ્ધા છે અને આવો ભાવ છે અને પરિણામ આપણે જાણીએ છીએ : ભગવાન શ્રીકૃષ્ણ જે પક્ષે છે, તે પક્ષનો અર્થાત્ પાંડવોનો વિજય થયો છે.
અર્જુન માટે કૃષ્ણ -કૃષ્ણનો પ્રેમ પર્યાપ્ત છે!
અર્જુનની કૃષ્ણભક્તિનું સૌથી મહાન પ્રમાણ એ છે કે ભગવાન શ્રીકૃષ્ણે ‘શ્રીમદ્ભગવદ્ગીતા’ અર્જુનને સંભળાવી છે. જે ‘ગીતા’ અસંખ્ય જનો માટે હજારો વર્ષથી અધ્યાત્મપથ માટે માર્ગદર્શક બની છે, જે ‘ગીતા’ વિશ્ર્વનો અધ્યાત્મવિદ્યાનો સર્વશ્રેષ્ઠ ગ્ંરથરાજ બને છે તે ‘શ્રીમદ્ભગવદ્ગીતા’ માનવજાતને મળી છે – કોને નિમિત્ત બનાવીને? તે માટે અર્જુનજી જ નિમિત્ત બન્યા છે. અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાન શ્રીકૃષ્ણ આ અણમોલ ગ્રંથરાજ માનવજાતને અર્પણ કરે છે.
ભગવાન શંકરને યુદ્ધ દ્વારા પ્રસન્ન કરીને અર્જુનજીએ દિવ્ય શસ્ત્રો પ્રાપ્ત કર્યાં છે. આ કોના થકી? ભગવાન શ્રીકૃષ્ણની કૃપા થકી જ!
બલરામની ઈચ્છા સુભદ્રાજીનાં લગ્ન દુર્યોધન સાથે કરવાની હતી, પરંતુ શ્રીકૃષ્ણ સુભદ્રાજીનાં લગ્ન અર્જુન સાથે કરવા ઈચ્છતા હતા અને તેમ જ થયું. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને તે માટે લાયક ગણે છે અને ભગવાન શ્રીકૃષ્ણને અર્જુન પ્રત્યે પ્રેમ પણ છે જ. અર્જુનજી કૃષ્ણપ્રેમના અધિકારી બની શક્યા છે.
(ક્રમશ:)
આ પણ વાંચો…અલૌકિક દર્શનઃ પ્રતિભાવાન પુરુષોને વિદ્યા મેળવતાં શી વાર?



