ધર્મતેજ

મગજ મંથનઃ સત્ત્વ-રજસ ને તમસ ગુણ… મનુષ્ય સ્વભાવના આધાર સ્તંભ જેવા છે

વિઠ્ઠલ વઘાસિયા

ભારતીય તત્ત્વજ્ઞાનમાં, ખાસ કરીને સાંખ્ય અને ભગવદ્ ગીતા જેવા ગ્રંથોમાં, સમગ્ર જગતને ત્રણ મૂળભૂત ગુણ વિશે સમજાવવામાં આવ્યું છે: સત્ત્વ (સતો ગુણ), રજસ (રજો ગુણ) અને તમસ (તમો ગુણ). આ ત્રણેય ગુણ કુદરતી, માનસિક અને આધ્યાત્મિક સ્તરે દરેક મનુષ્યમાં રહેલા છે. દરેકની અંદર આ ત્રણેય ગુણ છે, પરંતુ કયા ગુણનો પ્રભાવ વધુ છે તેના આધાર પર મનુષ્યનું વર્તન, વિચારધારા અને જીવનદૃષ્ટિ નક્કી થાય છે.

આ ત્રણેય ગુણ અગ્નિની ત્રણ અવસ્થાની જેમ છે પ્રકાશ, શક્તિ અને અંધકાર. એમાંથી કોઈ એકને દૂર કરી શકાય તેમ નથી, પરંતુ એને જાણીને સંતુલિત કરવું એ જ જીવનનું મૂલ્ય છે.

1) સત્ત્વ ગુણ (સતો ગુણ):
સત્ત્વ ગુણ શાંતિ, શુદ્ધિ અને પ્રકાશનું સ્વરૂપ છે. સત્ત્વ ગુણનું મુખ્ય લક્ષણ શાંતિ, સ્પષ્ટતા, પવિત્રતા, જ્ઞાન અને સંતુલન છે. સત્ત્વ ગુણ વ્યક્તિને સાચા માર્ગે, સત્ય તરફ અને માનવતાવાદી વિચારધારા તરફ દોરી જાય છે. આ ગુણ ધરાવતી વ્યક્તિના વિચાર સ્વચ્છ, ભાષા મૃદુ અને વર્તન શિસ્તબદ્ધ હોય છે. સત્ત્વ ગુણ ધરાવતી વ્યક્તિ સકારાત્મક વિચારે છે. અજ્ઞાન કરતાં જ્ઞાનને પ્રાથમિકતા આપે છે. હાનિકારક અથવા હઠીલા નિર્ણય લેતી નથી. આવી વ્યક્તિ સૌમ્ય, મૃદુ અને સમાધાન પ્રિય હોય છે. અન્યના સુખ માટે જીવતી હોય છે.

  • સત્ત્વ ગુણનાં લક્ષણો:
    આ ગુણ ધરાવતી વ્યક્તિ પૂજા, જપ-તપ, યોગ-ધ્યાનમાં રસ ધરાવે છે. સેવા, દયા, ક્ષમાના ગુણ ધરાવે છે. દૂધ, ફળ, તાજાં શાકભાજી, અનાજ જેવો તેમનો સાત્ત્વિક આહાર હોય છે.
  • સત્ત્વગુણ જીવનમાં કેવો પ્રભાવ પાડે છે?
    સત્ત્વ ગુણ વધે ત્યારે મનુષ્ય આત્મજ્ઞાન તરફ આગળ વધે છે. જીવનમાં સંતોષ, સ્થિરતા આવે છે. ઓરા મંડળ તેજ બને છે. વસ્તુઓનું યથાર્થ જ્ઞાન થવા લાગે છે. સ્વ-કલ્યાણની સાથે સાથે જગતકલ્યાણ કરવા પ્રેરાય છે.

2) રજસ ગુણ (રજો ગુણ):
ચંચળતા, ઈચ્છા અને પ્રવૃત્તિનું સ્વરૂપ છે. રજસ ગુણ ગતિ અને ઈચ્છાનું પ્રતિનિધિ છે. આ ગુણ વ્યક્તિને કાર્યશીલ બનાવે છે, પરંતુ સાથે સાથે અતિ ઈચ્છાઓ, લાલસા, મહત્ત્વાકાંક્ષા અને અશાંતિ પણ પેદા કરે છે. રજોગુણી વ્યક્તિ હંમેશાં કાંઈક હાંસલ કરવા, નામ મેળવવા, મોખરાનું સ્થાન મેળવવા માટે પ્રયત્ન કરતી રહે છે. રજસ ગુણ ધરાવતી વ્યક્તિ સખત મહેનત કરે છે, પણ ઘણીવાર અશાંત જોવા મળે છે. પ્રતિષ્ઠા અને પ્રશંસાની ઈચ્છા વધુ હોય છે. સફળતા-અસફળતા એને માનસિક રીતે વધુ અસર કરે છે. ક્રોધ અને ઉત્સાહ વચ્ચે સતત ફેરફાર રહ્યા કરે છે.

  • રજસ ગુણનાં લક્ષણ:
    રજસ ગુણ ધરાવતી મોટે ભાગે વ્યક્તિ વેપાર અને સ્પર્ધામાં જોવા મળે છે. રાજકારણ તેમને ગમતી વાત છે. સત્તાની લાલસા રહ્યા કરે છે. દેખાવ અને નામ માટે કાર્ય, રજો ગુણી લોકોના આહારમાં તીખાં, તેલવાળાં, મસાલેદાર અને ગરમ તેજાના યુક્ત વ્યંજનો વધુ હોય છે.
  • રજસ માણસને શું આપે છે?
    રજસ માણસને પ્રગતિ તરફ પ્રેરિત કરે છે, નવાં કાર્ય કરવા ઉત્સાહિત કરે છે, પરંતુ જો રજસ ગુણનો અતિરેક થાય તો મનુષ્ય તણાવ, ચિંતાઓ, હિંસા, અહંકાર અને અશાંતિમાં ફસાઈ જાય છે. એટલે રજસ જરૂરી છે, તેમ છતાં નિયંત્રિત રહેવું જરૂરી છે.

3) તમસ ગુણ (તમો ગુણ):
તમો ગુણ એ અજ્ઞાન, આળસ અને અંધકારનું સ્વરૂપ છે. તમસ ગુણનું મૂળ સ્વરૂપ અંધકાર, આળસ, મોહ, ભય, અને સ્થિરતા છે. આ ગુણ શરીરને આરામ આપે છે, પરંતુ તે વધુ વધે ત્યારે મનુષ્યમાં નિષ્ક્રિયતા, અજ્ઞાન, તર્કહિનતા અને નૈતિક મૂલ્યોની અવગણના જોવા મળે છે. તમસ ગુણ ધરાવતી વ્યક્તિ નિર્ણય લેવામાં ધીમી હોય છે. જવાબદારીથી દૂર ભાગે છે. વિચારોમાં ગૂંચવાયેલી રહે છે. તેમનામાં આળસ અને ઉદાસીનતા વધારે હોય છે. નકારાત્મકતા અને અંધવિશ્વાસ તરફ વળે છે.

  • તમસનાં ઉદાહરણ:
    તમસ ગુણ ધરાવનાર વ્યક્તિ દારૂ, તમાકુ, ડ્રગ્સ જેવાં વ્યસનની ટેવ ધરાવે છે. આવી વ્યક્તિમાં અતિ નિંદ્રા હોય છે અને આળસુ હોય છે. અંધવિશ્વાસ ધરાવનાર હોય છે. નબળા સંસ્કાર ધરાવે છે. તામસિક લોકોના આહારની વાત કરીએ તો તે વાસી અને પચવામાં ભારે ખોરાક ખાય છે.
  • તમસનું પરિણામ કેવું હોય છે?
    તમસ વધવાથી જીવનમાં નૈતિક મૂલ્યનો હ્રાસ થાય છે, સતત કંટાળો અનુભવે છે. તેમનામાં અનુશાસનનો અભાવ જોવાં મળે છે, અર્થહીનતા વધે છે, પરંતુ તમસને સંપૂર્ણ રીતે દૂર કરવો શક્ય નથી, કેમ કે શરીરને આરામ અને નિંદ્રા પણ તમસના કારણે જ મળે છે. એટલે તમસનું પ્રમાણ નિયંત્રિત અને સ્વસ્થ માત્રામાં જરૂરી છે.
  • ત્રણેય ગુણ વચ્ચેનું સંતુલન:
    જીવનમાં સફળતા, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે આ ગુણોનું સંતુલન જ અત્યંત મહત્ત્વનું છે.
    વ્યક્તિએ રજસનો ઉપયોગ કર્મ માટે, સત્ત્વનો ઉપયોગ જ્ઞાન અને દિશા માટે તેમ જ તમસનો ઉપયોગ શારીરિક આરામ માટે કરવો જોઈએ.
  • આ ગુણોમાં વધારો કે ઘટાડો કેવી રીતે કરી શકાય?

સત્ત્વ ગુણ વધારવો:
ધ્યાન, યોગ, સાત્ત્વિક આહાર, સદ્ગ્રંથ વાચન અને સારા સંગ દ્વારા સત્ત્વ ગુણ વધારી શકાય.

રજસ ગુણ વધારવો:
લક્ષ્યાંક નક્કી કરવો અને સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરવો, કાર્યક્ષમતામાં વધારો કરવાથી રજસ ગુણમાં વધારો કરી શકાય છે.
રજસ ઘટાડવો: જરૂરી આરામ, મનને શાંત રાખવાથી અને ઈર્ષ્યા, ક્રોધ ઘટાડવાથી રજસ ગુણમાં ઘટાડો કરી શકાય છે.

તમસ વધારવો:
રાત્રે નિંદ્રા, શરીરને આરામ આપવાથી તમસ ગુણમાં વધારો કરી શકાય છે.

તમસ ઘટાડવો:
સવારનો સૂર્યપ્રકાશ લેવાથી, જરૂરી વ્યાયામ કરવાથી અને સકારાત્મક કાર્ય કરવાથી તમસ ગુણમાં ઘટાડો કરી શકાય છે.

નિષ્કર્ષ:
સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણેય ગુણો જગત અને મનુષ્ય સ્વભાવના આધારસ્તંભો છે. કોઈ પણ ગુણ સારો કે ખરાબ નથી; તેનું અસંતુલન જ સમસ્યા છે.

જીવનમાં સત્ત્વનું પ્રમાણ વધુ, રજસનું નિયંત્રણપૂર્વક અને તમસનું જરૂરી માત્રામાં રહેવું જ સર્વોત્તમ છે.
જો માણસ સત્ત્વને પોતાનું માર્ગદર્શક બનાવે, રજસને કાર્ય માટે વાપરે અને તમસને આરામ માટે નિયંત્રિત રાખે, તો તેનું જીવન સુંદર, સંતુલિત અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બની શકે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button