મનનઃ પ્રાર્થના માન્ય રખાય છે

હેમંત વાળા
એ તો સાબિત થઈ ચૂક્યું છે કે ઈશ્વર પ્રાર્થના સાંભળે છે, વિનંતી સમજે છે અને માગણી સ્વીકારે છે. ઇતિહાસમાં એવાં ઘણાં કિસ્સા નોંધાયા છે જેનાથી આ વાત સિદ્ધ થઈ શકે.
પ્રાર્થના કરવા માટે, વિનંતી કરવા માટે કે માગણી મૂકવા માટે શબ્દોની જરૂર પણ નથી હોતી. શબ્દો હોય તો પણ બરાબર છે અને ન હોય તો પણ તેટલું જ બરાબર છે. બની શકે કે શબ્દોને કારણે પ્રાર્થના-હવે આપણે પ્રાર્થના, વિનંતી અને માગણી એ ત્રણેય માટે એક ‘પ્રાર્થના’ શબ્દ જ વાપરીશું-થોડી વધુ નિર્ધારિત થઈ શકે. વ્યક્તિ પોતે વ્યવસ્થિત રીતે નક્કી કરી શકે કે ખરેખર પ્રાર્થના શેનાં માટે છે. વ્યક્તિ પોતાનાં વિચારોમાં વધુ સ્પષ્ટ બની શકે છે.
ઈશ્વર જ્યારે વરદાન આપવાની વાત કરે ત્યારે જે તે ઈચ્છાને શબ્દો દ્વારા વ્યક્ત કરવી પડે. શબ્દો દ્વારા થતી અભિવ્યક્તિ જરૂરી છે. આ શબ્દોનું વ્યવસ્થિત અને શાીય ઢબે ઉચ્ચારણ થવું જોઈએ. પ્રાર્થનામાં પણ શબ્દો વણાયેલા હોય. આ શબ્દોને જો સંગીત સાથે વણી દેવામાં આવે તો માહોલ વધુ સાત્ત્વિક બન્યો હોય તેમ જણાય. શબ્દોની ઉપયોગિતા છે. કદાચ ઈશ્વરનું એ પ્રકારનું આયોજન હોઈ શકે કે જ્યારે પ્રાર્થના શબ્દો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે ત્યારે તેમાં છુપાયેલા ભાવ માટે કોઈપણ પ્રકારની શંકા ન રહે.
પ્રાર્થના વૈચારિક પણ હોઈ શકે. આ માટે મનની ક્ષમતા જુદા જ સ્તરની હોવી જોઈએ. વિચારો ભટકી જાય. વિચાર અનિયંત્રિત થઈ શકે. વિચારનું સ્વરૂપ અન્ય કોઈ જાણી શકવાં સમર્થ ન હોવાથી વિચારમાં અનિચ્છાએ પણ વિકાર ઊભરી શકે. જો સૂક્ષ્મ અસ્તિત્વનાં કેટલાંક સ્વરૂપો વાસનાનાં વમળમાં ફસાયાં હોય તો વિચારમાં વિકૃતિ આવી શકે.
વૈચારિક પ્રાર્થના માટે સંયમ અને મનના નિયંત્રણની મહત્તમ આવશ્યકતા હોય તેમ લાગે છે. મન તો તેની ચંચળતા જાળવી રાખવા પ્રયત્નશીલ રહે અને પ્રાર્થના તે ચંચળતાને કાબુમાં રાખવાનો પ્રયત્ન કરે. જો પ્રાર્થના વધારે સશક્ત હોય તો જ તેની અસર વર્તાય, નહિતર મન પોતાનો પ્રપંચ ચાલુ રાખે.
વૈચારિક પ્રાર્થના માટે વ્યવસ્થિત માળખું, વ્યવસ્થિત ગોઠવણ, વ્યવસ્થિત ક્રમ તથા વ્યવસ્થિત રજૂઆતનું મહત્વ નથી. વૈચારિક પ્રાર્થના માટે, કદાચ, ઉદ્દેશ્ય અને વિશ્વાસ મહત્ત્વની ભૂમિકા ભજવતાં જણાય છે. વૈચારિક પ્રાર્થના એક પ્રવાસ સમાન ઘટના છે. અહીં પ્રથમ ડગલું અને તેની દિશા નિર્ધારિત હોય છે, પરંતુ આગળ જતાં તેમાં બદલાવ આવવાની પૂરેપૂરી સંભાવના રહે. આ બદલાવ સકારાત્મક પણ હોઈ શકે અને અડચણકારી પણ હોઈ શકે.
વિચારોમાં જો પરિપક્વતા હોય, વિચારોની શ્રેણી માટે જો વિશ્વાસ હોય, વિચારની પ્રક્રિયા જો શાીય હોય, વિચારની શુદ્ધતા માટે જરૂરી ભૂમિકા સ્થાપિત થઈ ચૂકી હોય અને તે બધાં સાથે જીવનમુક્તતા માટેનો પાયો તૈયાર થઈ ચૂક્યો હોય તો વૈચારિક પ્રાર્થના અભૂતપૂર્વ પરિણામ આપી શકે. આ વૈચારિક પ્રાર્થનાને માનસિક પ્રાર્થના પણ કહી શકાય.
પ્રાર્થનાનું એક સ્વરૂપ મૌન પણ છે. અહીંયા નથી શબ્દોનું અસ્તિત્વ કે નથી વિચારોની હાજરી. અહીં કોઈ માધ્યમ નથી કે નથી કોઈ ઉપકરણ. પ્રાર્થનાના આ સ્વરૂપમાં દરેક બાબતથી અલિપ્ત થઈ માત્ર પોતાના અસ્તિત્વ સાથે જાણે મૌન સંવાદ સ્થાપવામાં આવે છે. ક્યારેક તો એમ જણાય છે કે આ પ્રકારનો સંવાદ પણ નથી હોતો, તે સંપૂર્ણ મૌનની સ્થિતિ છે.
અહીં કશાની માંગણી નથી હોતી કે નથી હોતી કશાની ઈચ્છા. અહીં તો માત્ર હોવાપણું હોય છે, અને તેનું પણ કોઈ પ્રયોજન નથી હોતું. બસ માત્ર શૂન્યતામાં સ્થિર થયેલું અસ્તિત્વ. અહીં સમગ્ર અસ્તિત્વ જાણી શુન્યતામાં પ્રવેશી જાય છે. શૂન્યતામાં પ્રવેશ એટલે જ પરમનું સાનિધ્ય પામવાની પ્રબળ સંભાવના. આ અસ્તિત્વ એટલે જ પ્રાર્થના.
પ્રાર્થનાનો અન્ય એક પ્રકાર છે માત્ર જાત સાથેનો સંવાદ. અહીં ઈશ્વર આગળ કશાની રજૂઆત કરવાની નથી હોતી. જેમકે, જાત સાથે જ વાત કરવાની અને પોતાને જ કહેવાનું કે મારે કુંભ-મેળામાં જવાની ઈચ્છા છે. આ પ્રકારની ઈચ્છા કેમ છે તે પોતે જ પોતાને જણાવવાનું. આ પ્રમાણે કોઈ સાત્ત્વિક ઈચ્છા નક્કી કરી, તેનાં પર ચિંતન કરી તેને પોતાની પાસે જ રહેવા દેવાની. સાથે પોતાને એમ પણ કહેવાનું કે જવાય તો પણ બરાબર છે અને ન જવાય તો પણ તેટલું જ બરાબર છે.
ગુરુદેવ-ઈશ્વર તો અંતર્યામી છે, તમે તમારી જાત સાથે કરેલો સંવાદ તેઓ પણ સાંભળી જ લે. પછી તે પ્રમાણે, જો યોગ્ય સંભાવના હોય તો, તેઓ વરદાન તરીકે કુંભમેળામાં જવાની પરિસ્થિતિ ગોઠવી આપે. પ્રાર્થના કર્યાં વગર પ્રાર્થના સ્વીકારાય જાય. આ પ્રાર્થનામાં અનૌપચારિકતાની સંભાવના વધુ રહે. આ પ્રકારની પ્રાર્થના પણ એટલી જ અસરકારકતા રહેતી હોય છે.
જ્ઞાન માટે પ્રયત્ન કરવો તે પણ એક પ્રકારની પ્રાર્થના જ છે. જ્ઞાન દ્વારા પણ ચોક્કસ બાબત સિદ્ધ થાય તેવી અપેક્ષા હોય છે. નિષ્કામ કર્મ પણ સૃષ્ટિનાં સિદ્ધાંત પર વિશ્વાસ રાખીને કરવામાં આવતી પ્રાર્થના સમાન ઘટના છે. યોગ સાધનામાં, હૃદયમાં કુંડળી મારીને બેસેલ સર્પીણીને જાગ્રત કરી આત્માની પ્રતીતિ કરવા માટે કરવામાં આવતી પ્રક્રિયા પણ પ્રાર્થના છે. ભક્તિનો તો આધાર જ પ્રાર્થના છે. અહીં પ્રાર્થના, વિનંતી કે માગણી બધું જ માન્ય છે.
કોઈપણ સ્વરૂપે અંતે તો પ્રાર્થના જ કરવામાં આવે છે. શુદ્ધ ચિત્તે, પવિત્ર ભાવનાથી, શાંતિ અને સંયમ આધારિત, ધાર્મિક તેમજ આધ્યાત્મિક ભાવનાથી યુક્ત, સત્ય અને ધર્મના સહયોગ સાથેની અને નિષ્ઠાપૂર્વક એકાગ્રતાથી કરવામાં આવેલી કોઈપણ સ્વરૂપની પ્રાર્થના અંતે સૃષ્ટિના નિયમ અનુસારનું પરિણામ તો આપે જ. સૃષ્ટિના સમીકરણમાં માત્ર સહભાગી થવાં માટે કરવામાં આવતી પ્રાર્થના હંમેશાં ઈશ્વર દ્વારા-ગુરુદેવ દ્વારા માન્ય રાખવામાં આવે છે.
આ પણ વાંચો…મનનઃ સૃષ્ટિની અપૂર્ણતા



