ધર્મતેજ

તમે મને વરદાન આપો કે હું યજ્ઞ દ્વારા અદ્ભુત ચમત્કારિક સૃષ્ટિ પ્રાપ્ત કરી શકું અને યજ્ઞ દ્વારા જેને ઉત્પન્ન કરું એને અદ્ભુત શક્તિ આપી શકું

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
ઘણાં સમયથી ભગવાન શિવના દર્શન થયા ન હોવાથી દેવર્ષિ નારદ કૈલાસ પહોંચે છે, દેવર્ષિ નારદને આવતાં જોઈ ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, ‘દેવી જલ્દીથી અદૃશ્ય થઈ જાવ. હંમેશાં દેવર્ષિ નારદને આપણે સરળતાથી ઉપલબ્ધ થઈ જઈએ છીએ, આ વખતે હું તેમની પાસેથી તપસ્યા કરાવવા ઇચ્છું છું.’ આટલું કહી ભગવાન શિવ અદૃશ્ય થઈ જાય છે. દેવર્ષિ નારદ દ્વારા ભગવાન શિવની પૃચ્છા થતાં માતા પાર્વતી તેમને કહે છે ‘તેઓ તમને સરળતાથી ઉપલબ્ધ નહીં થાય, તમારે તપસ્યા કરવી પડશે.’ તપસ્યા કરવાનું વચન આપી દેવર્ષિ નારદ આકાશ માર્ગે ભ્રમણ કરતાં વિચારે છે કે તપસ્યા માટે કઇ જગ્યા અનુકૂળ હશે. એ જ સમયે એક આશ્રમમાં ઋષિ દધિચી તેમની પત્ની માતા સુવર્ચા સાથે તપસ્યા કરી રહ્યાં છે. દેવર્ષિ નારદ તેમની સામે બેસી તપસ્યા કરતાં વિચારે છે કે ઋષિ દધિચી અને માતા સુવર્ચા બંને સાથે મળીને તપસ્યા કરે છે તો તેમને ફળ પણ બે ગણું (ડબલ) મળશે, હું રહ્યો બાળ બ્રહ્મચારી મારી પણ પત્ની હોત તો મને પણ બે ગણું (ડબલ) ફળ મળત. એ જ સમયે માતા પાર્વતી અને ભગવાન શિવ ત્યાં પધારે છે અને કહે છે, ‘ઋષિ તમે તમારી પત્ની સુવર્ચા સાથે મારા જેવો પુત્ર પ્રાપ્ત કરવા ઘણા સમયથી તપસ્યા કરતા હતા, હું તમને વરદાન આપું છું કે તમને પીપ્લાદ નામનો એક રૂદ્ર અવતારી પુત્ર પ્રાપ્ત થશે, જેના દર્શન માત્રથી શનિગ્રહની બધી બાધા દૂર થશે અને તમે જન્મજન્માંતર સુધી આરાધના કરવાની કામના દર્શાવી હોવાથી હું તમને વરદાન આપું છું કે તમારા શરીરની દરેક અસ્થિઓ વ્રજ સમાન અતૂટ બની જશે.’ ઋષિ દધિચીને વરદાન આપતાં જોઈ દેવર્ષિ નારદ કહે છે, ‘પ્રભુ અહીં તમારો બીજો ભક્ત પણ તપસ્યા કરી રહ્યો છે.’ દેવર્ષિ નારદ પાસે જઈ ભગવાન શિવ કહે છે, ‘તપસ્યા દરમિયાન તમે કામના કરી હતી કે ‘મારી જો પત્ની હોત તો એ પણ મારી સાથે તપસ્યા કરત અને તમારી તપસ્યાનું બે ગણું (ડબલ) ફળ મળત. હું તમને વરદાન આપું છું કે તમને ટૂંક સમયમાં એક નિષ્ઠાવાન અને સુંદર પત્ની મળશે.’ ગભરાયેલા દેવર્ષિ નારદ વરદાન નકારે છે પણ ભગવાન શિવ અને માતા પાર્વતી વરદાન આપી પત્ની સાથે કૈલાસ આવવાનું કહી અદૃશ્ય થઈ જાય છે.


માતા પાર્વતી: ‘સ્વામી તમે બાળ બ્રહ્મચારીને ગૃહસ્થ જીવનનું વરદાન કેમ આપ્યું?’

ભગવાન શિવ: ‘દેવી મેં એમને વરદાન નથી આપ્યું એમણે જ લીધું છે.’

માતા પાર્વતી: ‘એ કઈ રીતે સ્વામી.’
ભગવાન શિવ: ‘તપસ્યા દરમિયાન દેવર્ષિ નારદે મનમાં ઉત્પન્ન કરેલા વિચાર અને વિકારે વરદાન મેળવ્યું છે. બ્રહ્મદેવ પણ એવું ઇચ્છે છે કે પોતાને બાળ બ્રહ્મચારી હોવાનું અભિમાન ધરાવતા દેવર્ષિ નારદને ગૃહસ્થ જીવનનો અનુભવ થવો જ જોઇએ.’

એ જ સમયે ‘ૐ હ્રીં ક્લીં ચામુંડાયે વિચ્ચૈ નમ:’નો સ્વર કૈલાસ ખાતે ગૂંજવા લાગ્યો.

ભગવાન શિવ: ‘દેવી તમારા પરમ ભક્ત ઋષિ ત્વષ્ટાનો સ્વર કૈલાસ સુધી પહોંચી ગયો છે હજી કેટલી પરીક્ષા લેશો?’

આટલું સાંભળતાં જ માતા પાર્વતી ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે.


માતા પાર્વતી: ‘ઋષિ ત્વષ્ટા આંખ ખોલો, તમારી શક્તિ ઉપાસનાથી પ્રસન્ન છું, વરદાન માંગો.’

ઋષિ ત્વષ્ટા: ‘માતા તમે દર્શન આપ્યા હું ધન્ય થઈ ગયો.’

માતા પાર્વતી: ‘ઋષિવર વરદાન માગો.’

ઋષિ ત્વષ્ટા: ‘માતા તમારી કૃપા અપરંપાર છે, તમે મને વરદાન આપો કે હું યજ્ઞ દ્વારા અદ્ભુત ચમત્કારિક સૃષ્ટિ પ્રાપ્ત કરી શકું અને યજ્ઞ દ્વારા જેને ઉત્પન્ન કરું એને અદ્ભુત શક્તિ આપી શકું.’

માતા પાર્વતી: ‘હું તમને ઇચ્છિત વરદાન અવશ્ય આપીશ ઋષિવર ત્વષ્ટા, પરંતુ સાવધાન… વરદાનનો દુરુપયોગ કરશો તો તમારો અને તમારી સૃષ્ટિનો વિનાશ નિશ્ર્ચિત છે.’

ઋષિ ત્વષ્ટા: ‘નહીં માતા વરદાનનો દુરુપયોગ ક્યારેય નહીં થાય.’

માતા પાર્વતી: ‘તથાસ્તુ.’

ઋષિ ત્વષ્ટા: ‘આપ ધન્ય છો માતા, તમારા વરદાનના પ્રતાપે હું એવું કરી બતાવીશ જે આજ સુધી કોઈ શક્તિ કે ઉપાસકે કર્યો હોય.’

માતા પાર્વતી: ‘તમારું કલ્યાણ થાઓ.’


બીજી તરફ દેવર્ષિ નારદ ભગવાન શિવ પાસેથી વરદાન મેળવી અસ્વસ્થ થઈ જાય છે. તેઓ તુરંત પરમપિતા બ્રહ્મદેવ પાસે પહોંચે છે.

દેવર્ષિ નારદ: ‘પરમપિતા સૃષ્ટિ રચયિતા બ્રહ્મદેવની શરણે આવ્યો છું. તમારા માનસપુત્ર પર ગંભીર મુસીબત આવી પડી છે.’

બ્રહ્મદેવ: ‘પુત્ર નારદ, સ્વસ્થ થઈ બતાવો, હું અને તમારી માતા તમારી સાથે છીએ.’

દેવર્ષિ નારદ: ‘ભગવાન શિવ દ્વારા ગૃહસ્થ જીવનનું વરદાન મળ્યું છે, હું રહ્યો બાળ બ્રહ્મચારી આવું વરદાન મળતાં હું અસ્વસ્થ થઈ ગયો છું.’

બ્રહ્મદેવ: ‘પુત્ર નારદ તમારી ઇચ્છા મુજબ જ વરદાન મળ્યું છે. હવે તમારે સંસારિક સુખ કે દુ:ખ ભોગવ્યે જ છુટકો છે.’

દેવર્ષિ નારદ: ‘પરમપિતા મને આ વરદાનની કોઈ આવશ્યકતા નથી મારે શું કરવું જોઈએ?’

બ્રહ્મદેવ: ‘આનું નિરાકરણ તમને ભગવાન શ્રીહરિ વિષ્ણુ આપી શકે છે. તમે એમના અનન્ય ભક્ત પણ છો તેમની શરણે જાઓ તમારું કલ્યાણ થશે.’


દેવર્ષિ નારદ તુરંત વૈકુંઠધામ પહોંચે છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને હાસ્ય વેરતા જોઈ દુ:ખી થઈ જાય છે.

દેવર્ષિ નારદ: ‘પ્રભુ હું મુસીબતમાં ફસાયો છું અને તમે હાસ્ય વેરી રહ્યા છો. મને તમે જ એમાંથી ઉગારી
શકો છો.’ (ક્રમશ:)

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker