ધર્મતેજ

માનસ મંથન: જેમણે ‘રામચરિતમાનસ’માં બરાબર પ્રવેશ નથી કર્યો તેમને એમાં મર્યાદા દેખાય છે

મોરારિબાપુ

આપ સૌને ખ્યાલ છે કે ‘માનસ’માં સાત કાંડ નથી, સાત સોપાન છે. આદિ કવિ વાલ્મીકિ કાંડ કહે છે; મારા ગોસ્વામીજી એને સોપાન કહે છે. આ સદગ્રંથ છે. મારા યુવાન ભાઈ બહેનોને હું ખાસ કહું કે ‘રામચરિત માનસ’ને ક્યારેય પુસ્તક ન સમજવું. એ ચોપડી નથી, શંકરની ખોપરી છે. એ પુસ્તક નથી, કિતાબ નથી. દુનિયામાં પવિત્ર પુસ્તકો હોઈ શકે છે. એને સન્માન, આદર, નમન. એમાંથી પણ આપણે પ્રેરણા લેતા રહીએ છીએ પરંતુ ‘રામચરિતમાનસ’ એ પુસ્તક નથી; એ પરમ સદગ્રંથ છે. સાત સોપાન એ સદગ્રંથનું સ્વરૂપ છે.

સાત મંત્રોમાં ગોસ્વામીજીએ મંગલાચરણ કર્યું. આ મંગલાચરણ શબ્દ જે આપણા ઋષિ- મુનિઓએ આપ્યો છે, એ બહુ જ પ્યારો શબ્દ છે. કદાચ ઋષિ- મુનિઓ આપણને સંકેત કરી રહ્યા છે કે પહેલા મંગલ આચરણ કરો, પછી મંગલ ઉચ્ચારણ કરો. મંગલ ઉચ્ચારણ કરવાનો અધિકાર એને જ પ્રાપ્ત થાય છે, જે પહેલા મંગલ આચરણ કરે છે.

હું ઘણીવાર કહેતો રહું છું કે જે લોકોએ આ’ રામચરિતમાનસ’માં બરાબર પ્રવેશ નથી કર્યો;. ગુરુકૃપા ન થઈ હોય, ભગવતકૃપા ન થઈ હોય, સમજનો અભાવ રહ્યો હોય, જે હોય તે, પરંતુ એવા લોકો કહે છે કે ગોસ્વામી જીએ સ્ત્રી સમાજની આલોચના કરી છે, એમને કહેવું જોઈએ કે ગોસ્વામીજીએ ‘એ માનસ’ના પ્રથમ સોપાનનો આરંભ કરતા પહેલાં માતૃશક્તિને પ્રણામ કર્યા છે. ‘વર્ણાનામ અર્થ સંઘાનામ’ કેટલાક બૌદ્ધિક લોકો આ પહેલો મંત્ર જ બરાબર વાંચી લે તો ક્યારેય એવું ન કહે કે ‘માનસ’માં નારીની આલોચના થઈ છે.

તો ગોસ્વામીજીએ પ્રથમ મંત્રમાં વાણી અને વિનાયકની વંદના કરી. બીજા મંત્રમાં ભવાની શંકરો વંદે માતૃશક્તિની જ પ્રથમ વંદના. આપણી આખી ઉપનિષદીય ધારા જ એવી છે, જે માતૃદેવો ભવથી શરૂ થાય છે. તો પરાંબા મા ભગવતી જાનકી, સર્વનું કલ્યાણ કરનારી મા જાનકીની વંદના થઈ છે. ત્યારબાદ ભગવાન રામની વંદના કરવામાં આવી. ત્યારબાદ પોતાના ગ્રંથનો આશય દર્શાવતા ગોસ્વામીજી કહે છે, મારા આ શાસ્ત્રમાં, આ સદગ્રંથમાં વેદ, આગમ, નિગમ, પુરાણ એ બધાની સંમતિ છે.

તુલસીનો હેતુ જ સંવાદ છે, વિવાદ નહીં. કોઈ વિવાદ ઊભો કરે તો તમે કોને કોને જવાબ આપો?. તુલસીની તો ભૂમિકા સંવાદની રહી છે. એટલા માટે તો તેઓ ચાર સંવાદ પર ‘માનસ’ની કથાનો આરંભ કરે છે. કહેવાનો મતલબ કે સૌને સંમતિ વાળો આ પરમ સદગ્રંથ છે. અને તુલસી એ હેતુ દર્શાવ્યો, ‘સ્વાન્ત સુખાય તુલસી રઘુનાથગાથા.’ તુલસી કહે છે કે સ્વાન્ત સુખ માટે આ ગ્રંથની રચના કરી છે.

ગોસ્વામીજીએ ‘માનસ’માં બીજો હેતુ સ્વયં નિર્ણય કરીને દર્શાવ્યો કે મારા મનને પ્રબોધ થાય. અને ગોસ્વામી જ કહે છે, મારો ત્રીજો હેતુ છે, મારી વાણી પવિત્ર થાય એટલા માટે હું રામ યશ ગાવા જઈ રહ્યો છું. તો મુખ્ય રૂપે આ હેતુઓ પણ અહીં દેખાય છે.

ગોસ્વામીજી સાત સોપાનમાં મંગલાચરણ કરે છે. પછી એમને આ પરમ શ્ર્લોકને લોક સુધી પહોંચાડવા છે. ગોસ્વામીજી કરુણા તો જુઓ! ઘણા બુદ્ધિજીવી લોકો કહે છે કે ગોસ્વામીજીનું સંસ્કૃત નબળું હશે! એવા લોકોને શું કહેવું? ગોસ્વામીજી ઇચ્છતા હોત તો અદ્ભુત સંસ્કૃતમાં આખો ધર્મગ્રંથ, આખો સદગ્રંથ આપી શકે તેમ હતા, પરંતુ એમની કરુણા કામ કરી ગઈ. શ્ર્લોક ને કેટલાક લોકો સમજી શકે? ગોસ્વામીજીએ શ્ર્લોકને લોક સુધી લઈ જવાનું પોતાનું અવતાર કાર્ય સમજ્યું હતું.

આ પણ વાંચો…માનસ મંથન: આદર્શ શિક્ષકનાં લક્ષણો કયા કયા હોઈ શકે? ઉત્તમ શિક્ષક કેવો હોય?

એમને સમજાયું હતું કે શ્ર્લોકને લોક સુધી પહોંચાડવા એ મારું જીવન કાર્ય છે. અને સંસારમાં જેટલા જેટલા પુરુષ થયા છે એ બધા લોકોની બોલીમાં જ કહી ગયા છે. સંસ્કૃતનો મહિમા તો છે જ, પરંતુ એમના આશીર્વાદ લઈને આ બુદ્ધપુરુષો લોકબોલીમાં, દેહાતી ભાષામાં, ગ્રામ ગિરામાં ઊતરી આવ્યા. જુઓ, બિલકુલ લોકબોલીમાં આવીને બેઠા. મહાવીર સ્વામીને જુઓ, લોકબોલીમાં આવીને બેઠા. વિશ્વના જેટલા મહાપુરુષો છે એ બધા પોત પોતાની લોકબોલીમાં નીચે આવ્યા છે.

તો ગોસ્વામી ગ્રામગિરાનો ઉપયોગ કરવાનો નિર્ણય કરી લે છે. છેવાડાની વ્યક્તિ રામતત્ત્વથી વંચિત ન રહી જાય એટલા માટે એમના સુધી રામને યોગ્ય રીતે પહોંચાડવા માટે ગોસ્વામીજીએ લોકબોલીનો આશ્રય લીધો અને એમ, ગ્રામગિરામાં, દેહાતી ભાષામાં તુલસીના રામચરિત માનસનો આરંભ થાય છે.

યુવાનોને હું પ્રાર્થના કરું કે ક્યારેક હાથમાં ‘ વિદુરનીતિ’ આવે તો એકવાર વાંચો. મહાત્મા વિદુરને વાંચો. મહાત્મા વિદુર અદ્ભુત છે! તેઓ કહે છે, ક્ષમા એ અસમર્થોનો ગુણ છે. જે અસમર્થ છે, પરંતુ સમર્થોનું આભૂષણ છે. ‘મહાભારત’ જ આવું કહી શકે. કોઈ ગ્રંથોમાં ભેદ કરવા નથી માગતો, પરંતુ ભારતીય વાંગ્મય સિવાય આવું કહેવાની કોઈની તાકાત નથી સાહેબ! બાપ, રામકથાનો આદર્શ છે કે આપણાંથી જે નાનાં હોય તેના માટે ત્રણ વાત યાદ રાખો.

ભૂલ કરે તેને ક્ષમા આપી દો. ન સમજે તેના પ્રત્યે ઉદારતા રાખો. આપણાથી જે નાનાં છે તેના પ્રત્યે કરુણા રાખો. વાત બની જશે. પરંતુ આપણાથી જે મોટા હોય તે ભૂલ કરે તો શું કરવું એવો પ્રશ્ન તમને થાય. એની સાથે કેવો વ્યવહાર કરવો? તમારા પરિવારમાં જે મોટા છે, એ ભૂલ કરે, પાપ કરે, તમે ભગવદભજન કરી રહ્યા છો, છતાં તે નફરત કરે; તમે યોગ્ય ખાવાનું ખાઈ રહ્યા છો, એ ભક્ષ્યાભક્ષ્ય કરે, તમે કશું પીતાં નથી, એ પીયે છે-અને એ મોટા છે-તો એમની સાથે કેવો વ્યવહાર કરવો? જે કુકર્મ કરે છે, એ ભલે મોટા હોય, તો પણ એ બધા નાનાં છે. તમારાથી ભલે ઉમરમાં મોટા હોય, એવા સંજોગોમાં એને પણ ક્ષમા કરો.

આપણું અધ્યાત્મ જગત વય, લિંગ જોતું નથી. કારણ પાપકર્મ કરવાવાળા સદૈવ નાનાં હોય છે. મોટા તો કદી પાપકર્મ કરી જ નથી શકતા. ધ્રુવનો બાપ ધ્રુવથી નાનો હતો, પ્રહલાદનું પણ એમ જ. તમારાથી નાનાં હોય તેના પર કરુણા રાખો. ‘બડે સનેહ લઘુન્હ પર કરહી’ એ સૂત્ર છે. ‘જાહી દીન પર નેહ’- શિવજીના વિશે લખ્યું છે. આપણાથી નાનાં હોય એના પર કરુણા કરો, એના પર ઉદાર બનો, ક્ષમા કરો, આદર આપો, માન કરો-સમ્માન કરો.

સંકલન: જયદેવ માંકડ

આ પણ વાંચો… માનસ મંથનઃ અધ્યાત્મ જગતના ઇન્ટરવ્યૂમાં તો એક જ પ્રશ્ન પુછાય, શું તમે પ્રેમ કરો છો?


Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button