ધર્મતેજ

આચમન- તો રામરાજ્યની કલ્પના જરૂર સાકાર થાત…

  • અનવર વલિયાણી

ધર્મતેજ પૂર્તિના વહાલા જિજ્ઞાસુ વાચક મિત્રો! તમે એ કદી વિચાર્યું છે ખરું કે દુ:ખદર્દોની વણઝાર આ દુનિયામાં આવે છે ક્યાંથી?

  • ક્યારેક એવો વિચાર પણ કર્યો છે ખરો કે આ ધરતી પર દુ:ખ અને મુસીબતોના ખડકલા ખડકાતા જાય છે તેનું જનરેટિંગ પોઈંટ ક્યાં છે?
  • જ્યાં સુધી તેના મૂળને પકડી શકીએ નહીં ત્યાં સુધી આપણા દુ:ખોની દવા ક્યારેય કારગત નીવડશે નહીં તે દીવા જેવું સ્પષ્ટ છે.
  • ત્રીજા વિશ્ર્વના અનેક દેશો આજે કારમી ગરીબીમાં સબડે છે અને વિકાસ પામતા દેશોમાં પણ ગરીબી કંઈ ઓછી નથી.
  • ગરીબી બીજા અનેક અનિષ્ટોને નોતરે છે.

ચોરી, લૂંટફાટ, ગુનાખોરી અને એવી બીજી અનેક સામાજિક પ્રવૃત્તિના મૂળમાં ગરીબી અને શિક્ષણનો અભાવ મુખ્યત્વે કારણભૂત હોય છે.

  • આ બધું જોઈને કેટલાકો અણસમજમાં બોલી ઊઠતા હોય છે કે ઈશ્ર્વર ઈન્સાનને આટલું બધું દુ:ખ શા માટે આપતો હશે?
  • આવું કહેવું – વિચારવું એ એક સરાસર ગેરસમજ અને ભૂલ ભરેલું છે.
  • આપણે એ સનાતન સત્યને સમજી લેવું ઘટે કે, પ્રભુ તો આપણો-જીવમાત્રનો પ્રેમાળ પિતા છે અને એ નાતે તે કદી પોતાના સંતાનો પર દુ:ખના ડુંગરો ખડકેજ નહીં.
  • જે કંઈ દુ:ખદર્દ, યાતનાઓનો અનુભવ થાય છે તે માનવસર્જિત છે.
  • માનવીના કુકર્મોનું પરિણામ માત્ર છે અને
  • ઈશ્ર્વરની આજ્ઞાઓને ન અનુસરવાનું પરિણામ છે.
  • આ કોઈ લેખકની કોઈ કલ્પના નથી. નરી વાસ્તવિકતા છે, હકીકત છે.
  • ઈશ્ર્વર કદી કોઈને લાચાર-ગરીબ બનાવતો નથી.
  • માનવીની શોષણખોરી – ભૂલ ભરેલી આર્થિક નીતિઓ મનુષ્યને લાચાર, બેબસ, ગરીબ બનાવતી હોય છે.
  • તવંગર દેશો ગરીબ દેશોને લાચાર બનાવી, લોહી ચૂસીને ધનના ઢગલા એકઠા કરે છે.
  • સ્વાર્થથી છલોછલ આપણી સામાજિક વ્યવસ્થા પણ એટલી જ દોષિત છે.
  • દુ:ખ, દર્દ, યાતના માનવીના ગુનાહિત આચરણથી જન્મે છે પરિણામે લોકો
  • ચોર, ડાકુ, ખુની, ગુનેગાર-અપરાધી બને છે.
  • આજનો એકવીસમી સદી વટાવવાની આરે ઊભેલો માનવજાત ઈશ્ર્વરને વિસરી જવાથી-તેની ઉપસ્થિતિને નજરઅંદાઝ કરવાથી ગમે તેવા કુકર્મ કરતા સહેજે ખંચકાતો હોતો નથી.
  • ઈશ્ર્વર હાજરનાજર છે.
  • સઘળું તે નિહાળે છે.
  • તેનાથી કશું અજાણ નથી.
  • કણકણમાં ભગવાનનો વાસ છે.
  • વગેરે વગેરે ઈશ્ર્વરના અસ્તિત્વ વિશે આપણે કહેતા હોઈએ છીએ, પરંતુ અત્યંત ખેદ સાથે કહેવું પડે છે કે આ બધું કહેવા ખાતર કહેતા હોઈએ છીએ.
  • ગુનાહ કરતી વખતે તેના અસ્તિત્વ હોવા વિશે આંખઆડા કાન ધરી દેતા જરાય ખચકાતા નથી.
  • ઈશ્ર્વર પ્રત્યેની આપણી શ્રદ્ધા મજબૂત હોતી નથી.
  • માનવી પોતાના રોજિંદા વ્યવહારમાં જે કાર્યો કરતો હોય છે ત્યારે તેને કદી એવો વિચાર આવે છે ખરો કે ઈશ્ર્વર આપણા દરેકેદરેક કૃત્યોને નિહાળી રહ્યો છે? જો આવી અનુભૂતિ કરતા હોઈએ તો આજે ગુનેગારોનું સામ્રાજ્ય ન હોત?

બોધ:

  • ઈશ્ર્વરે શ્રીમંતોને નાણાંનો સંગ્રહ કરવાની ના પાડી છે.
  • દાન-દયા ધર્મ કરતા રહેવાની આજ્ઞા કરી છે.
  • તમે જેટલું કમાવ તેમાંથી તમારા સામાજિક મોભા પ્રમાણે અંગત અને કુટુમ્બ માટે ખર્ચ કરો અને બાકી રહેલા નાણાં ભલે લાખોના હિસાબે હોય તે ઈશ્ર્વરના દાખવેલા પરોપકારના માર્ગમાં ખર્ચ કરો. આ નિયમ દરેક વ્યક્તિ, કુટુમ્બ, સમાજના નાના-મોટા દરેક વર્ગને સ્પર્શે છે.
  • જરા શાંત ચિત્તે વિચારો! શું ઈશ્ર્વરની આ આજ્ઞાને આપણે માન્ય રાખી છે ખરી?
  • અને જો આ આજ્ઞા પર અમલ થતો હોત તો આ ધરતી પર ભીખ માગતો કોઈ કહેતા કોઈ ભિક્ષુક નજરે પડત ખરો? નિ:શક નહીં જ!

-રામ રાજ્યની તેની કલ્પના જરૂર સાકાર થાત…!

આ પણ વાંચો…આચમનઃ એક માત્ર ઈશ્વર જ માન-અપમાનથી પર: નમ્રતાવાલા હી પ્રભુ કો પાતા હૈ!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button