દુહાની દુનિયા : પ્રેમી-પ્રિયતમાને ભોગવવી પડતી દૂરતાના દુહા

- ડૉ. બળવંત જાની
દુહામાં દામ્પત્યજીવન અને પ્રણયજીવન વિશેની નરી વાસ્તવિક્તાનું નિરૂપણ થતું રહ્યું છે. માનવજીવનમાં વિવિધ અનુભવો થાય એમાંથી એક સત્ય સમજાય, અનુભવજગતમાંથી ઘણું બધું પમાય. એ શાશ્વત સત્ય દુહાના માધ્યમથી ભાવકો માટે આપણી સમક્ષ સુલભ હોય છે. માણસને વિજાતીય પ્રેમ થાય, પ્રેમનો પડઘો હકારાત્મક પડે એમ નકારાત્મક પણ પડે. આખરે એમાં જીવનનું સત્ય, સમજણ સાંપડવા માટેનું અનુભવ જગત પડઘાતું હોય છે. શાશ્વત સત્યને અને અનુભવથી પ્રાપ્ત સમજણને કહો કે ડહાપણને દુહામાં સાંપડતી અભિવ્યક્તિને આસ્વાદીએ.
પરણવાના પ્રેમમાં, અમને અળગાં ર્ક્યા;
હરદાં અમારાં હર્યાં(પછી) તરછોડયાં શું તનથી?
અમને અળગા કરીને પ્રેમીને પરણ્યા પહેલા અમારું હૃદય હરી લીધું પછી અમને શરીરથી તરછોડયા. અહીં ભારે મોટું તથ્ય, માનવજીવન વ્યવહારનું સત્ય નિરૂપાયું છે. પ્રેમની મજા છે એટલી મનથી પ્રાપ્તિની તૃપ્તિ નથી, હૃદયને પામવું અને શરીરને પામવું એ જુદી જ બાબત છે. અહીં મહિમા પ્રેમનો ગાઈને પછી શારીરિક સુખમાં અનુભવાતી અવહેલના- અવગણનાની વેદનશીલ અનુભૂતિ સ્થાન પામી છે.
બીજા એક દુહામાં તો પ્રેમના અનુભવની આગવી પિ2સ્થિતિને કલાત્મક રીતે નિરૂપી છે તેનો આસ્વાદ લઈએ.
પછેડી બેઠા પાથરી, મેળા હેઠળ મળી;
ગોઠડી કરતા ગળી, દુનિયા વિસારી દિલથી.
મેળામાં મળવાનું બન્યું અને પછેડી પાથ2ીને પ્રેમી તથા પ્રેમિકા બેઠાં-બેઠાં ગળચટી-વાતોની ગોઠડી કરતા રહ્યા અને દુનિયાને દિલથી ભૂલી જવાઈ. પ્રેમીઓનું મળવું, અભાવભર્યા વાતાવરણમાં પણ સમીપતાનો અનુભવ કરીને મીઠી મધ જેવી વાતો કરવામાં દુનિયાદારોનું ભાન રહેતું નથી હોતું. એનુ આલેખન ભારે કલાત્મક રીતે અહીં દુહામાં થયેલું અવલોકવા મળે છે. બીજા એક દુહામાં પણ આવો જ ભાવ જરા જુદી રીતે નિરૂપાયેલો અવલોકવા મળે છે તેને આસ્વાદીએ.
પાદર મોરી ફૂલડે, વનમાં મોર્યા અંબ ઠેઠ;
ગોરી મોરી ભ2જોબને, પિયુચાલ્યો પરદેશ.
પાદરમાં ફૂલડાં-પુષ્પો-ખીલ્યા હોય, ઠેઠ સુધી વનમાં આંબા મહોર્યા હોય અને ગોરી અર્થાત્ પ્રિયતમા જુવાનીથી મહોરી હોય ત્યારે નિયતિવશ બનીને પ્રિયતમ પરદેશ સીધાવતો હોય છે.
આ એક કઠોર સત્ય છે-વાસ્તવિક્તા છે. બધું લુમઝૂમ છે અને એમાં ખાલીપાનો અનુભવ લેવાનો રહે છે. સભરતા વચ્ચે અભાવનું નિરૂપણ ભારે અસરકારક રીતે થયું છે. આવી અભિવ્યક્તિ જ કવિત્વની, સહજ રીતે રસપૂર્ણ અને રસાનુભવ કરાવવાનું વલણ લોક્સાહિત્ય અને દુહાને ચિરંજીવ બનાવનારુ તત્ત્વ છે.
બીજા એક દુહામાં પ્રિયતમાની વિદાયથી પ્રાપ્ત દુ:ખને અભિવ્યક્તિ સાંપડેલ છે તેનો આસ્વાદ લઈએ.
સાજણ ચાલ્યાં સાસરે, આડાં દઈને વન;
રાતે ન આવે નીંદરા, દીનાં ન ભાવે અન.
વ્યવધાન રૂપે – સાજણ-સજની અર્થાત્ પ્રિયતમા શ્વરસુરગૃહે સીધાવી. વનવગડો આડો છે. કંઈ સામે જ નથી, દર્શનસુખ સુલભ નથી. આ કારણથી રાત્રે નિંદ્રા આવતી નથી અને દિવસના ભાગે ખાવું-જમવાનું પણ ભાવતું નથી. પ્રિય અને પ્રિયા ઝંખે છે નીકટતા, એક મેક થવાનું, સાથે રહેવાનું પણ મળે છે દૂરતા. આ વરવી વાસ્તવિક્તાને દુહામાં નિરૂપીને એક શાશ્વત સત્યને નિરૂપીને કડવી વાસ્તવિક્તાની વાત રસપ્રદ રીતે રસાનુભવ પ્રાપ્ત થાય એ રીતે દુહામાં કથી છે. દુહામાંનો આવો ભંડારાયેલ વેદનશીલ ભાવ, સદાય સ્મરણમાં રહી જતો હોય છે.
આપણ વાંચો: ચિંતન: શ્રીકૃષ્ણની કેટલીક અદ્ભુત ભેટ…