દુહાની દુનિયાઃ તુળજાબાઈની મર્મપૂર્ણ દુહા કવિતા…

- ડૉ. બળવંત જાની
અધ્યાત્મ હૃદયા તુળજાબાઈ બહુ નાની ઉંમરે અનાથ થઈ ગયેલા, એક ધોબી દંપતીને ત્યાં ઉછરેલાં. ધોબીને ત્યાં વસ્ત્રો ધોવા માટે આવે એને ધોવાનું કામ નાનકડી તુળજા કરે. એમનું હૃદય ભક્તિરંગી. નામ-જાપ કરે અને ભગવત સ્મરણની નાનકડી દુહા પંક્તિઓ રચે. ગામના એક સંત મોભારામ હતા. એનો સત્સંગ પણ તુળજાને હતો. મોભારામનાં વસ્ત્રો ધોવાનું સેવા કાર્ય ધોબી દંપતીને મળેલું.
એક વખત મોભારામનો ઝભ્ભો ધોવા માટે આવ્યો. એના ખીસ્સામાં કાગળ હતો. એમાં બે દુહા લખાયેલા હતા. તુળજાએ વાંચ્યા. એમાંની નારી પરત્વેના દુર્ભાવની વિગત વાંચીને તુળજાએ જવાબ રૂપે નારીની મહત્તાના બીજા બે દુહા રચીને ધોવાયેલા ઝભ્ભામાં એ દુહાની સાથે પોતાના બે દુહા પણ પાઠવ્યા.
ઝભ્ભો ધોઈને આવ્યો. મોભારામને યાદ આવ્યુ કે મારા રચાતા દુહા એ સમયે ઝભ્ભામાં રહી ગયેલા. ખીસ્સા તપાસ્યા તો પોતાના દુહા અકબંધ જળવાયેલા મળ્યા. સાથે બીજા પ્રત્યુત્તર રૂપના પણ બે દુહા હતા. એ વાંચીને મોભારામ પ્રસન્ન થયા. સત્સંગમાં આવતી તુળજાને દુહાની વાત કહી. એમની સાથે સામ-સામા ઘણાં દુહા રચાયાના ઉલ્લેખ મળે છે.
પણ પરંપરામાં સંત મર્મકથામાં પ્રચલીત આ દંતકથા નારી પરત્વેના સંતના દર્શનને વિચાર જગતને પલટાવતી હોઈને એની મહતા મને પમાઈ છે. પછી પણ મોભારામ પરત્વે આદર પ્રગટાવતો દુહો રચીને પાઠવેલો એનો પ્રત્યુત્તર સંત મોભારામે પાઠવેલો એ અવલોક્તા ખ્યાલ આવે છે કે અધ્યાત્મપંથે વિહરવા માટે મોભારામે શિષ્યા તુળજાને ઘણું જ્ઞાનભાથું પીરસ્યું હશે.
તુળજાના દુહા અને મોભારામના દુહા કંઠસ્થ પરંપરાના આભરણ સમાન છે. એમાં જીવન-મૂલ્ય બોધ, મનોભાવનું ઉદ્ઘાટન અને એનું સમારાધન પમાય છે. મોભારામના અને તુળજાબાઈના દુહાને આસ્વાદીએ.
મોભારામકૃત દુહાઓ:
વામાં અનીલ અરિ સમી, પરસન હોત વિનાશ
મોભા મહાજળ બીચ મેં, ઉબરન કોઈક દાસ.
કનક કટારી કામની, કરે કલેજા દાગ, મોભા પરસન તન કરે,
અંધ અભાગી જાગ઼તુળજાબાઈએ પ્રત્યુત્તર રૂપે પાઠવેલા દુહાઓ:
નારી સે જગ ઉપને, દાનવ માનવ અરૂ દેવ,
નારી ન હોતે જગત મેં, જનમ કિસે ઘે2 લેવ.
જતિ, સતિ, જગ શુર, નર, ભક્ત, દાતા અરૂ સંત,
નારી બિન કિન ઉપને, નારી સે નામ રહંત.
મોભારામ પરત્વના ભક્તિભાવને આલેખતા તુળજાબાઈકૃત દુહાઓ:
તુળજામન મોભા બસ્યો, દિવસે ન દિનકર ઓર,
બ્રહ્મરવિ ઝળકી રહ્યો, નિરખત ઠોર હી ઠોર.
મોભારામનો ગુરુભાવ દાખવતો દુહો :
કછુ ન મોભા પાસે મેં, પારાવાર સદગુરૂ સંત,
અયૈત દરસાયા આપ મેં, જબ સે મીરા અનંત
દુહાના મર્મને સમજવાની ઊંચાઈ તુલજાબાઈ ધરાવતા હશે અન્યથા મોભારામની દુહા કવિતાનો ભાવ પામી ન શકાય. વળી સત્સંગ, શ્રવણ અને સમાજની વિગતો વિશે પણ તુળજાબાઈ તરુણાવસ્થામાં જ સમજણ ધરાવતી હોવાનું અનુમાન પણ એને આધારે કરવાનું બને છે.
સંત મોભારામે તો સ્ત્રીઓ પરત્વેના વૈરાગ્યભાવને પ્રગટાવ્યો છે અને એનાથી દૂર રહેવાનું સૂચવે છે. તે દુહામાં કહે છે કે નારી તો પવન અને દુશ્મન સમાન છે. તે પ્રસન્ન થાય તો પણ વિનાશ નોતરે. આ નારીના મહાજળ વચ્ચે કોઈક જ ઊગરે, કોરોકટ્ટ રહે. નારી સુવર્ણકટારી સમાન છે. એ કલેજાને ચીરી નાખે માટે મોભારામ કહે છે કે ભલે એ પ્રસન્ન કરે પણ તું અંધત્વ ત્યાગીને જાગૃત થા.
તુળજાબાઈએ મોભારામના નારીચિંતનની સામે સવાલ કરતા બે દુહા રચ્યા અને પ્રત્યુત્તર રૂપે પાઠવ્યા એમાંથી તુળજાબાઈનું દર્શન પમાય છે. તુળજા માને છે તે કહેતા કથે છે કે આખું વિશ્વ ના2ીને કારણે ઉત્પન્ન થયું છે.
દેવ, દાનવ કે માનવનું ઉત્પતિસ્થાન પણ નારી જ છે. નારી જો આ વિશ્વમાં ન હોત તો જન્મ ક્યાં લઈ શકાત. જતિ-સતી, શુરવી2, ભક્તો, દાનવીરો કે સંત માનવીઓનું ઉત્પત્તિ-જન્મસ્થળ નારી છે, નારીને કા2ણે જ આ બધાનું નામ વિશ્વમાં છે.
મોભારામ પરત્વે ગુરુભાવ-ભક્તિભાવનાને આલેખતો દુહો પણ તુલજાબાઈએ રચ્યાનું પ્રમાણ દુહા રૂપે મળે છે. એમાં તુળજા કહે છે કે તુળજાના ચિત્તમાં મોભારામે નિવાસ ર્ક્યો છે. સૂર્ય સમાન એનું તેજ છે એટલે બીજું કંઈ કળાતું નથી. બ્રહ્મતેજ પ્રકાશી રહ્યુું છે એને નિરખીને ત્યાં ને ત્યાં સ્તબ્ધ થઈ જવાય છે.
મોભારામે પ્રત્યુત્તર રૂપે પાઠવેલ દુહામાંથી તુળજાને શિષ્યા તરીકે સત્કારીને એમાં રહેલા અધ્યાત્મ ભાવને એ અભિનંદતા જોવા મળે છે. મોભારામ કહે છે કે મોભા પાસે કંઈ જ નથી. સદગુરૂ સંતકૃપા સિવાય એની પાસે કશું જ નથી. તમારામાં અધ્યાત્મરૂપ ગુણસંપતિ દેખાણી છે. જેમ મીરાં અનંતરૂપી સંપત્તિ ધરાવતી હતી. એવું તેજ-તપ તમારામાં છે.
ગુરુ શિષ્યાના આ દુહાઓ ગુરુના નારીદર્શનને શિષ્યા તુળજાબાઈ કેવી રીતે કેવા દૃષ્ટાંતોથી સંમાર્જિત કરે છે. અને નારીની મહત્તા શા માટે છે, એની વિગતોને કા2ણે, તુળજાબાઈના તર્કપૂત પ્રત્યુત્તરને કારણે આ મર્મપૂર્ણ દુહા કવિતા નારીના અધ્યાત્મ ચિત્તની ઊંચાઈ અને ઊંડાઈનો પરિચય કરાવે છે.
આપણ વાંચો: વિશેષઃ એક શહેર-બે મંદિર ને બે નંદીની કથા…