દુહાની દુનિયાઃ દુહામાં નારીકેન્દ્રી તથ્ય ને સત્ય

- ડૉ. બળવંત જાની
દુહામાં એનો રચયિતા માનવજીવનના તથ્ય અને સત્યને નિરૂતતો હોય છે. પોતાને જીવનમાંથી સાંપડેલું રહસ્ય કે તથ્ય આ નિમિત્તે ભાવકને સાંપડતું હોય છે. દુહા એ કારણે માનવ ઘડતર પણ કરે છે. સાવ તુકકા, તરંગ કે નરી કલ્પનાને દુહામાં અવકાશ નથી. દુહા આવા કારણથી સર્વાધિક લોકપ્રિય પણ બન્યા અને વખણાયા પણ ખૂબ. મેં નારીકેન્દ્રી નારી વિષયક જ થોડાં દુહાઓ એકત્ર કરેલા.
મારે અવલોકવું હતું કે નારી બાબતે શું તથ્ય અને સત્ય એમાંથી સાંપડે છે. એમાં પૂર્વગ્રહ છે કે પક્ષપાત એ પણ અવલોકવું હતું. તાટસ્થ્ય જાળવીને દુહામાં નારીકેન્દ્રી ભાવવિશ્વને સ્થાન મળ્યું છે કે નહીં એ અવલોકવું હતું. આવા થોડાં દુહાને આસ્વાદીએ. નારીકેન્દ્રી નિરૂપણ કેવાં તથ્યોનો પરિચય કરાવે છે તે સમજીએ.
નારી ઠમકો દિયે, ચિતનું કંઈ ચાલ્યું નહિ ;
ભોળો ઈ ભીલડીએ, જલધર મોહ્યો જોગડા.
નારીના ઠમકા-લટકાથી ચિત્તનું-મનનું કંઈ ચાલતું નથી. ભીલડીના નૃત્ય ઠમકાથી ભોળાનાથ મોહી પડેલા. જલંધર પણ વૃંદામાં મોહિત થયેલા, જોગડો નામથી ઘણાં દુહા પરંપરામાં પ્રચલિત છે. પોતે જોગી છે પણ એમના મોટાભાગના દુહામાં નારી સંદર્ભ જ સ્થાન પામેલ જોવા મળે છે.
સ્ત્રીનો પ્રભાવ, એનાથી મોહિત થવાનું વલણ અહીં દૃષ્ટિગોચર થાય છે બીજો એક આવો દુહો આસ્વાદીએ.
ત્રિયા નમાવે દેવને, ત્રિયા અપાવે રાજ;
ત્રિયા કુશળ સંસારમાં, ત્રિયા જગતની લાજ.
ત્રિયા એટલે સ્ત્રી-નારી. દેવ જેવા દેવને પણ નારી નમાવે. પરાજિત કરે. સ્ત્રી રાજસુખ અને રાજય પણ અપાવે. આ સંસારમાં સ્ત્રી જ કુશળ છે. સ્ત્રી જ નારી જ જગતની લાજ છે. જગતનું આભૂષણ છે. નારીનો પ્રભાવ અને એનો મહિમા અહીં આલેખાયો છે. એ દાતા છે, એ લાજ-આભુષણ પણ છે. એની મહત્તાને સાચી રીતે અહીં દુહામાં અભિવ્યક્તિ સાંપડી છે. નારીના બીજા એક અનોખા રૂપને પણ દુહામાં સ્થાન મળ્યું છે એનો પરિચય મેળવીએ.
સાજન તુમ મ જાણિયો, વિછડયાં પ્રીત ઘટાય ;
વ્યાપારી કે વ્યાજ જયૂં, વધત વધત વધ જાય.
નારી-સ્ત્રી કહે છે કે હે સાજન-પ્રિયતમ તને ખબર નથી કે વિરહ-દૂરતા પ્રિતને-પ્રેમને ઘટાડનારું પરિબળ છે. વેપારી પાસેથી લીધેલ મૂડીનું વ્યાજ જેમ વધતું વધતું જ 2હે છે. મૂલ લક્ષ્મીથી દૂર નીકળી જાય એમ લાંબા સમયનું અલગપણું દૂરતા વધારે અને સ્નેહ ઘટાડે. નારી ચિત્તના ભાવને આલેખતો એક વિશેષ દુહો અવલોકીએ.
સામેરી સજણ વળાવિયા, તાતી વેળું માંય;
જો સરજી હોત વાદળી,(પિયુને) પલપલ ઢાળત છાંય
સામેરી નામની નાયિકા કહે છે કે મેં મારા સાજણ-પ્રિયજનને વિદાય આપી પણ એમનો પંથ તો રેતાળ રણમાં છે. આવી ઉની-ગરમ વેળુ-રેતીમાં પ્રવાસ કરીને પંથ કાપી રહેલા પ્રિયજનના રસ્તામાં વાદળી રૂપે હું હોત તો ઘડીએ ઘડી-પળેપળ એમની ઉપરા છાંયડાથી એમને ઠંડક આપત અને ગરમીમાં રાહત આપી શકી હોત.
નારીનો-સ્ત્રીનો સમર્પણભાવ, પ્રિયતમની ચિંતા કરવાનું વલણ એ નારીની પ્રકૃતિ છે. એનો પરિચય આ દુહામાંથી મળી રહે છે. નારીકેન્દ્રી દુહા-નારીના સ્વભાવનો અને નારીના પ્રભાવનો એમ સર્વાંગીપણે પરિચય કરાવે છે. નારીનું વ્યક્તિત્વ કેવી ઊંચાઈ, કેટલી ઊંડાઈ અને કેવા પ્રકારની વ્યાપક્તા ધરાવે છે એના તથ્યને નિર્દેશતા આ દુહાઓ ભારતીય નારી પ્રતિભાના-માતૃશક્તિના દ્યોતક છે.
આપણ વાંચો: આચમનઃ એક માત્ર ઈશ્વર જ માન-અપમાનથી પર: નમ્રતાવાલા હી પ્રભુ કો પાતા હૈ!