દુહાની દુનિયાઃ દુહામાં જીવનબોધ

- ડૉ. બળવંત જાની
દુહામાંથી નીતરતો ભાવબોધ સનાતન સત્યને ઉજાગર કરતો હોય છે, દુહાના બે પંક્તિના ચાર ચરણમાં પત્યેક ચરણ સુત્રાત્મક રીતે માનવ-જીવનનાં રહસ્યોને અભિવ્યક્તિ અર્પતા હોઈને એમાં સહુ કોઈને રસ પડતો હોય છે. લાઘવ દ્વારા એ યાદગાર પણ બની રહે છે. કંઠમાં કોરાઈ જાય છે. યાદ રહી જાય છે.
દુહાના મૂળમાં રહેલો આવો લાઘવપૂર્ણ ભાવબોધ-જીવનબોધ અને સર્વાધિક લોકપિય બનાવનારું પરિબળ છે; ભાષાનું સૌંદર્ય, ભાવબોધને અનુસંગે થોડામાં ઘણું સૂત્રાત્મક રીતે કથતા થોડાં દુહા આસ્વાદીએ.
મોહ અને માયાને વ્યાખ્યાયિત કરવા ઘણાં કપરા છે એના ઉપર ગ્રંથો લખાયા છે અને શાસ્ત્રો રુંધાયા છે. પણ માયાની દુહા રચયિતાએ ઓળખ કરાવતા ગાયું કે
માયા બડી મોહિની, જેના લાંબા ગાળા;
સાંગો કે સલવાણા, કંઈક ચડયા ને કંઈક પાળા
માયા બહુ મોટી મોહક-મોહ જન્માનારી છે એની લંબાઈ ખૂબ છે એનું માપ-ગાળો ભારે લાંબો છે. સાંગાનામનો સન્મિત્ર કહે છે કે આમાં કંઈ કેટલાય ચડી ગયા અને કંઈક પાળા-સાધુ-બની ગયા. મોહનું બીજું નામ જ માયા છે જેનો પાર પામી શકાતું નથી એમાં સલવાણા અર્થાત ફસાયા એટલે પછી બલિદાન સિવાય કશું નથી હોતું, ચડી જવું, હોમાય જવું અને નિ2ાશ થઈ પાળા. નિરર્થકતા માની સાધુ થઈ જવું. માયામાં ન ફસાવાનું આડકતરું સૂચન છે.
પરણેલને મેલે પતિ, રાખે જઈને રખાત;
(તેને)ભૂંડી થાશે ભાત્ય, પોકારીને પાલો ભણે.
કોઈ પતિ પોતાની પરણેતરને અર્થાત્ પત્નીને છોડીને ઉપપત્ની-રખાત-રાખતો હોય છે તેનું ભૂંડું અહિત જ થવાનું છે. પાલરવભા પાલિયા નામના ચારણ આવું પોકારી-બૂમ પાડીને કહે છે.
પત્ની પતિવ્રતા હોય એમ પતિએ પણ પત્નીવ્રતા બનવાનું સદાચારી પણુ દાખવવા પાલરવભા પાલિયા નામના ગઢવી ચારણના દુહા ખૂબ પખ્યાત છે એમણે શામળા નામ છાપથી પણ દુહાઓ રચેલા છે. કેટલાક દુહા પાલો નામથી વર્ણસચાઈ વિનિયોગવા કહ્યા છે એવું જણાયું છે. અહીં પોકારીનો પાસ પાલા સાથે મળે છે અને દુહાનું બંધારણ પણ સચવાય છે.
થાંભા થડકે, ઘર હસે, ખેલણ લાગી ખાટ;
સાજન આયા હે સખી, જેની જોતાં વાટ.
પિયતમની રાહ જોવાતી હોય અને એનું આગમન થાય એટલે ઘરની થાંભલીઓ થડકવા-ધ્રૂજવા-લાગે આખું ઘર હસતું હોય એમ અનુભવાય અને હિંડોળા ખાટ હીંચવા-ખેલવા લાગે. હે સખી મારો પિયતમ સાજન આવે ત્યારે આવું વાતાવરણ નિર્માણ થતું હોય છે. વાટ જોતા હોઈએ અર્થાત્ રાહ જોતા હોઈએ એના આગમનથી આસપાસનું વાતાવરણ પણ ચેતનવંતુ બનીને પસન્નતાની ક્ષીણને જીવંત બનાવી દેતુ ચિત અનુભવતું હોય એનો નિર્દેશ અહીં દુહામાં કરાયો છે.
બીજા એક દુહામાં સાજણ અર્થાત્ પિયતમને ઉદેશીને કહેવાયેલા સત્યને પણ આસ્વાદીએ.
સાજણ વીસર્યાં ન વીસરે, જેથી બાંધ્યો નેહ;
પળ પળ હૈયે સાંભરે, જેમ બપૈયો મેહ.
સાજણ અર્થાત્ પિયતમને ભૂલ્યો ભુલાતો નથી. જેમની સાથે નેહ-સ્નેહ-બંધાયો-થયો હોય એ ક્ષણ-ક્ષણ ચિત્તમાં-હૃદયમાં સાંભરતો રહે છે, જે રીતે બપૈયા નામનું પંખી મેહ અર્થાત્ વરસાદ સાથે અવિનાભાવ સંબંધથી સંકળાયેલ છે એવું જ પેમિકાનું પેમીજન સાથેનું જોડાણ હોય છે.
આવા સનાતન સત્યોને, જીવન બોધલક્ષી ભાવબોધને આલેખતા દુહાઓ એની સુત્રાત્મક અભિવ્યક્તિ, લાઘવપણું અને શબ્દચયનના માધુર્યથી માનવ હૈયામાં કાયમની જકડાઈ-જડાઈ જતા હોય છે. દુહાઓ આવા કારણથી માનવહૈયામાં કાયમી સ્થાન પામી જતા હોય છે.
આપણ વાંચો: ચિંતનઃ મન ને વાણીના વિસ્તારથી દૂર…



