દુહાની દુનિયાઃ મૂલ્યોની માવજત કરતા દુહા… | મુંબઈ સમાચાર
ધર્મતેજ

દુહાની દુનિયાઃ મૂલ્યોની માવજત કરતા દુહા…

  • ડૉ. બળવંત જાની

દુહા લખાયેલા હોય છે કોઈ પ્રસંગ સંદર્ભે, કોઈને ઉદેશીને, પણ એની અભિવ્યક્તિની કક્ષ્ાા સર્વકાલીન અને સર્વજનીન હોય છે. દુહાની આ વિશિષ્ટતા એને કાયમી જીવતું રાખનાર પરિબળ છે. આશાજી રોહડિયાએ દાદવા પઠાણની સેવા, સમર્પણ અને નિસ્વાર્થવૃત્તિની દાનકર્મશીલ ભાવનાથી અભિભૂત થઈને રચેલા દુહાઓ આજે પણ પ્રસ્તુત જણાય છે.

પોતે મુસ્લિમ હોઈ દેવીપુત્ર ચારણ આશાજી અને ઈસરદાસનું આતિથ્ય કરવાનું ટાણું સહજ રીતે પ્રાપ્ત થયું એનો આનંદ અનુભવીને મોઢામોઢ મેળાપ ક2તો નથી. એને મનમાં એવું હતું કે મુસ્લિીમ છું એવી ખબર પડશે. તો આતિથ્ય ક2વાનો સહજ લાભ મળ્યો છે એ છીનવાઈ જશે. આવા નિહિત ભયથી સેવારત રહે છે. છેલ્લે આશાજીને ખબર પડી જાય છે કે આવા આશયથી દાદુખાન પઠાણ મળ્યો નહોતો. એવું જાણીને એમણે રચેલ દુહો જોઈએ.

લોભીને લાખું તણાં, દેતો કરણ દાન;
તે દી પણધારી પઠાણ, દેશમાં નોતો દાદવા.

હે દાદવા પઠાણ તારી પ્રતિજ્ઞા, જ્ઞાનવૃત્તિનું અસ્તિત્વ ન હતું ત્યારે દાનેશ્વ2ી કર્ણ લાખોનું દાન માગણહાર લોભીઓને કરતો. તું ત્યારે હોત તો જુદી અવસ્થિતિ હોત.

ચારણકવિ માત્ર દુહાઓ નથી રચતા પણ દુહાના માધ્યમથી સ્થાપિત અને સ્વીકૃત પ્રસંગ કે ઘટનાને પોતીકું આગવું પરિમાણ અર્પીને નૂતન અર્થઘટન કરે છે. કર્ણ પાસે માગવા આવેલ કંઈ દરિદ્ર ન્હોતાં. તેઓ પોતાના સ્વાર્થને વશ થઈને વિશેષ પ્રાપ્તિ માટે કશુંક મેળવવા આવતા. એટલે લોભીવૃત્તિના માગણ વ્યક્તિને કરણ લાખોનું દાન કરતો અને દાનેશ્વરી ગણાયો.

પણ હે દાદવા તું તો સહજભાવે દાનશીલ વૃત્તિ દાખવે છે અને જયાં આવશ્યક્તા જણાઈ ત્યાં અર્પણ-સમર્પણ કરે છે. કર્ણ પરત્વેના આશાજીના અર્થઘટનો આજે અવલોક્તા ભારે તાર્કિક જણાય છે. કર્ણ વિશેનું એક બીજું આગવું અર્થઘટન પ્રસ્તુત કરતો દુહો પણ આસ્વાદીએ.

વરણ ન કવરણ હોય, (મર) ક્વરણ ઘર ઉછર્યો કરણ ;
કોયલ કસદ ન હોય, (મર) દસદે પાળી દાદવા
.

કોઈપણ વર્ણ-જ્ઞાતિ ખરાબ કે નિમ્ન હોતી નથી. ભલે નિમ્ન, નીચલા વર્ણમાં-સમાજમાં એનો ઉછેર થયો જેમ કોયલનો ભલે કાગડા દ્વારા, એની પાસે ઉછેર થયો હોય છતાં કોયલની વાણી, વ્યવહાર, વર્તન અને અવાજ બદલાતા નથી. એમ હે દાદવા તું ભલે ઈતર જ્ઞાતિ, જાતિના ઘેર જન્મ્યો, ઉછેર પામ્યો, પણ તારા સંસ્કાર, તારી વૃત્તિ મહત્ત્વની છે.

દુહાઓ સમરસ સમાજ, સમભાવશીલ વ્યવહા2 અને ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોને ઉજ્જવળ બનાવનારા અને એનો મહિમા પ્રસ્તુત કરનારા જણાયા છે. બીજા એક દુહામાં સચ્ચાઈ અને મૂલ્યનિષ્ઠ વ્યવહારની મહત્તા મોતિયા નામના સેવકને ઉદેશીને ગાઈ છે તેને સમજીએ-માણીએ.

બોલે સાચા બોલ, કાચી ના યાદી કરે;
એ માણસનો તોલ, મેરુ પરમાણે મોતિયા.

જે કોઈ માણસ સત્યવક્તા હોય, અને ખોટી રીતે કોઈની ખુશામત ન કરે એવા માણસનું મૂલ્ય મેરુપર્વત પ્રમાણે માનવાનું હોય. માતીયા નામછાપથી મળતા દુહા મોતિયા નામના સેવક અને સન્મિત્ર સમાન એક વ્યક્તિને ઉદેશીને કહેવાયાનું જયમલ્લભાઈ પરમારે મને એમની સાથેની વાતચીતમાં કહેલું. જે રીતે મેરુ પર્વત અડગ છે અને અખંડ છે એમ આવા અખંડ અને અટલ અચલ-અડગ માનવીનો મહિમા દુહા નિમિતે ગાયો જણાય છે. બીજા એક દુહો પણ આસ્વાદીએ.

રાત દિવસ જો રામ, પઢીએ આઠે પહોર;
તારે કુટુંબ તમામ, મટે ચોરાશી મોતિયા.

રાત દિવસ એટલે કે રાત્રીના અને દિવસના મળીને આઠે પ્રહર. ચોવીશ કલાક઼ અહીં આપણી ભારતીય કાલગણના, સમયસંકલના નિરૂપાઈ છે. ઘડી, પળ અને પ્રહર. આવા આઠેય પ્રહર, અહર્નિશ, દિવસ-રાત રામભજન, રામજાપ કરતા હોય અને પોતે સ્વયં તો ખરા જ પણ એનું આખું કુટુંબ મોક્ષ પામે અને ચોર્યાશીના ફેરામાંથી મુક્તિ મેળવે.

દુહાઓના માધ્યમથી રામભક્તિનો મહિમા અહીં આલેખાયો છે. મૂલ્યનિષ્ઠા, નામજાપ, પવિત્રજીવન ગાળવાનું ઉપદેશીને ભારતીય મૂલ્યોની માવજત કરતા આવા દુહાઓ આપણી ભાષાનું આભરણ-આભુષણ છે.

આપણ વાંચો:  ચિંતનઃ શ્રદ્ધા ને બુદ્ધિ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button