માનસ મંથનઃ જગતને હવે ઉદ્ધારક કે સુધારકની જરૂર નથી- જરૂર છે કોઈ સ્વીકારકની | મુંબઈ સમાચાર
ધર્મતેજ

માનસ મંથનઃ જગતને હવે ઉદ્ધારક કે સુધારકની જરૂર નથી- જરૂર છે કોઈ સ્વીકારકની

મોરારિબાપુ

બાપ! જિસસ ક્રાઈસ્ટની એ વાત જાણીતી છે કે એક સ્ત્રીએ કોઈ ભૂલ કરી હશે અને જે તે સમયના ધર્મના કોઈ કઠોર નિયમને કારણે બધા એને પથ્થર મારી રહ્યા હતા, પીટી રહ્યા હતા કે તું આવી છે, પતિત છે! અહલ્યાને સમાજ જ પેદા કરે છે અને પેદા કરી અને સમાજ ભાગી જાય છે ત્યારે કોઈ રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્ર આવે છે અને ઉદ્ધારક બને છે. સમાજમાં સુધારક ઘણા છે; ઉદ્ધારક પણ ઘણા છે; અરે! વિચારકોનો પણ તૂટો નથી! હવે સમાજને સ્વીકારક જોઈએ છીએ; જેવા પણ હોય એનો સ્વીકાર કરવો.

મારો કહેવાનો મતલબ છે કે સમાજને સ્વીકારકની જરૂર છે. હું કોઈ ધર્મનું નામ ન લઉ પરંતુ તથાકથિત ધર્મો મૂળમાં ખૂબ જ આક્રમક છે! હવે કોઈ નવું ધર્મજગત લાવવું જોઈએ. હવે કોઈ નવા મઝહબ અને મહોબ્બત જોઈએ.

વિશ્વને જોઈએ પ્રેમધર્મ, સત્યધર્મ, કરુણાધર્મ. કેટલા બધા તથા કથિત ધર્મોની આક્રમક દુનિયા તો જુઓ! જીવતા સળગાવી દેવામાં આવે! કાપીને હોમી દેવામાં આવે! શું તમાશો છે આ બધો! શું આ તંદુરસ્ત જગતનો પરિચય છે? જો હોય તો એવું જગત મારી સામેથી હટાવી દો! અને તમે જ્યારે પ્રસન્ન થઈને આનંદપૂર્વક ધર્મનું નિર્વાહન કરો છો એ દુનિયાને માફક નથી આવતું! તેથી દુનિયા પરેશાન કરશે તમને.

તો એ વખતનો નિયમ હતો કે એવી કોઈ નારી હોય તો એને બધા પથ્થર મારે એટલે ટોળાંએ કહ્યું કે બધા પથ્થર મારો! એમાં જિસસ ક્રાઈસ્ટ ત્યાંથી નીકળ્યા તો બધાએ એમને પકડ્યા કે આપ તો ધર્મનો નિયમ જાણો છો કે આવી સ્ત્રી હોય એને પથ્થરથી મારવામાં આવે. આપ શું કરશો?

હવે જિસસ જો એમ કહે કે હું પથ્થર નહીં મારું તો એમણે ધર્મ સિદ્ધાંત તોડ્યો ગણાય અને પથ્થર મારે તો એમની કરુણા ખંડિત થઈ જાય. શું કરવું? તો એ વખતે જિસસે બહુ ચતુરાઈથી નિર્ણય કર્યો… જિસસે કહ્યું કે પથ્થર કોઈ પણ મારી શકે છે; ધર્મનો નિયમ છે. મારો એને; એવી જ સ્ત્રી છે તો મારો, પરંતુ જેમણે જીવનમાં ક્યારેય કશું પાપ ન કર્યું હોય એ હાથમાં પથ્થર ઉઠાવે.

કહેવાય છે કે બધાએ પોતાના હાથમાં પથ્થર રાખ્યા હતા, પણ જિસસની વાત સાંભળી બધા ભાગી ગયા!. કેમ કે સૌએ કોઈને કોઈ પાપ તો કર્યા જ છે! મનોજભાઈ ખંડેરીયા સમક્ષ જ્યારે એ વાત આવી કે કોઈએ પાપ ન કર્યું હોય ને જે સાચા હોય એ પથ્થર મારે, તો મનોજભાઈએ ગઝલનો શેર કહ્યો કે- ક્યારેય પાપ જેવું કશું પણ કર્યું નથી, એથી જ થોડો પથ્થર ઉપાડિયે?

કવિએ કહ્યું કે હું ત્યાં હોત તો મારી સારપ કે મારી સચ્ચાઈ સિદ્ધ કરવા માટે પણ હું હાથમાં પથ્થર ન ઉઠાવું. સચ્ચાઈ સાબિત કરવા માટે હું કોઈ પર પથ્થર ન ફેંકુ… આ વિચાર નવો છે. મારે રામેશ્વરમની આ કથામાં આપને એક વાત કહેવી છે.

જિસસને જ્યારે શૂળી મળી ત્યારે જિસસનું એક વાક્ય છે કે હે પરમાત્મા, હે મારા પિતા, એને માફ કરી દેજો. કેમ કે એ જાણતા નથી કે એ શું કરી રહ્યા છે! જિસસનું એ આખરી વાક્ય હતું. મારે એમ કહેવું છે કે હે મારા ઠાકોર, એને માફ કરી દેજે કેમકે એ જાણે છે કે એ શું કરી રહ્યા છે!

They know what they are doing. મારે એ કહેવું છે. મહાદેવના આશ્રયમાં હવે સૂત્ર બદલવું જોઈએ. એમને માફ કરી દેજો, એવો જાણે છે કે એ શું કરી રહ્યા છે. છોડો એને. કાલથી મારા મગજમાં આ ઘૂમી રહ્યું હતું. મારા દિલમાંથી ઉઠે પછી એને હું રોકું નહીં; કમસેકમ બોલી તો નાખું, પછી વાદળ જાણે અને વસુંધરા જાણે! આપણે બીજ તો વાવી દઈએ.

કેટલીક વાતોને સમય લાગે છે. એક યુવક ઝવેરી પાસે ગયો અને એને કહ્યું કે આપ હીરાના- ઝવેરાતના બહુ મોટા જાણકાર છો, તો મને હીરા પરખવાની રીત જણાવો કે હીરાની પરખ કઈ રીતે કરી શકાય? ઝવેરી ચતુર શિરોમણિ હતો. એણે યુવકના હાથમાં એક હીરો આપ્યો. પછી કહ્યું, મુઠ્ઠી બંધ કર. પેલા એ મુઠ્ઠી બંધ કરી દીધી. ઝવેરીએ કહ્યું, એક વર્ષ સુધી મુઠ્ઠી ખોલતો નહીં. સુવા જાઓ, દોડો, જાગો, ચાલો પણ મુઠ્ઠી ખોલતો નહીં. આ ટ્રેનિંગ છે.

હીરાની પરખ કરવી હોય તો એક વર્ષ મુઠ્ઠીમાં હીરાને પકડી રાખો. યુવકને થયું કે આ તો બહુ આકરી શરત છે, પરંતુ તેને મુઠ્ઠીમાં એક વર્ષ સુધી હીરો રાખી મુક્યો. એક વર્ષ પછી ઝવેરી પાસે જઈ હીરો પાછો આપ્યો..બસ હવે મને બતાવો કે હીરાની પરખ કેવી રીતે કરી શકાય? યુવક કંઈ સમજે એ પહેલા ઝવેરીએ બીજો હીરો પકડાવી દીધો !. પેલા એ કહ્યું હદ છે ! હવે હદ થાય છે ! ઝવેરી એ કહ્યું, હીરો પકડતો ખરો ! યુવકે હીરો પકડ્યો અને કહ્યું આ હીરો ક્યાં છે? ઝવેરીએ કહ્યું, તું એક વર્ષમાં જાણવાનું શીખી ગયો. હવે હાથમાં આવતા જ તને ખબર પડી ગઈ કે આ હીરો નથી, પરંતુ કાચ છે!

તો મારો કહેવાનો મતલબ છે કે થોડું તપ જોઈએ, થોડું ધૈર્ય જોઈએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય છે. પરંતુ આપણું સત્ય સિદ્ધ કરવા માટે પણ કોઈને પથ્થર ન મારવા જોઈએ, એ મનોજ ખંડેરિયાનો વિચાર મને બહુ સારો લાગે છે. આ રામેશ્વરની ભૂમિ પર હું કહેવા માગું છું કે હે પરમાત્મા, એને માફ કરી દેજે; એને ખબર છે કે એ શું કરી રહ્યા છે! મારા યુવાન શ્રોતાઓ સમાજમાં સેતુ બનાવે અને સ્વીકારક બને.
-સંકલન: જયદેવ માંકડ

આ પણ વાંચો…માનસ મંથનઃ મન એક રોગ છે, જો મન ન હોય તો ઘણીબધી બીમારીઓનો ઉદ્ભવ જ ન થાય

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button