માનસ મંથનઃ રામને ભુલાવે નહીં તેવો કામ જગતના સંચાલન માટે જરૂરી છે | મુંબઈ સમાચાર
ધર્મતેજ

માનસ મંથનઃ રામને ભુલાવે નહીં તેવો કામ જગતના સંચાલન માટે જરૂરી છે

  • મોરારિબાપુ

બાપ! `રામચરિતમાનસ’ સંવાદનો ગ્રંથ છે. વિવાદ, દુર્વાદ, અપવાદને ક્યાંય ગોસ્વામીજી સ્પર્શ કરતા નથી. બધી સંવાદી કથા એમણે સ્વીકારી છે. ધર્મ, સભ્યતા, પરંપરા, સંસ્કૃતિ એનાં જતન માટે અહીં શબ્દો લખાયા છે.

આલોચનાના શબ્દો નથી. `રામાયણ’ આલોચનાનો ગ્રંથ નથી, સુલોચનાનો ગ્રંથ છે. ભૂલ નહીં કરતા. રામકથા એ આલોચનાનું શાસ્ત્ર છે જ નહીં. આપણે એને સમજ્યા વિના આલોચના કરીએ તો એ વાત જુદી છે.

`રામાયણ’માં કામની ટીકા નથી, કારણ કામ વગર જગત ચાલી શકે નહીં. કામને બાળીનેયે શંકરને કામદેવને જગતમાં રાખવો પડ્યો છે. નહિતર ઈશ્વરની સૃષ્ટિ ત્યાં જ ઠપ્પ થઈ જાત. ગીતાએ પણ સ્વીકાર્યું છે કે ધર્મ વિદ્ધ ન હોય તેવો કામ મારી વિભૂતિ છે. જે કામ ધર્મ વિરુદ્ધ છે એનો અસ્વીકાર છે. પણ જે ધર્મ અવિરુદ્ધ છે કામ, જે ધર્મની સાથે સુસંગત છે એને સ્વીકાર્યો છે, કારણ નહિતર તો આ જગત ચાલે કેમ? કામ કૃષ્ણનો દીકરો છે. કોઈનો દીકરો આપણને હેરાન કરતો હોય તો એના બાપને આપણે કહી દઈએ કે, તમારો દીકરો, અમે કંઈ બોલતાં નથી, છતાં અમને બહુ હેરાન કરે છે. અમને કોઈ ઈચ્છા નથી, અમે શાંત છીએ, પણ આ કામરૂપી તમારો છોકરો અમને બહુ હેરાન કરે છે, ત્રાસ આપે છે. તમને કામ સતાવે, વાસના સતાવે તો કૃષ્ણાશ્રય કરો. કૃષ્ણ કામને રોકશે; કારણ કામદેવ કૃષ્ણતનય છે.
जब जदुबंस कृष्न अवतारा ।
होइहि हरन महा महिभारा ॥
कृष्ण तनय होइहि पति तोरा ।
बचनु अन्यथा होइ न मोरा ॥

જુઓ બાપ, ભાગવતજીમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ ભાવ તમારા મનમાં જાગે એ તમારા પ્રભુમાં વાળો તો દોષ નથી. બીજી જગ્યાએ ન વાળો, કામભાવ જાગે; ઈષ્ટ તરફ વાળો, ક્રોધભાવ જાગે; ઈષ્ટ તરફ વાળો, સ્નેહભાવ જાગે; ઈષ્ટ તરફ વાળો. અનિષ્ટ તત્ત્વમાં વૃત્તિઓ જાય છે એટલે બંધન છે. યજ્ઞકર્મ કોઈપણ કરો કોઈ બંધન નથી. પણ એ સિવાયનાં કર્મ બંધનરૂપ છે. ઈશ્વરમાં કોઈપણ ભાવથી જવું તે ઈશ્વરરૂપી અગ્નિમાં આહુતિ છે. બાકીનાં બધાં જ કર્મ બંધનરૂપ છે.

‘लोकाड्यं कर्मबन्धनः’ યજ્ઞભાવથી એ કર્મ કરો તો કોઈ ચિંતા નથી. અર્જુનને એ જ કહ્યું છે કે આસક્તિ છોડીને સમાચર. તું કામ કરતો રહે તને કોઈ બંધન નથી બાકી લોકભાવથી કરીશ તો બંધન છે. જટાયુ એટલા મહાન છે,એણે યજ્ઞભાવથી કાર્ય કર્યું છે. એને કોઈ આસક્તિ નથી. વચ્ચે પડ્યા પણ કંઈ લેવું નથી. યજ્ઞકર્મ કર્યું છે એટલે કોઈ બંધન નથી. ઈશ્વરમાં ભાવ લગાડો.

શુકદેવજીને પ્રશ્ન કર્યો છે પરીક્ષિતે કે `મહારાજ,ગોપીઓ બધી જારભાવથી કૃષ્ણ પાસે ગઈ હતી. આ મગજમાં બેસતું નથી એ કેમ? જવાબમાં શુકદેવજી બોલ્યા છે. कामम्‌‍ क्रोधम्‌‍ भयम्‌‍ स्त्रेहम्‌‍ एक्यम्‌‍ सौहार्द मेवच। તમારામાં કામ છે તો તમે ભગવાનમાં ભળી જાવ. એનામાં શક્તિ છે કામને રામમાં મેળવી દેવાની. તમારો જે ભાવ હોય તે તમારા ઈષ્ટમાં વાળો. આપણી વૃત્તિઓ ત્યારે જ ખરાબ છે જ્યારે એ અનિષ્ટ તરફ વળે છે.

`રામાયણ’ એક સંપૂર્ણ શાસ્ત્ર છે, તેથી એમાં બધા જ વિષયો આવે. એમાં ગણિકાયે આવે,. અપ્સરા, ગંધર્વો પણ આવે. પણ બધું મર્યાદામાં હશે. એની જગ્યાએ સંસ્કૃત વાંગ્મય લ્યો, તમારી બુદ્ધિ કેટલાએ તર્કો કરશે. કેટલાયે તર્કો ઊભા કરશે.

રામરાજ્યાભિષેકનો સમય થયો ત્યારે સુમંતને માતાજીઓ તરફથી આદેશ થયો છે કે નગરની સુંદર સ્ત્રીઓને શણગાર સજીને આ પ્રસંગે નૃત્ય કરવા માટે અહીં લાવો. આમ અહીં બધાનો સ્વીકાર છે. ગણિકા, અજામિલ, ગીધ આ બધાની સ્વીકૃતિ `રામાયણ’ એ આપી છે. કોઈ મકાન સંપૂર્ણ હોય તો એમાં ડ્રોઈંગરૂમ, બેડરૂમ, ટોઇલેટ, કિચન વગેરે હશે. એટલે આપણા વાંગ્મય સંપૂર્ણ હોઈ, બધાનો બહુ બુદ્ધિપૂર્વક અને સમ્યકબુદ્ધિથી એમણે વિચાર કર્યો છે. કહેવાનો મારો અર્થ, ધર્મથી વિદ્ધ ન હોય એવો કામ પ્રભુની વિભૂતિ છે. રામને ભુલાવે નહીં એવો કામ જગતના સંચાલન માટે જરૂરી છે.

`રામચરિતમાનસ’નું સમાપન કરતાં ગોસ્વમીજીએ અંતમાં કહ્યું છે-
कामिहि नारि पिआरी जिमि लोभिहि प्रिय जिमि दाम।
तिमि रघुनाथ निरंतर प्रिय लागहु मोहि राम।

જેમ કામીને સ્ત્રી વહાલી લાગે, એમ હે પ્રભુ, તું મને વહાલો લાગ. `રામાયણ’ પૂરૂં કરતી વખતે તમારા મોઢામાં આ નારી અને કામ શબ્દો કેમ આવ્યા ? ગોસ્વામીજી કહે છે કે કામીને સ્ત્રી વહાલી લાગે છે, પણ નિરંતર વહાલી લાગતી નથી. અમુક સમય વહાલી લાગે, પણ હંમેશાં નથી લાગતી અને પુષને સ્ત્રી વહાલી છે, પરંતુ સ્ત્રીને પુષ હંમેશાં પ્રિય છે કે કેમ તે કહેવું કઠિન છે. હોય પણ, અને ન પણ હોય.

હું ને તમે પૈસાને પ્રેમ કરીએ છીએ. કોઈ ગેરંટી છે કે પૈસા આપણને પ્રેમ કરે છે ? એ પૈસા તમે પાંચ વર્ષ માટે ફીક્ષમાં મુકો તો ડબલ થાય એવી ગેરંટી છે. પણ એ પાકેલા પૈસા તમને પ્રેમ કરશે એની ગેરંટી છે ? પૈસા તમારા ખીસામાંથી પડી ને બીજા પાસે જતા રહે, તો એ પૈસા એમ નથી કહેતા કે મને તમારા પર પ્રેમ છે, તમને છોડીને નહીં જાઉં. એ બીજાને પ્રેમ કરવા લાગશે. આપણી પાસેથી રૂપિયો જતો રહે છે તો આપણે રડીએ છીએ, પણ રૂપિયો રડે છે કે અરેરે, હું તને મૂકીને જાઉં છું તો મને ક્યાંય નહીં ગમે ! એવું થાય છે કયાંય?

તુલસીજી કહે છે, મહારાજ, કામીને નારી નિરંતર વહાલી લાગતી નથી, અમુક સમય જ લાગે છે. જયારે મને તો તું નિરંતર વહાલો લાગ. ઊંઘમાં પણ વહાલો લાગ. અને એ પણ અમારે તને પ્રેમ કરવો છે, તું અમને કરે કે નહીં એ તું જાણે! તારી પ્રતિષ્ઠા સાચવવી હોય તે પ્રમાણે રહેજે, બાકી અમે તને પ્રીત કરીએ છીએ. વ્રજાંગનાઓ કૃષ્ણને શું કહે છે? એની એક જ વાત, કૃષ્ણ તું અમને પ્રિય છે, અમને ખબર નથી અમે કેવાં છીએ, શું છીએ એ નહીં જોતો. તું અમને પ્રિય છો એ અમે જાણીએ છીએ.

તો, `રામચરિતમાનસ’ પૂરૂં થાય છે ત્યારે ગોસ્વામીજી કામને અને નારીને યાદ કરે છે ! તુલસીદાસજીની સમકાલીન પરિસ્થિતિએ પણ એમની કલમને ધક્કો માર્યો છે, જેથી અમુક પ્રસંગ અમુક રીતે મુક્યો છે. શાસ્ત્રોએ ધર્મવિદ્ધ કામની આલોચના કરી છે, પણ ધર્મસંગત કામની નથી કરી. બરાબર સમજશો, તમારી સાથે ઘરમાં બેસીને ચર્ચા કરી રહ્યો છું. હું ક્યાં અર્થમાં કહું છું તે ન સમજાય તો મારી સાથે રૂબરૂ ચર્ચા પણ કરી શકો છો. ધર્મવિદ્ધ કામ નિંદનીય છે, ધર્માંનુંફૂલ હોય તો એ જગતની વ્યવસ્થાનું સાધન છે.

  • સંકલન: જયદેવ માંકડ

આપણ વાંચો:  દુહાની દુનિયાઃ દુહામાં નારીકેન્દ્રી તથ્ય ને સત્ય

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button