વિશેષઃ એક શહેર-બે મંદિર ને બે નંદીની કથા… | મુંબઈ સમાચાર

વિશેષઃ એક શહેર-બે મંદિર ને બે નંદીની કથા…

  • રાજેશ યાજ્ઞિક

શ્રાવણનો પવિત્ર માસ હોય ત્યારે શિવજીની ભક્તિ તો થાય જ, પરંતુ શિવજીના વાહન નંદીની વાત ન કરીએ તો કેમ ચાલે? ભારતમાં મહાદેવના સેંકડો નહીં, પરંતુ હજારો મંદિરો છે. બધાજ મંદિરો ભોળાનાથના નામથી જ ઓળખાય છે. જોકે, દેશમાં એક શહેર એવું છે, જ્યાં બે મંદિરો શિવજીનાં નહિ, પણ તેમના વાહન નંદીના નામથી ઓળખાય છે, અને તેમની પૂજા પણ થાય છે.

એક એવું મંદિર જ્યાં નંદી સ્વયં શિવજીનો અભિષેક કરે છે. બેંગલૂરુ શહેરમાં મલ્લેશ્વરમ લેઆઉટમાં એક ટેમ્પલ સ્ટ્રીટ આવેલી છે. તેમાં સ્થિત એક મંદિર શ્રી દક્ષિણામુખ નંદી તીર્થ કલ્યાણી ક્ષેત્ર નામે ઓળખાય છે. આ મંદિરની સૌથી ખાસ વાત નંદીની મૂર્તિ છે, જેના મુખમાંથી સતત પાણી વહેતું રહે છે, જેની ધારા સીધી મહાદેવના લિંગ ઉપર અભિષેક કરે છે.
કહેવાય છે કે, આજ સુધી કોઈ જાણી શક્યું નથી કે નંદીના મુખમાંથી પાણી કેવી રીતે સતત વહેતું રહે છે. મંદિરને નંદી તીર્થ, નંદીશ્વર તીર્થ, બસવ તીર્થ અથવા સ્થાનિક ભાષામાં ફક્ત મલ્લેશ્વરમ નંદી ગુડી તરીકે પણ ઓળખવામાં આવે છે.

મંદિરના મુખ્ય દેવતા સ્વાભાવિકપણે શિવજી છે. પણ આ મંદિરનું કેન્દ્રબિંદુ એક અનોખા નંદી છે, જે દક્ષિણ દિશા તરફ મુખ કરીને બિરાજમાન છે, જે સામાન્ય રીતે ભારતીય મંદિરોમાં પૂર્વાભિમુખ કે પશ્ચિમાભિમુખ જોવા મળે છે. તેથી અહીંની ભાષામાં તેને ‘દક્ષિણામુકા નંદી’ (‘દક્ષિણમુખી નંદી) કહેવાય છે અને તે નામથી આ મંદિર પ્રસિદ્ધ થયું.

એવું માનવામાં આવે છે કે આ મંદિર લગભગ 400 વર્ષ પુરાતન છે. મંદિર જે સ્થાન પર છે, તે જમીન બાકીના વિસ્તાર કરતા નીચાણવાળા વિસ્તારમાં હોવાથી કાળક્રમે ઉપેક્ષાને કારણે તે જમીનમાં દટાઈ ગયું હોવાનું મનાય છે. ઉપરાંત, આ મંદિર દક્ષિણના અન્ય ભવ્ય મંદિરોની જેમ ગોપુરમ સહિત શિખરબદ્ધ ન હોવાથી પણ તેને અદ્રશ્ય થતા વાર ન લાગી.

કહેવાય છે કે 1997માં આ સ્થળની જમીનને રહેઠાણ માટે ઉપલબ્ધ કરાવવા ખોદકામ કરવામાં આવ્યું ત્યારે તે ફરીથી ઉજાગર થયું. દક્ષિણના ઐતિહાસિક મંદિરોની તુલનામાં પ્રમાણમાં નાનું અને સ્થાપત્યની દ્રષ્ટિએ આકર્ષક ન હોવા છતાં, નંદીના મુખમાંથી શિવજીને થતો અભિષેક ભક્તોમાં વિશેષ આકર્ષણ ઊભું કરે છે.

એક એવું મંદિર જ્યાં નંદી સ્વયં પૂજાય છે.
બેંગલૂરુમાં જ નંદીનું બીજું એક મંદિર પણ અદ્ભુત છે. અદ્ભુત, બે કારણોથી; એક તો આ મંદિર નંદીને જ સમર્પિત છે, અને બીજું કે આ નંદીની પ્રતિમા અત્યંત વિશાળ છે. સ્થાનિક ભાષામાં ડોડ્ડા બસવાના ગુડી તરીકે ઓળખાતું આ મંદિર લોકોમાં નંદી મંદિર તરીકે પ્રખ્યાત છે.

દક્ષિણ બેંગલૂરુના બસવના ગુડી વિસ્તારમાં જ્યાં આ મંદિર આવેલું છે, તેને બુલ ટેમ્પલ રોડ જ કહેવાય છે! આ મંદિર બ્યુગલ રોક નામના ઉદ્યાનમાં સ્થિત છે અને તેને બેંગલૂરુના સૌથી જૂનાં મંદિરોમાંનું એક કહેવામાં આવે છે. આ મંદિર 1537માં કર્ણાટકની રાજધાની બેંગલૂરુના સ્થાપક તરીકે પ્રખ્યાત કેમ્પે ગૌડા નામના શાસક દ્વારા બનાવવામાં આવ્યું હોવાનો અંદાજ છે.

નંદીની સ્થાપના પાછળ એક વાર્તા છે. બસવન ગુડી હવે જ્યાં સ્થિત છે તે વિસ્તાર એક સમયે મગફળીની ખેતી માટે પ્રખ્યાત હતો. ત્યાં ખેડૂતોને વારંવાર આવતી એક સમસ્યાનો સામનો કરવો પડતો હતો. દર પૂર્ણિમાની રાત્રે, એક બળદ મગફળીનાં ખેતરોમાં ઘૂસી જતો અને નોંધપાત્ર નુકસાન પહોંચાડતો હતો.

એક રાત્રે, ખેડૂતોએ બળદનો સામનો કરવાનું નક્કી કર્યું. જ્યારે તે દેખાયો, ત્યારે તેઓએ તેનો પીછો કર્યો. તે એક ટેકરી પર ઝડપથી દોડી રહ્યો હતો. જોકે, ટોચ પર પહોંચ્યા પછી, બળદ ગાયબ થઈ ગયો, અને તેના બદલે, તેમને નંદી (જેને કન્નડમાં બસવ પણ કહેવાય છે)ની મૂર્તિ મળી. ભગવાન શિવના વાહનના આ અકળ ક્રોધને શાંત કરવા ખેડૂતોએ તેમની મૂર્તિનું મંદિર બનાવવા નિર્ધાર કર્યો.

કહે છે કે, નંદી મંદિરના નિર્માણ પછી, બળદ દ્વારા થતા વિનાશમાં નોંધપાત્ર ઘટાડો થયો. પરિણામે, આ સ્થળના લોકો વાર્ષિક મગફળીનો ઉત્સવ ઉજવે છે અને નંદીને તેમના પાકનો પહેલો ભાગ અર્પણ કરે છે.

એટલુંજ નહીં ખેડૂતોના આશ્ર્ચર્ય વચ્ચે, નંદીની આ મૂર્તિનું કદ સતત વધ્યા કરતુ હતું. કોઈ જાણકારે તેના ઉપાય તરીકે નંદીના મસ્તકમાં ધાતુની પટ્ટી લગાવવા કહ્યું. આ ઉપાય કર્યા પછી, તેનું કદ વધતું બંધ થયું હોવાનું કહેવાય છે.

હકીકતમાં, લગભગ 4.6 મીટર (લગભગ 15 ફૂટ) ઊંચાઈ અને લગભગ 6.1 મીટર (લગભગ 20 ફૂટ) લંબાઈ સાથે, આ મંદિરમાં નંદીની મૂર્તિ વિશ્વની સૌથી મોટી મૂર્તિઓમાંની એક હોવાનું મનાય છે. નંદિની મૂર્તિ સુંદર તો છે જ, સાથે તેના વિશાળ કદના કારણે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે.

આપણ વાંચો:  ગીતા મહિમાઃ શાસ્ત્ર-મહિમા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button